Poetry By Dr. Niranjan Rajyaguru

અપ્રકાશિત કાવ્ય સંગ્રહ – ભરપુર પિયાલો અને મખમલિયાં કિરણો Click Here to read this Book


પૂછે તો જ બતાવું નહીંતર,

ભંડારી દઉ ભીતર ;

ખેલૈયો થઇ ખૂબ ખરાખર,

ખેલું અરથ અનંતર…

અગમ અગોચર પલક પ્રદેશે

પવન પાવડી, અગન નાવડી

વીજ વાવડી, ગગન ગાવડી

દેખું ને દિખલાવું,

બીજને વિગતેથી વવરાવું

પૂરણ જલ પ્રેમ થકી પીવરાવું

ભવ ભવની ભૂખ ભાળું તિયારે,

ઝીણાં વગાડું જંતર…

– પૂછે તો જ બતાવું…

નથી હાટ કે ઘાટ, માટ

છે  વાટ અજબ વેરાગી

અમણું – તમણું – બમણું છોડી

તુરીયા તાળી વાગી, જોઇ લે

અધ નીંદરથી જાગી, મેલી મમત

રમત સૌ રાગી, આંધી જગાવ

થઇ જા બાગી, તો     હા     તો    જ

બનીને બંદો મીઠડાં મારું મંતર…

– પૂછે તો જ બતાવું…

સંતો ! સહજ શબદ સરવાણી…

ક્યાંક ઝાંઝવા, ક્યાંક થીજેલાં, ક્યાંક પ્રવાહિત પાણી ;

ક્યાંક ટપકતાં, ક્યાંક વરસતાં, બંધે ભયભીત પાણી…

સંતો ! સહજ શબદ સરવાણી…

કરોડ નાખી કેડી, બિરાજે દરવાજે દરવાણી ;

કંઠી બાંધો, કાંક ધરાવો, તરસ્યાં લાવો તાણી…

સંતો ! સહજ શબદ સરવાણી…

ધરમ હાટડી, માલ મુક્તિનો, એક જ અમ પરવાની ;

દોડો, દોડો, રહી જાશો ! કુંવારી રે’શે રાણી…

સંતો ! સહજ શબદ સરવાણી…

દોટ દઇ ગડગડતી, ‘સ્વામી’ ‘બાપુ’ ‘ગુરુજી’ જાણી ;

ડૂબ્યાં ભમ્મર ઘૂને, ન મળી આરપાર એંધાણી…

સંતો ! સહજ શબદ સરવાણી…

એક બીજ પાંગરતું મન – વન, ગગન, ધરા અણજાણી ;

સકળ સ્રુષ્ટિનો ખેલ અજાયબ, ખૂલી જાય ! ધૂળધાણી…

સંતો ! સહજ શબદ સરવાણી…

આમ જુઓ તો આસન બાંધી, પંચમ પીલે ઘાણી ;

ને આમ જુઓ તો પરમ પામવા, આતુર કરે ઉજાણી…

સંતો ! સહજ શબદ સરવાણી…

– માધવ ! મૌજ પડી ગઇ ભારે

બે ડગલાં આઘેરાં માંડયાં

હુકમ મળ્યો હદપારે…

બંધન છૂટયાં, વિગત વછૂટયાં, તૂટયા તાર તમામ,

હવે નથી કો’ વળગણ વેરી, દુનિયા ! દેખ દમામ ;

તન તંબૂરો રણઝણ રણઝણ, તૂં હિ  તૂં હિ ના   તારે…

– માધવ ! મૌજ પડી ગઇ ભારે…..

અંતરિક્ષમાં શબદ સરોવર, મન માછલિયે ભાળ્યું,

પાંખ છલાંગે અધ્ધર પધ્ધર, પાર કરી છે પાળ્યું ;

મોતી મળિયું મરમ તણું અડબંગીને અધવારે…

– માધવ ! મૌજ પડી ગઇ ભારે…

હદ-બેહદ, અનહદને આરે, અનભે આસન માંડી,

છટકેલો આ થિયો છાકટો, પડઘમ પાડી દાંડી ;

ચલમ ચેતવી ઘૂંટે ભર્યો   મર કોઇ જીતે કે હારે…

– માધવ ! મૌજ પડી ગઇ ભારે…

ઉકરડો અજવાળ્યો, તણખો મેલી દીધો આ તનમાં,

બની દિગંબર નાચું બેલી ! જગ જખ મારે સપનમાં ;

અવઢવની તો દિશા આથમી, સાંઇ ! સહજ સંસારે…

– માધવ ! મૌજ પડી ગઇ ભારે…

આ શ્વાસ-ઉચ્છવાસ, કહો કેટલી ઘડી ?

નેણાં મહીં ઉજાસ, કહો કેટલી ઘડી ?

કંઇ કંઇ તુમાખી તોર, ભરીને ઘણું ભમ્યા

ફુગ્ગામાં વાગી ફાંસ, કહો કેટલી ઘડી ?

અધિકાર લઇ ઊભા’તા, કરવાને દિગ્વિજય

દમનો દિવાને ખાસ, કહો કેટલી ઘડી ?

પુષ્કળ પ્રતીતિ હોય કે આ દાવ જીતશું

ત્યાં ફેકવાને તાસ, કહો કેટલી ઘડી ?

ગુલજારમાં, ફૂલોમાં, અત્તર બજારમાં

મૂર્દા કીડીની વાસ, કહો કેટલી ઘડી ?

સિજદા, સલામી ખૂબ ઝીલંતો રહ્યો ભલા !

બાંધ્યો નનામી વાંસ, કહો કેટલી ઘડી ?

ચક્કર ભમે છે બાજ, ઇ ચકલીને ક્યાં ખબર ?

ચીં ચીં ના પાડે ચાસ, કહો કેટલી ઘડી ?

વાંભું ભરી કટારી લઇ કાળજું ચીરે

વાહ ! દુશ્મની આભાસ, કહો કેટલી ઘડી ?

 

 

 

 

– ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

તું થઇ જાજે પંખી ને હું સરસ મજાનો દાણો

ચાદર થાશું કબીરાની, તું તાણો ને હું વાણો

અરસ-પરસ અદ્વૈત રચીને, એક-બીજાને ગમીએ…

– ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

કાં થાઉ રેશમનો ગોટો, તું થાજે ચિનગારી

અજવાળાં ઝોકાર મિલનની અદભુત અપરંપારી

હું હું તું તું આજ મટાડી, અંદરથી ઓગળીએ…

– ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

શબદ-અરથ, નભ-વીજળી, મુરલી-ફૂંક  તણો  સૌ ખેલ

મધમાખી થા મધુરસ લેવા, સાચો ઇ જ ઉકેલ

પવન-આગ, શું પવન-ગતિ, શું પવન-ગંધ સં-બંધીએ…

– ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

વાંસ તણો કટકો તુજ હોઠે, શ્વાસ ફૂંક ઝટ ભારી

નાદ સૂરીલો સાંભળશે આ જગના સૌ નરનારી

બે ધાતુ પ્રજળાવે, જોડે, એવી ધમણ્યું ધમીએ…

– ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

સૂફિયા ! સાંભળ વાત મરમની, શબદ રમત છે સહેલી,

પણ, જોગંદરને ય નાચ નચાવે, ઇ ચતુરંગિણી ચેલી…

સૂફિયા ! શબદ રમત છે સહેલી…

ભરમાવે, ભટકાવે ભવમાં, દરિયા ભીતર નાંખે દવમાં ;

છટકે, નાવે ઇ અનુભવમાં, ખૂબ ખરાખર ખેલી…

સૂફિયા ! શબદ રમત છે સહેલી…

ફૂલણશી નો થતો ફકીરા ! મદહોશેમાં મ્હાલે ;

નથી પરિચય પિંડ તણો, શું પડયો ! પરમને પાલે ?

ભીતર ઝાંખ, લે, જોઇ તમાશો, પકડ કલમ અલબેલી…

સૂફિયા ! શબદ રમત છે સહેલી…

પોથીમાં ચિતરાણું તારું, અજબગજબનું ખાતું,

વળગી રયો જો વાટે, તો તો ગદ્ધા ! ખાશે લાતું ;

પંડય મહિં બૂઝી લે બંદા ! પરમ ધણીની પહેલી…

સૂફિયા ! શબદ રમત છે સહેલી…

મેલી ચલમ ઉપર ચિનગારી.

ચેતન ચતુરંગી અસવારી, ભિતર ભડકા ભારીભારી,

–   મેલી ચલમ ઉપર ચિનગારી…

ઘૂંટ નશીલો, ઝાકળનાં કણ ઝીલી, ફૂંક મદિલી,

લીલી લીલી ઝાંય ફણીધર બેઠો થ્યો પળવારી…

– મેલી ચલમ ઉપર ચિનગારી…

રુડી મોરલી બાજી, ગારુડી કૂડી નજરને બાંધી,

ઊઠી આંધી, રણની કાંધી, ખૂલે બંધ ભરમની બારી…

– મેલી ચલમ ઉપર ચિનગારી…

જડી બુટીની જડી, હાથમાં પડી, અચાનક અડી, ને

ઘમ્મર ઘમ્મ વલોણું, ફાવી નૈં કૈં કારી, બેઠો હારી…

– મેલી ચલમ ઉપર ચિનગારી…

જોગંદરની ધૂણી, ખૂલી ગૈ પૂણી, સૂણી જ્યાં વાત,

અજબ ગિરનારી, ભરોંસા તેરા ભારી, વારી…

– મેલી ચલમ ઉપર ચિનગારી…

જેને તેને ડારા દઇએ, કોક કોકને નમણ્યું,

ફિશિયારી તો એવી, ‘બાપુ’ ક્યે દઇ દેતાં બમણ્યું,

નથી ગમી ઇ કહેવત કદી યે ત્રેવડ ત્રીજો ભાઇ,

ઇ તેને નહીં સમજાય, ટોકરિયા ! એશ કરી લે…

– અંદર તું પરવેશ કરી લે…

તરગાળાની મૂંછ રાતમાં સાત વાર શું પહેરે,

કયેં ખરી પડશે ને લાલી ઝગમગશે ઇ ચહેરે,

હમણેં તો રાજા ભોજ કતો ત્યાં, થઇ ગૈ પિંગલઆઇ !

ઇ તને નહીં સમજાય, ટોકરિયા ! ટેશ કરી લે…

– અંદર તું પરવેશ કરી લે…

લાલ પીળા ને લીલા રૂપેરી મેઘધનુષી સપનાં,

ઇ સપનાં સંગાથે કરવી સ્હેલ, સૂરજ શું ખપનાં ?

દિલ દરવેશી, ફકીર આલાં, નિત તરવેણી નાઇ,

ઇ તને નહીં સમજાય, ટોકરિયા ! એશ કરી લે…

– અંદર તું પરવેશ કરી લે…

ચિંતા ના લવલેશ, એશ, બસ ટેશ કરી લે…

અપનાં દિલ એસા ગાય ટોકરિયા ! ટેશ કરી લે…

– અંદર તું પરવેશ કરી લે…

હરદમ નવરો ધૂપ, કશી યે અડચણ કેવી ?

ચકડોળ બધા યે ચૂપ, કશી યે અડચણ કેવી ?

આંખ નિહાળે અઘરૂં, શ્વાસનું જંપી ગ્યું જ્યાં મઘરૂં

લલિત ત્રિભંગી જાણે લઘરૂં, હવે ઝળહળ ઝળહળ કૂપ

કશી યે અડચણ કેવી ?

હરદમ નવરો ધૂપ, કશી યે અડચણ કેવી ?

પાંખ વિનાનું પંખી, કર્ણને મધુરી સુવાસ ડંખી,

જુગ જુગથી જે ઝંખી, એનું છતું થઇ ગયું રૂપ…

કશી યે અડચણ કેવી ?

હરદમ નવરો ધૂપ, કશી યે અડચણ કેવી ?

ઘુંટી ઘુંટી પાઇ, મદીલી લાલપ ચડી સવાઇ

લીલાગર ગરલ કરાવે હાય ! ભૂલ્યો ચકરાવો સૂરજ ભૂપ

કશી યે અડચણ કેવી ?

હરદમ નવરો ધૂપ, કશી યે અડચણ કેવી ?

૧૦

ફૂટલ ફુગ્ગો, શ્વાસ તણા બખિયા લઉ સાંધી,

વજ્જરલેપ લગાડું, મરને આવે આંધી ?

સડેડાટ ચડશે, ચગશે ઇ દોર કનકવો,

સપ્તલોક નવખંડે ખળભળ, શિખર સરકવો,

ઉલટ-પલટની જાતર, સુરતા ઓઘટ પ્યાલે,

ઝળમળ વરસે બુંદ, ચિત્ત ચાતકની ચાલે.

ચાંચ મહીં શું ઝીલે મરમ મોતીડું ઝીણું,

શબદ સરવડાં ખરે, પરમનું પીતાં પીણું…

૧૧

સૂતાં સૂતાં ય આવે, પાણી પીતાં ય આવે,

શું પંથ શું કે પાળા, ચોમેર ક્યાં ય આવે.

ક્યારેક થઇ સવારી, નવલી બની શું નારી,

પલટાવી દ્યે પલકમાં, નખરાળી નાં ય આવે.

બોદા ફૂટેલ મટકે, તેજાબ થઇ તૂરીલો

ઓગાળી દ્યે અકળને, જો ધાંય ધાંય આવે.

બીજ વ્રુક્ષની લીલા જો, મૂળ પર્ણ કૂંપળોમાં

પમરાટ થઇ ફૂલોના એ શ્વાસમાં ય આવે.

વળગાડ છે આ વસમો, છે કોણ કૂંક મારે ?

મરમી બતાવે મારગ, કઇ મેર સાંઇ આવે.

સૂફિયા સફર શબદની, ચાહો કે તુમ ન ચાહો

એ ધોધમાર વરસે, ઝીણેરી ઝાંય આવે.

૧૨

કોને બાંધું ને કોને છોડું ? રે ભેરુ મારા !

– સપનાં હું કેટલાંક તોડું ?

આંખે અંજાય એક અવધૂતી રંગ

તિયાં, કલંદરી પ્રાણ પંડ માંહે

પાંખો ફફડાવી ચહે આસમાંની આરપાર

ભિતરનો ભગવો લહેરાવે,

ધૂંધળો ઉજાસ, નથી રજની કે વ્હાણું આ

ટાણું પરપોટો કેમ ફોડું ?…

– સપનાં હું કેટલાંક તોડું ?

બહુતંત્રી વીણા રણઝણતી, ફળફળતી

જો લાવાની બરણીમાં કીડી,

મોજ કરી ધીમું મલકાતી, લલચાવતી

ચડવા સૂરજ ગઢ સીડી,

ડગલું લઇ જાય એક અનહદને આરે

કે ચાંદલો પિયાળનો ચોડું ?…

– સપનાં હું કેટલાંક તોડું ?

ગોધણ વાળું, દઉં તાળું મરમાળું

પણ, ચાવી રહી કોકની કેડે,

શરતી સમરાંગણ આ, જીતવું કે હારવું

ના ફેંસલો દિયે   ને   છંછેડે,

આઘે આઘેથી દોર ફંગોળે ફૂલણજી !

અડબંગી થાવું કે ઓડું ?…

– સપનાં હું કેટલાંક તોડું ?

૧૩

સૂરજ ઊગી ગિયો આથમણે

કોર નીકળી, કિરણો ફૂટયાં

તડાક્ દઇને તિમિર તૂટયાં

શું બિંબ ઝળોહળ બમણે…

– સૂરજ ઊગી ગિયો આથમણે…

શરત મૂકીને સાંઇ ! તમે બાંધેલો વજ્જર દોરે ;

પતળેલા આ પિંડ પાંસરો, કીધો ઘોર-અઘોરે ;

મીણ મિનારે આસન દઇ, સળગાવ્યો ધરખમ ધમણે…

– સૂરજ ઊગી ગિયો આથમણે…

અંધારાં ઓઢાડયાં, પોઢાણ પવન પતંગી સેજ ;

સોડે સળવળ સાપણ કરતી ફૂંફાડા ભૈ તેજ ;

એક જ લબકારો બસ, ભાંગ્યાં ભવભવ કેરા ભ્રમણે…

– સૂરજ ઊગી ગિયો આથમણે…

કલંદરીનો કાવો પી, દમ માર્યો દીવાદાંડી ;

કોણી લગ શું ?પ્રજળી ઊભી મેર-સુમેરૂ કાંડી ;

તરવેણીને તીરે જામી, રાસલીલા રસ રમણે…

– સૂરજ ઊગી ગિયો આથમણે…

૧૪

અડફેટે આવે નાંખ ઉલાળી,

તરભેટો તાકે દઇ દે તાળી,

સાવ સમંદર સૂકવી નાંખી,

કર બચ્ચા ! જો ! ભોમ ઉજાળી.

અડફેટે આવે નાંખ ઉલાળી…

શેઢા તોડી પાળ વછોડી,

નિંદામણ બીજ સઘળાં બાળી,

છંછેડી મુરલી નાદે અનહદ,

વશ કરજે નાગણ ભમરાળી,

અડફેટે આવે નાંખ ઉલાળી…

કેસરવરણી કાયા ભીતર,

પરપોટી તું ફોડ નિહાળી,

આડી-અવળી, ઊંઘી-સવળી,

આંકી દે અવ લકીર કાળી.

અડફેટે આવે નાંખ ઉલાળી…

સનનન તીરે વછૂટે, દાગે,

ચંભા એના કૂરચા ઢાળી,

ટોચ લગી તણખલડાં કેરી,

બાંધી દે તરપંખી માળી.

અડફેટે આવે નાંખ ઉલાળી…

૧૫

પ્રેમ ધૂન વાગી જોગીના જંતરમાં,

વિરહ ધૂન જાગી જોગીના જંતરમાં…

– પ્રેમ ધૂન વાગી…

સૂતાં કે જાગતાં મૂરલી સૂર જાગે,

મુરલી સૂર વાગે છે અનહદ નાદે ;

મૂઠ-ચોટ મારી આ કોણે મંતરમાં…

– પ્રેમ ધૂન વાગી…

જોગી, ધ્યાન, આસનમાં દલડું નો લાગે,

ધાર ધાર આંસુની  વ્હેતી થઇ રાગે ;

પિંડ ગિયો ઓગળી રેલ્યો અંતરમાં…

– પ્રેમ ધૂન વાગી…

હૈયાના થડકારા વાગ્યા શું આકળા !

પંડયમાંના પડકારા થૈ ગ્યા બેબાકળા ;

કૂણું કૂણું કાળજું ધખે છે કળતરમાં…

– પ્રેમ ધૂન વાગી…

અલખ ધૂન સાંભળતાં ઉડે અવકાશે,

વટલ્યો વેરાગી, બંધાણો પ્રેમ પાશે ;

થઇ ગ્યો શું બાગી ! આ બાવો બંજરમાં…

– પ્રેમ ધૂન વાગી…

તાંતણેથી બાંધ્યો આ કોણે તંતરમાં ?

ઇંટ  દીધી મૂકી શું ઊંઘી ચણતરમાં ?

પ્રભુજીને ક્યે ન આવું તારા ગણતરમાં…

૧૬

હલ્લેસાં હળવાં માર હરખજી !

જળ સામે શેનો ખાર ! હરખજી !

આકાશી ગંગામાં મેલી હોડી તરતી તારી

થંભી ગ્યો વાયુ ને માથે રાત પડી અંધારી

ખૂટલ ખલાસી થિયો, પહોંચે ક્યાંથી સામે પાર હરખજી !

– હલ્લેસાં હળવાં માર…

જો ધ્રુવતારો એક નિશાને, સીધી લીટી સંચાર

આડો-અવળો થ્યો તો જોજે થઇ ગ્યો કાળશિકાર

વામી દે, વામી દે સઘળો, જનમ જનમનો ભાર હરખજી !

– હલ્લેસાં હળવાં માર…

વ્હાણું વાશે, જરૂર વાશે, ઠેકાણે પહોંચાશે

ખોટાં ખત્તા ખાશે, સતિયાં હરખ-નિરખ હરખાશે

જો જે તારી હુશિયારીનો ભરતો  નૈં દરબાર હરખજી !

– હલ્લેસાં હળવાં માર…

૧૭    અનભે આસન માંડો

સંતો ! શબદ સાંકડો કૂવો, કૂવામાં ધૂણે ભયાનક ભૂવો ;

અચાનક    ઊતરી     અંદર    જુવો,

રે સંતો ! શબદ સાંકડો કૂવો…

આલિ, કાલિ, શું સ્વર-વ્યંજન, અંજન મંજન ભવ ભય ભંજન

પરાપારની કિરપા થાતે,       વિણ મરતક જો મૂવો..

રે સંતો ! શબદ સાંકડો કૂવો…

આથમતાં અંધારાં ઝળહળ, જ્યોત વહેતી થાતી ખળહળ

પળ પળ અંદર, બાહર ખળભળ, થળથળ પરગટ હૂવો…

રે સંતો ! શબદ સાંકડો કૂવો…

ગોહંભારવ નાદ વછૂટે, ત્રણ ગુણ તડાક દઇને તૂટે

ફૂટે જો પરપોટી,        અનભે આસન માંડી સૂવો…

રે સંતો ! શબદ સાંકડો કૂવો…

૧૮

પલપલિયાં તો પાડે, તું ભરમાતો નૈં,

ઇ આંસુડાં લીધાં ભાડે, ભૈ હરખાતો નૈં

સાંજ ઢળી કે જો જે કરશે કાતીલ કામા,

ધીરે ધીરે બાપલિયા ! ડગલાં ભરજે સામા.

ઓઘડ ! અથરો થા મા…

પતંગિયાંની પાંખ સમાણો પાલવ વીંઝે,

ઊના ઊના ટપકારે મરને મોસમ ભીંઝે

જરા ક    ભોણ કળાણું નાંખી દેશે ધામા,

હુશિયારી, મંતર, ચોટ, મોરલી થશે નકામા.

ઓઘડ ! અથરો થા મા…

નવરંગી ઇ નાટક ખેલ શું ખરાખરીનો,

પચરંગી પાખંડે કરશે બે કોડીનો

કાયા, છાયા, માયા, અપરંપાર ઉધામા,

એમાં પાર પહૂંચે તો તો જામે જામા…

ઓઘડ ! અથરો થા મા…

ઘડી બે ઘડી જડી, રૂપેરી પાઘ મસ્તકે ઘેરી,

નાંખ નાંખ ખંખેરી, જબરાં ચોટયાં રજકણ ઝેરી

ખૂટલ ખટપટિયાંની સનમુખ, સાચાં સોગન ખા મા,

તાર તાર ઓગાળી તારા ગાન અસરૂં ગા મા…

ઓઘડ ! અથરો થા મા…

ઘેલસાગરો કોક ગણે કે માની લ્યે અડબંગી,

છટકામાંથી છટક ! તુંને ટોપી મળશે સરભંગી

અડાબીડ કંટાળી કેડી જનમ જનમના દા માં,

જમા જાગરણ સમરણ જ્યોતે, સાંઇ સહજ તમ સામા…

ઓઘડ ! અથરો થા મા…

૧૯    સુંદરનો સાદ !

શું આ કોલાહલ અંદરનો ?

કે કંઇ સાદ પડ્યો સુંદરનો !

– શમણું ? આ અનુભવ ઘરનો ?…

ઉપર જોતાં શાંત બધું, નિઃસ્તબ્ધ, સ્વસ્થ

ન તરંગ અંગ, ના છંદ સ્પંદ, ને

શિતલ કિરણ ચંદરનો –

હળવો હાથ અડયો હરિવરનો ?

મુરલી નાદ બજ્યો ! મહુવરનો ?

– શમણું ? આ અનુભવ ઘરનો ?…

ભીતર ભડકા, લપકારા, વીજ ચમકારા, ઘન મંડલ

વરસે ધારા, હરદમ પ્રજળે-ઉજળે-ઉછળે

કણ કણ નિજ ખંડરનો-

મહેક્યો દરિયો કિયાં અત્તરનો !

વરમંડ પિંડ ઘાત વજ્જરનો !

– શમણું ? આ અનુભવ ઘરનો ?…

ખળભળ મેરુ, ઝળહળ જ્યોતિ, ચમક્યું મોતી

ઉદાસીન આથમણે મારગ, વીજ લીસોટે

ઝમકારો ઘુંઘરનો –

જડ ચેતન ભેદ મિટયો થર થરનો

લીલાગર કેફ ચડયો ! પદરવનો ?

– શમણું ? આ અનુભવ ઘરનો ?…

સિંહત્રાડ, લાળી, કિકિયાટા, ચિચિયારી, બેં

હંભા, ચીં ચીં, હસવું, ભસવું, ધસવું, શમવું

અજબ અજાયબ, અકળિત ઓચ્છવ

ભરડો છે અજગરનો –

ગળીને અરથ સહુ અક્ષરનો

– શમણું ? આ અનુભવ ઘરનો ?…