Anand ashram, Ghoghavadar

આત્માનું અનુસંધાન ધામ : આનંદ આશ્રમ ઘોઘાવદર

– પ્રો . ડો રમેશ મહેતા (શારદાગ્રામ કોલેજ માંગરોળ)

આશ્રમ એવું નામ પડે એટલે આપણા ચિત્તમાં વૈભવી મંદિરો, ઝાકઝમાળ, યાત્રાળુઓ માટેનાં ભવ્ય સુવિધાશીલ ગેસ્ટહાઉસો, ગાડી, બંગલા, બગીચા અને ભગવા કપડાં પાછળ ઘેલાં થતાં માનવ સમુદાયોની કલ્પના ખડી થાય. સૌરાષ્ટ્રમાં આવા ઘણા આશ્રમો છે, જ્યાં સેવા અને સાધનાની ભૂમિકાએ પૂર્ણવિરામ લીધો છે. વૈભવશાળી મહાલયોમાં એશ આરામની જિંદગી વિતાવતા, પોતાના પૂર્વજ સંતોની સાધના પરંપરાને વીસરીને, એનાં જીવદયા અને લોકકલ્યાણનાં કાર્યોને બદલે લાખો-કરોડોના ખર્ચે બાંધેલાં આધુનિક તમામ સુવિધાઓ યુક્ત ગેસ્ટહાઉસોમાં વીઆઇપી મહેમાનોને રાજી કરવા મથનારા મહંતો અને કહેવાતા સંતો દ્વારા, માત્ર પૈસાને કેન્દ્રમાં રાખીને વધુ ને વધુ સેવકોને કેમ આકર્ષી શકાય એવો પ્રચાર-પ્રસાર કરનારા કારખાનાં ઊભાં થયાં છે. આવા સમયમાં ખારા રણમાં મીઠી વીરડી સમાં કેટલાંક સ્થાનો એવા પણ છે જ્યાં આપણી ભારતીય સંસ્ક્રુતિની, મૂળ ઋષિ પરંપરાની, આપણા ગામઠી લોકસંતોની સેવા, સાધના, સ્વાધ્યાય, સત્સંગ અને સમર્પણ તથા સ્વાશ્રયની જ્યોત અવિરતપણે ઝગમગતી રહી છે. કશા યે આડંબર કે દેખાડા વિના, કશા યે પ્રચાર-પ્રસારના ઢોલ નગારાં વગાડ્યા વિના એક ખૂણે બેસીને આત્મસાધના અને લોકસેવાનાં વિવિધ કાર્યો કરનારા અબોલ-મૂક સેવકો પણ આ ધરતી ઉપર વિધમાન છે એનીુળ ક્રુતિની ઉભાં ઉભાં થયાં છે. જાણ આપણા લોક સમુદાયને નથી. કારણ કે આવી વ્યક્તિઓ અને નાનકડી સંસ્થાઓ સુધી ગુજરાતની આમ જનતાનું ધ્યાન નથી ગયું.

મધ્ય સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું ગોંડલ તાલુકાનું ઘોઘાવદર ગામ. જે ગોંડલથી પૂર્વ દિશામાં માત્ર સાત કિલોમિટરના અંતરે – ગોંડલ આટકોટ સ્ટેટ હાઇ વે પર આવેલું છે. આ ઘોઘાવદર ગામ એટલે આપણા પ્રખ્યાત ભજનિક સંત કવિ દાસી જીવણનું ગામ. રવિભાણ સંપ્રદાયના જીવણ સાહેબ/દાસી જીવણના નામથી ગુજરાતનો કોઇ ભજનપ્રેમી અજાણ્યો ન હોય. ઘોઘાવદર ગામે સંત દાસીજીવણસાહેબનો જન્મ આજથી બસો સાઠ વર્ષ પહેલાં ઇ.સ.૧૭૫૦ વિ.સં.૧૮૦૬માં થયેલો. આમરણના સંત ભીમસાહેબના શિષ્ય દાસીજીવણે ઘોઘાવદરમાં જ જીવતાં સમાધિ લીધેલી વિ.સં.૧૮૮૧માં દીવાળીના દિવસે … આ ભજનિક સંતકવિએ લખેલાં – ગાયેલાં સેંકડો ભજન પદો આજ સુધી લોકભજનિકો દ્વારા ગવાતાં રહ્યા છે.
પ્રકૃતિને ખોળે, પ્રાચીન સાત્વિક ઋષિ પરંપરાની યાદ અપાવે એવા સંતયુગલની અનોખી સાધનાધારા.

ઘોઘાવદર ગામથી તદ્દન નજીકમાં આવ્યો છે એક નાનકડો આશ્રમ ‘આનંદ આશ્રમ’. ગોંડલથી નીકળીએ અને ઘોઘાવદર ગામ સુધી પહોંચીએ એ પહેલાં જ ગોંડલથી માત્ર સાડા છ કિલોમિટરના અંતરે રોડના કાંઠે જ દેખાય વટેમાર્ગુઓ માટેનું પાણી પરબ… માટીની નાંદમાં ભરેલું મીઠું પાણી. અને સામે જ દેખાય આનંદ આશ્રમનું નાનકડું સંકુલ… ચારેક, પતરાંના એકઢાળિયાં જેવા છાપરાં અને એક ગ્રંથાલય ભવનનું પાકું મકાન, આઠ દસ ફૂટ ઊંચું નાનકડું હનુમાનજીનું મંદિર અને આશ્રમનો વ્રુક્ષો નીચે બાંધેલા અઢારેક જેટલાં નાના મોટાં ગાયો- વાછરડાંઓનો પરિવાર.

સવારના પહોરમાં આશ્રમના પ્રાંગણમાં પ્રવેશતાં જ આપણી નજરે ચડે હાથમાં સાવરણો લઇને ગૌશાળામાં વાસીદું કરતાં નેવું વર્ષના બૂઝર્ગ માડી, ઘાસની ભારી માથા પર ચડાવીને લુંગી, દાઢી, જટા, માળા અને ઉઘાડે ડીલે, ઉઘાડે પગે ચાલ્યા આવતા સાધુ ફકીર જેવો એક ઓલિયો આદમી. એની નજર પડતાં જ ‘આવો, આવો, આવો બાપલા…’ના મીઠા આવકારના શબ્દો સંભળાય, ને આપણી નજરમાં બીજું દશ્ય ઉમેરાય-માથા પર છાણનો સૂંડલો ચડાવીને છાણથી લથબથ હાથ અને હસતે ચહેરે મહેમાનોને આવકારતાં એક સન્નારી… વ્રુક્ષો નીચે બંધાયું છે ગૌધન. ગંગા, જમના, સરયુ, ગૌરી, કાવેરી, ભક્તિ, ક્રિશ્ના, ભગવતી, ગોપી, નીલકંઠ, દેવો, શિવો, અને નાનેરાં સાતેક વાછરડાંનો સમુદાય..લૌકીક વ્યવહારો અને વિધિ-નિષેધોથી મુક્ત સેવાયજ્ઞ

વ્રુક્ષો નીચે ખાટલા ઉપર કે બે ચાર પ્લાસ્ટીકની ભાંગીતૂટી ખુરશીઓ ઉપર બેસીને, મીઠું પાણી પીતાં પીતાં નજર ફેરવીએ તો દેખાય દરવાજા વિનાનો આ આશ્રમ.. બારણાં વિનાના નાનકડા મંદિરમાં બિરાજેલા હનુમાનજી મહારાજની હસમુખી મૂર્તિ, અને રામ લક્ષ્મણ જાનકી – કાળિયો ઠાકર, રૂક્ષ્મણિની પ્રતિમાઓ સાથે પત્થરમાં કંડારાયેલું ક્ષેત્રપાત્ર નાગદેવનું પ્રાચીન શિલ્પ. સિમેન્ટની પાટ ઉપર મૂકેલું સ્ટીલનું પીપ, ચાલીશેક સ્ટીલ / એલ્યુમિનિયમની નાની મોટી બરણીઓ અને આ પીપમાંથી મફત છાશ અને રાહત ભાવનું દૂધ લઇ જવા રાહ જોઇને બેઠેલા ઘોઘાવદર ગામના ગરીબ કુટુંબોના બાળકો…થોડી વારે સામેના છાપરામાંથી હાથમાં બે ડોલ અને પવાલું લઇને આવેલા એક અઢારેક વર્ષના અને એક સોળેક વર્ષના બે કિશોર ગાયો દોહવાની તૈયાર કરે.

સામસામા બેસીને મા-દીકરો બેઉ ભાઇઓ કે પેલા સાધુવેશધારી પુરૂષ અને સન્નારી ગાયોને દોહીને પહેલું કામ કરે છાશ-દૂધની વહેચણીનું. અને પછી મહેમાનોને દોરી જય સંતસાહિત્ય સંશોધન અધ્યયન ભવન ગ્રંથાલય હોલ તરફ.

સંત સાહિત્ય સંશોધન- અધ્યયન સંદર્ભ ગ્રંથાલય

લગભગ સોએક માણસો બેસી શકે એવડો હોલ – પંદરેક માણસો બેસી શકે એવું સ્ટેજ અને દિવાલોમાં રખાયેલા ખાંચામાં ગોઠવાયેલા સ્ટીલ કબાટોમાં તથા કબાટની ઉપરના માળિયાઓના ખાંચાઓમાં ગોઠવાયેલાં સાત હજારથી વધુ અમૂલ્ય અપ્રાપ્ય એવા સંદર્ભ પુસ્તકો… લોકસાહિત્ય, સંતસાહિત્ય, ચારણી-બારોટી સાહિત્ય, મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય, વિવેચન, સંશોધન, સંપાદન કાવ્યસંગ્રહો, નવલકથા, નાટક, ઇતિહાસ, નિબંધ, ધર્મ, તત્વજ્ઞાન, પુરાણ, ચરિત્ર, આર્યુવેદ, અને ભારતીય સંસ્ક્રુતિને ઉજાગર કરતા વિવધ વિષયો પરના હિન્દી, સંસ્ક્રુત, અંગ્રેજી, કચ્છી, આદીવાસી બોલી ભાષાઓમાં રચાયેલા સાહિત્ય સંદર્ભ ગ્રંથો. જૂનાં સામયિકોની ફાઇલો અને એક કબાટ ભરીને લગભગ સાતસો જેટલી ઓડિયો કેસેટમાં ધ્વનિમુદ્રિત થયેલી લોકસંગીત-ભક્તિસંગીતની સામગ્રીઓ ધરાવતી કેસેટ લાયબ્રેરી.. જેમાં જૂના સમયની સંતવાણી ભજનોની રેકોર્ડઝ ઉપરાંત કેટલીક વિડિયો કેસેટ પણ જોવા મળે. આ સામગ્રીમાં સચવાયો છે ભારતીય લોકસંગીત અને ભક્તિસંગીતનો ધીરે ધીરે લૂપ્ત થતો રહેલો ભવ્ય સંસ્કાર વારસો… સાથોસાથ બસો અઢીસો વર્ષ પહેલાં દેશી હાથ બનાવટના કાગળો ઉપર હાથની બનાવટવાળી શાહી અને રંગોથી લખાયેલી સચિત્ર, હાથે લખાયેલી અતિ મૂલ્યવાન દૂર્લભ હસ્તપ્રતો. – બે-ત્રણ રામસાગર, હારમોનિયમ, તબલાં, મંજીરાં, વિવિધ એવોર્ડઝ, પારિતોષિકો, પ્રમાણપત્રો, સંતો-મહંતો, કવિઓ ક્લાકારોના ફોટોગ્રાફસ…

આ બધું જોતાની સાથે જ યાદ આવી જાય છે પૂ.મોરારીબાપુ આયોજીત અસ્મિતા પર્વનું નવમું વર્ષ. ઇ.સ.૨૦૦૬માંની સંતસાહિત્યની બે બેઠકો અને છ વ્યાખ્યાનો. એમાં બીજા દિવસની પ્રથમ બેઠકનું સંચાલન કરતા બૂઝર્ગ વડીલ શ્રી નરોત્તમ પલાણ એ બેઠકના ત્રીજા અને અંતિમ વક્તાનો પરિચય આપતાં તેને ‘સવાઇ મેઘાણી’ તરીકે ઓળખાવે છે.

બપોરના પોણા બાર વાગ્યે સાયંકાલના સંધ્યા આરતીનાં ભજનોથી શરૂ કરીને પચાસેક મિનિટમાં આ વક્તા ગણપતિ, ગુરુમહિમા, વૈરાગ્ય ઉપદેશ, મનની મૂંઝવણ, ગુરુ શરણાગતિ, યોગાનુભૂતિ, અનહદનાદ, પ્યાલો, કટારી, હાટડી, ઝાલરી જેવાં રૂપકાત્મક ભજનો, થાળ, આરતી, સાવળ, આરાધ, આગમ, પરજ, રામગરી, પ્રભાતી અને પ્રભાતિયાં જેવા પરંપરિત સંતવાણીના ભજન પ્રકારો વિશે સ-ગાન મર્મ ઉદ્ઘાટન કરતું પ્રવચન આપે છે… પૂ.મોરારીબાપુની આંખમાંથી અશ્રુધારા વહે છે. સમગ્ર શ્રોતા વર્ગ કે જેમાં ગુજરાતભરના ખ્યાતનામ સાહિત્યકારો, કવિઓ, કલાકારો, અધ્યાપકો, વિદ્વાનો, સંગીતકાર, વિવેચકો, પત્રકારો, સંતો, મહંતો અને ભજનિકો બેઠા છે એ સૌ એક જાતની ધન્યતાની લાગણી અનુભવે છે, સૌ સ્ત્તબ્ધ છે, નિઃશબ્દ છે, જય હો ના જય ઘોષ સાથે સંચાલક એક પણ શબ્દની ટિપ્પણ કર્યા વિના આ બેઠકને પૂર્ણ થયેલી જાહેર કરે છે.

કોણ હતો એ વક્તા ? અત્યારે આનંદ આશ્રમના પ્રાંગણમાં વાસીદું કરનારો નિરંજન રાજ્યગુરુ ? એનાં કેટકેટલાં રૂપો-સ્વરૂપો નજર સામે આવતાં જાય છે. સાહિત્યના પરિસંવાદો હોય, અધિવેશન કે સેમિનાર હોય એમાં વિદ્વાન વક્તા તરીકે, આકાશવાણી કે દૂરદર્શનના જાહેર કાર્યક્રમોમં તજજ્ઞ સંચાલક તરીકે અને ભજન ગાયક તરીકે, શ્રી ક્રુષ્ણ જન્માષ્ટમી વખતે દ્વારકાના જગતમંદિરમાંથી પ્રસારિત થતા જીવંત પ્રસારણમાં – લાઇવ કોમેંટ્રીમાં છેલ્લા બાર વર્ષથી ડી.ડી.૧ અને ડી.ડી.૧૧ અમદાવાદ પરથી જગતના બાવન દેશો સુધી થતા જીવંત પ્રસારણમાં કોમેંટ્રી આપનારા કલાકાર તરીકે, સૌ.યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં પ્રોફેસર તરીકે, એમ.એ., એમ.ફિલના વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન આપતા અધ્યાપક તરીકે, કે ભારતની અને જગતભરની યુનિવર્સિટીઓના ઇંન્ડોલોજીના વિદ્વાનો સમક્ષ ભારતીય સંતસાહિત્ય, લોકસાહિત્ય, લોકસંગીત કે ભક્તિસંગીતના એક જાણકાર નિષ્ણાત તરીકે જેની ગણના થાય છે એવા તજજ્ઞ વિદ્વાન તરીકે આ દૂર્બળ દેહનો આદમી પંકાતો હશે ? મન ચકરાવે ચડી જાય એવી વિમાસણમાં આપણી મૂકાઇ જઇએ.

ગુજરાતભરની યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષા સાહિત્ય, લોકસાહિત્ય, સંતસાહિત્ય વિષયમાં પીએચડી પરીક્ષક – રેફરી તરીકે સેવાઓ આપનારો આ માણસ ?

મારી સામે ચિત્રલેખાનો ઇ.સ.૨૦૦૭નો દીપોત્સવી અંક પડ્યો છે એમાં અત્યારના ફૂલછાબના તંત્રીશ્રી કૌશીક મહેતાનો લેખ ‘સંતસાહિત્યના અલગારી સારથી’ આનંદ આશ્રમની અને આ વ્યક્તિની અપ્રસિધ્ધ એવી કેટલીયે બાબતોને સચિત્ર ઉજાગર કરે છે.

ડો.નિરંજન રાજ્યગુરુ ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેંટ્રી આપનારા તજજ્ઞ કલાકાર છે. તેઓ દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય એડવાઇઝરી બોર્ડના સદસ્ય તરીકે, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદવાદની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે અને પ્રસારભારતી આકાશવાણી રાજકોટની કાર્યક્રમ માર્ગદર્શક કમિટિના સભ્ય તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે અને પી.એચ.,ડી. ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાસંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે વીસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયાં છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ઘોઘાવદર ગામના વતની શુધ્ધ ગાંધીવાદી, પ્રખર આર્યસમાજી, આચાર્ય સાહિત્યકાર કવિશ્રી વલ્લભભાઇ રાજ્યગુરુને ત્યાં માતા વિજ્યાબેનની કૂખે તેમનો જન્મ તા.૨૪-૧૨-૧૯૫૪ના રોજ થયો. પ્રાથમિક શિક્ષણ ઘોઘાવદરમાં, માધ્યમિક અને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ગોંડલમાં મરમી કવિશ્રી મકરન્દ દવેને ત્યાં રહીને, તથા અનુસ્નાતક અને પી.એચ.,ડી. કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રહીને પૂર્ણ કર્યો. ભજનિક સંત કવિ દાસી જીવણના જીવન અને કવન વિષયે તૈયાર કરેલો મહાનિબંધ ભજનસાહિત્યના સંશોધનક્ષેત્રે અનન્ય ગણાયો છે.

રાષ્ટ્રીય કક્ષાની ડો.હોમી ભાભા ફેલોશિપ, સાહિત્ય અકાદમી ફેલોશીપ, કવિ શ્રી કાગ એવોર્ડ, શિવમ એવોર્ડ, દાસી જીવણ એવોર્ડ, ભુવનેશ્વરી એવોર્ડ જેવાં અનેક સન્માનો તેમને મળ્યાં છે. ગોંડલથી સાત કિલોમિટરના અંતરે ગોંડલ-આટકોટ સ્ટેટ હાઇવે પર આવેલા આનંદ આશ્રમમાં સાત હજાર અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રતભંડાર, 7૦૦ જેટલી કેસેટસમાં પરંપરિત ભક્તિસંગીત-લોકસંગીતનું ધ્વનિમુદ્રણ સચવાયાં છે. છેલ્લા વીશેક વર્ષથી જીવદયા અને ગૌસેવાની પ્રવ્રુતિઓ તથા અન્ય સેવાકાર્યો થાય છે.

હા, આ ઋષિકૂળના તદન સાદા, પવિત્ર અને દિવ્ય પરિસરમાં પૂ.મોરારીબાપુ, પૂ.રમેશભાઇ ઓઝા, જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી વિજયશીલચન્દ્રસૂરિ મહારાજસાહેબ, સ્વામિ. સંપ્રદાયના ડોક્ટર સ્વામી, સ્વામી માધવપ્રિયદાસજી, સ્વામી ધર્મબંધુજી, યોગી ભાણ દેવજી, સીતારામબાપુ, પ્રખ્યાત ભજનિક શ્રી હેમંત ચૌહાણ, નિરંજન પંડ્યા, કરસન સાગઠીયા, તખતદાન રોહડિયા – ‘દાન અલગારી’, રામજીભાઇ વાણીયા, કવિશ્રી – રાજેન્દ્ર શુકલ, અનીલ જોશી, રજનીકુમાર પંડ્યા, દીપક દોશી અને કૌશીક મહેતા કે ડો.મનોજ જોશી જેવા પત્રકાર લેખકો આવીને બે પાંચ ઘડી પોતાના તન-મનનો થાક ઉતારી જાય તો અમેરિકાની હાર્વર્ડ યુનિ. કે ફ્રાન્સની-પેરીસની સોરોબોર્ન યુનિ.ના સંશોધકો અહીં અનિવાર્યપણે આવીને પોતાના સંશોધનકાર્ય વિશે માર્ગદર્શન મેળવતા હોય.

ગુજરાતી સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્યના વિદ્વાન સંશોધકો અને અભ્યાસી વિવેચકો સર્વશ્રી ડો.રાજેન્દ્રસિંહ રાયજાદા, પ્રિ.નરોત્તમ પલાણ, ડો.નરેશ વેદ, ડો.નાથાલાલ ગોહિલ, ડો.બળવંત જાની, ડો.મનોજ રાવલ, ડો.ભગવાનદાસ પટેલ, મુ.શ્રી લાભશંકર પુરોહિત, પ્રા.રવજી રોકડ, રાજુલ દવે, વીરચંદ પંચાલ, હસમુખ વ્યાસ, યશવંત ઉપાધ્યાય, ફારૂક શાહ, સ્વ.વિનોદ મેઘાણી, શ્રી જયંત મેઘાણી, કવિ ચિત્રકારશ્રી ગુલામ મોહમ્મદ શેખ, કવિશ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર, જયદેવ શુકલ, ડો.વિનોદ જોશી, શિરીષ પંચાલ, રમણ સોની, રાજેશ પંડ્યા, હરિશ્યન્દ્ર જોશી, ચિત્રકાર-સર્જકો સ્વ.જનક ત્રિવેદી, સવજી છાયા અને અગણિત કવિઓ, કલાકારો, સંતો, મહંતો, ચિત્રકારો, પત્રકારો, સંગીતકારો, સાધકો, સિધ્ધપુરુષો, ભજનિકો, મુમુક્ષોઓ આ રસ્તેથી નીકેળી ત્યારે અવશ્ય આશ્રમની મુલાકાતે આવે ને પ્રસન્ન થાય.

આનંદ આશ્રમમં સચવાયેલી ધ્વનિમુદ્રિત કેસેટ્સ સામગ્રી કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે, આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગવારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લૂપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા – શ્રી વિપુલ કલ્યાણી તંત્રીશ્રી ‘ઓપિનિયન’ (યુ.કે.) તરફથી એમના પિતાશ્રી સ્વ. શ્રી ભગવાનજી ઓધવજી કલ્યાણીના સ્મરણાર્થે બે કોમ્પ્યુટર સેટ તથા આનુષંગીક ખર્ચ માટેનું અનુદાન અને મુંબઇના ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોકભાઇ કરણિયાનો માર્ગદર્શક સહકાર પ્રાપ્ત થતાં પ્રથમ તબક્કાના ભાગ રૂપે ૧૪૭ કેસેટ્સમાં સચવાયેલી લોકવિધા-લોકસાહિત્ય-સંતવાણીની ૯૦૦ જેટલાં ભજનોની ધ્વનિમુદ્રિત સામગ્રીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે પરિવર્તિત કરવામાં આવી છે, હજુ બાકી રહેલી કેસેટ્સમાં સચવાયેલી સામગ્રીને પરિવર્તિત કરવાની કામગીરી કરવાની છે. આ તમામ સામગ્રી એક વખત કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે નંખાઇ જાય એ પછે તેને એડિટ કરતા જઇને તેના સૂચિકરણ-વિભાગીકરણ-વર્ગીકરણ અને જે તે રચનાના લિખિત પાઠ, પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમે સૂચિ, સર્જક સૂચિ, ભજન ગાયક સૂચિ, ભજન પ્રકારો મુજબની સૂચિ તૈયાર કરવાની છે. આ સામગ્રીનો ઉપયોગ માત્ર સંશોધન માટે થશે. એનું વ્યવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવતું નથી. ભવિષ્યમાં આનંદઆશ્રમની આજ વેબ સાઇટ પરથી આ તમામ સામગ્રી જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થશે. આ ઉપરાંત સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન-અધ્યયન-વિવેચનને લગતા જુદા જુદા સાહિત્ય સામયિકો, સંદર્ભગ્રંથો, ગુજરાતી વિશ્વકોશ-સાહિત્યકોશ વગેરે કોશગ્રંથોના અધિકરણો, વર્તમાનપત્રો, સેમિનાર-પરિસંવાદોમાં અપાયેલાં વક્તવ્યો વગેરે પ્રકાશિત-અપ્રકાશિત સામગ્રીના ૧૯૦ જેટલા સંશોધન લેખોનું ટાઇપસેટિંગ કરવામાં આવ્યું છે.

ASHRAMહાલમાં આશ્રમમાં સત્તર ગાયોની ગૌશાળા કાર્યરત છે. જેના દૂધમાંથી ઘોઘાવદર ગામના ચાલીશ ગરીબ કુટુંબોને મફત છાશ આપવામાં આવે છે અને તદન રાહતભાવથી માત્ર પન્દર રૂપિએ એક લિટર ગાયનું દૂધ ગરીબ કુટુંબોને અપાય છે. સાહિત્ય સંશોધન, વ્રુક્ષ ઉછેર્, ગૌસેવા, પક્ષીઓને ચણ તથા અંધઅપંગ બિમાર પશુ-પક્ષીઓની સારવાર જેવાં સત્કાર્યો માટે બેન્ક ઓફ ઇન્ડિયા ગોંડલ શાખામાં ‘આનંદઆશ્રમ ઘોઘાવદર’ ના નામથી ૩૧૧ ૫૧૦૧ ૦૦૦ ૧૩૮૮૯ નંબરથી એકાઉન્ટ ખોલવામાં આવેલ છે. જેમાં ભારત કે વિદેશમાંની કોઇપણ જ્ગ્યાએથી અનુદાન રકમ જમા કરાવી શકાય છે.

સંપર્ક : ડો.નિરંજન રાજ્યગુરુ, આનંદ આશ્રમ ઘોઘાવદર, તા.ગોંડલ, જિ.રાજકોટ ૩૬૦ ૩૧૧
ફોન : ૦૨૮૫ – ૨૭૧૫૮૨, ૨૬૧૪૦૯ મો. ૯૮૨૪૩ ૭૧૯૦૪