મોહજીત રાજા મહાવિવેકી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મોહજીત રાજા મહાવિવેકી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મોહજીત રાજા મહાવિવેકી રે, જેની બુદ્ધિ છે અગમ અપાર રે ;
સંકલ્પ વિકલ્પ જેને એકે નહિ ઉરમાં રે, જેને લાગ્યો હરિ સે તાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! નિર્મળ ભક્તિ સદાય અવિચળ, જેનો પ્રેમ પ્રગટયો અભંગ રે ;
અમાપ બુદ્ધિ છે સદાય એમની રે, જેને લાગ્યો પરિપૂરણ રંગ…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એક સમે હરિ બેઠા એકાંતમાં ને, નારદ આવ્યા તેની પાસ રે ;
પ્રસન્ન થઈને હરિ ઊઠયા ને, સન્માન કીધું અવિનાશ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! ઘણે દિવસે તમે નારદ પધાર્યા ને, અમને કીધા છે કૃતાર્થ રે ;
ભાગ્ય હોય તો નારદ દર્શન તમારાં ને, તમ પર સદ્દગુરુનો હાથ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! નારદ કહે હરિ સાંભળો રે, મને થયો મનમાં પ્રશ્ન રે ;
જગત સર્વે તમને ભજે છે ને, તમે કોને ભજો છો શ્રીકૃષ્ણ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! મોહજીત રાજા અનન્ય દાસ મારો રે, તેને મારું છે ચિંતવન રે ;
તનમન સર્વે તેણે મને આપ્યા છે, ને પાળે છે ગુરુજીનું વચન રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એવું સુણીને નારદ બોલિયા રે, પરીક્ષા લેવા જાવું આ વાર રે ;
પ્રીતિ કેવી છે એહની ને, કેવો છે તેનો એકતાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! નારદ ત્યાંથી ઊઠયા ને, લાગ્યા હરિને પાય રે ;
મનમાં હરખ છે અતિ ઘણેરો રે, મોહજીતની પરીક્ષા લેવા જાય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! ત્યાંથી નારદ ચાલ્યા રે, ચાલી નીકળ્યા તત્કાળ રે ;
પ્રભાતમાં આવીને ઊતર્યા રે, રાજાની ફૂલવાડી મોઝાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! તંબોળિયા નાગને તુરત તેડાવીને, નારદે કર્યો છે હુકમ રે ;
મહોજીત રાજાના પુત્રને ડંખજો ને, પ્રાણ લેજો તત્કાળ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! મોહજીત રાજાએ પુત્રને કીધું રે, ફૂલ લેવા વનમાં જાઓ રે ;
આજ્ઞા સુણીને પુત્ર ચાલિયા રે, પિતાની આજ્ઞા ધરી મનમાંય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! પુત્ર ઘોડેથી ઊતર્યો રે, લાગ્યો નારદજીને પાય રે ;
ઘોડાને ત્યાં બાંધી કરીને, ફૂલડાં વીણવાને જાય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એવામાં તંબોળિયો નાગ આવ્યો રે, રાજકુમારની પાસ રે ;
જમણે અંગુઠે ડંખ દીધો રે, તુરત તજ્યો તેણે શ્વાસ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! ફૂલ લઈને કુંવર ન આવ્યો રે, ઘણી થઈ ગઈ છે વાર રે ;
બાનડીને કહે છે તું જા વનમાં રે, ફૂલ લેવાને આ વાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! આજ્ઞા માનીને દાસી ચાલી રે, વેગે આવી વનમાંય રે ;
કુંવરને ત્યાં પડેલા ભાળ્યા રે, દાસી લાગી નારદને પાય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! દાસી કહે તમે સાંભળો રે, મંદિર પધારો મહારાજ રે ;
મોહજીત રાજા ભક્ત પરિપૂરણ ને, સર્વે એવો છે સમાજ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! પુત્ર રાજાનો એક જ હતો રે, મરી ગયો વનની માંય રે ;
સાંભળતાં શોક થશે એહને રે, અમે કેમ આવીએ શહેરની માંય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! દાસી કહે મહારાજ સાંભળો રે, ઝાડવેથી પક્ષી ઊડી જાય રે ;
તેવું જ્ઞાન છે મોહજીત રાજાનું રે, તેના મનમાં શોક નવ થાય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એટલું કહી દાસી ઘરે આવી ને, નારદના દીધા સમાચાર રે ;
રાજા ને રાણી, કુંવરની રાણી રે, આવ્યાં છે વનની મોઝાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! આવી નારદને પાય લાગ્યા રે, વૃત્તિ ડોલે નહિ લગાર રે ;
નારદ કહે તમને ધન્ય છે રે, તમને ખરો લાગ્યો છે તાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
એટલું કહી પુત્રને સજીવન કીધો ને, નારદને લાવ્યા શહેરમાં ય રે ;
હરિથી વિશેષ હરિના દાસને જાણ્યા ને, આનંદ થયો છે ઉરમાંય…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! નારદ કહે છે માગો માગો તમે રે, માગીએ એક જ વચન રે ;
મોહમાયા અમને નડે નહિ ને, સદાય હરિ પ્રસન્ન રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એવું કોઈ મળે નહિ રે, જેની માયા દૂર થઈ જાય રે ;
તો તમને માયા કેમ નડે નહિ, જેને સંકલ્પ વિકલ્પ મનમાંય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
એવો ઈતિહાસ મેં તમને કીધો રે, જેના ચિત્ત ગળ્યા ભક્તિમાંય રે ;
સદ્દગુરુજીને શીશ સોંપ્યા રે, એને નડે નહિ બીજું કાંઈ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! આ ઈતિહાસ કોઈ સાંભળે રે, તે થાય હરિનો દાસ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એને આવે પૂરણ વિશ્વાસ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply