ગંગાસતીનાં ભજનો

આત્મજ્ઞાની સંત કવયિત્રી : ગંગાસતી

ડૉ. નિરંજન રાજ્યગુરુ

આજથી માત્ર ૧૧૭ વર્ષ પહેલાં, વિક્રમ સંવત ૧૯પ૦ના ફાગણ સુદી ૮ ગુરુવાર તારીખ ૧પ માર્ચ ૧૮૯૪ ના દિવસે જેમણે આત્મત્યાગ કર્યો એવાં અર્વાચીન સમયના સંત કવયિત્રી ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલા રાજપરા ગામે ભાઈજીભી જેસાજી સરવૈયા નામના રાજપૂત ગરાસદારને ત્યાં માતા રૂપાળીબાની કુખે સંભવત : ઈ.સ.૧૮૪૬ વિ.સં.૧૯૦રમાં થયેલો. અઢાર વર્ષની વયે વિ.સં.૧૯ર૦ ઈ.સ.૧૮૬૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ધોળા જંકશનથી નવ કિલોમિટર દૂર આવેલા સમઢિયાળા રાજપુત ગિરાસદાર શ્રી કહળસંગ કલભા ગોહિલ સાથે વિવાહ  થયા. ગંગાબા પોતાની સાથે પાનબાઈ નામની પંદર સોળ વર્ષની ખવાસ કન્યાને વડારણ તરીકે સાસરે લઈ ગયેલાં, જે બહેનપણી કમ  શિષ્યા બની રહી. ગંગાસતીને  બે દીકરીઓ હતી મોટાં પુત્રી બાઈરાજબા અને નાનાં પુત્રી હરિબા. સંતસાધનાના માર્ગે ચડેલાં આ ભક્ત દંપતિ કહળસંગ તથા ગંગાબાએ કાળુભાર નદીને કાંઠે આવેલી પોતાની વાડીમાં હનુમાનની સ્થાપના કરીને ઝૂંપડી બાંધી વસવાટ કર્યો. બાજુના પીપરાળી ગામના ભજનિક હરિજન સાધુ ભૂધરદાસજીને પોતાની બાજુમાં ઝૂંપડી બાંધી આપેલી. ગંગાસતીને ત્યાં પુત્ર નહોતો. એકાવન વર્ષની વયે કહળુભાએ પોતાના સંતત્વની કસોટીનો પ્રસંગ ઉભો થતાં જીવતાં સમાધિ લેવાનું નક્કી કર્યું. ગંગાબાએ પણ પતિની સાથે જ પ્રયાણ કરવા તૈયારી કરી પરંતુ પતિ આજ્ઞાએ પોતાનાં બહેનપણી-વડારણ શિષ્યા પાનબાઈને આત્મસાધનાના માર્ગે ચડાવવા માટે બાવન દિવસ સુધી ભજનવાણી દ્વારા ઉપદેશ આપ્યો અને સાક્ષાત્કાર સુધી પહોંચાડયા બાદ માત્ર અડતાલીશ વર્ષની ઉંમરે પતિ પાછળ આત્મત્યાગ કર્યો. ત્રણ દિવસ પછી પાનબાઈએ પણ સમાધિ અવસ્થામાં જ દેહત્યાગ કર્યો. સમઢિયાળા ગામે કહળસંગભગત, ગંગાસતી અને પાનબાઈની જગ્યાનાં નામે ઓળખાતું સંત સ્થાનક કાળુભાર નદીને કાંઠે આવેલું છે, જ્યાં દર પૂર્ણિમાના દિવસે ભજનો થાય છે.

ગંગાસતીને નામે પંચાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્દગુરુ મહિમા, નવધા ભક્તિ, યોગસાધના, નામ અને વચનની સાધના, ક્રિયાયોગ, શીલવંત સાધુના લક્ષણો, સંતના લક્ષણો, આત્મસમર્પણ, ભક્તિનો માર્ગ, નાડીશુદ્ધિ, મનની સ્થિરતા, સાધુની સંગત, વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ, જ્ઞાન અને યોગનો ત્રીવેણીસંગમ થયેલો જોવા મળે છે.

ગંગાસતીનાં ભજનો અનુક્રમ

૧. સતગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ ! મેલી દેજો અંતરનું માન…

ર. મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને,  મિટાવું સરવે કલેશ રે …

૩. ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન રે ..

૪. ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ ! રહે છે હરિની જોને પાસ..

પ. લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં, ત્યાં લગી ભગતી નૈ થાય ..

૬. નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને, રાખવો વચનુંમાં વિશ્વાસ રે

૭. મેરૂ તો ડગે પણ જેનાં મનડાં ડગે નૈં ને, મરને ભાંગી પડે ભરમાંડ રે..

૮. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ  જેના બદલે નહિ વ્રતમાન રે..

૯. ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે, માયા રૂપી વનનો ભે મટી જાય..

૧૦. પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને,  કરવું પડે નહિ કાંઈ રે ..

૧૧. કાળધર્મ સ્વભાવને જીતવો ને,  રાખવો નહિ અંતરમાં ક્રોધ રે..

૧ર. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ ને,  ન રહેવું ભેદવાદીની સાથ રે

૧૩. લાભ લેવો હોય તો બેસો એકાંતમાં,  બતાવું કૂંચી અપાર રે

૧૪. પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે રે,  ત્યારે સાધના સર્વે શમી જાય

૧પ. જુગતી તમે તો જાણી લેજો પાનબાઈ !  મેળવો વચનનો એક તાર

૧૬. વચન વિવેકી જે નરનારી પાનબાઈ !  તેને બ્રહ્માદિક લાગે પાય

૧૭. અચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાં

૧૮. સાનમાં સાન એક ગુરુજીની કહું રે, જેથી ઉપજે આનંદના ઓઘ રે

૧૯. આદિ અનાદિ વચન છે પરિપૂરણ, વચનથી અધિક નથી કાંઈ રે

ર૦. મેદાનમાં જેણે મોરચો માંડયો ને, જેણે પકડયો વચનનો વિશ્વાસ રે

ર૧. મનવરતી જેની સદાયે નિર્મળી રે, તે પડે નહિ ભવસાગરની માંય રે

રર. યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો ને, આદરો તમે અભ્યાસ રે

ર૩. સરળ ચિત્ત રાખી નિરમળ રહેવું ને, આણવું નહિ અંતરમાં અભિમાન રે

ર૪. ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને,  કાયમ કરવો અભ્યાસ રે

રપ. રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ આ લોકની મરજાદ

ર૬. ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ !  પછી પસ્તાવો થાશે

ર૭.વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ !  અચાનક અંધારાં થાશે

ર૮. માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ !  હવે આવી ચૂકયો પિયાલો

ર૯. પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને, આપું જોને નિરમળ જ્ઞાન રે

૩૦. ગુપત રસ આ તો જાણી લે જો પાનબાઈ !  જેથી જાણવું રહે નહિ કાંય

૩૧. છૂટાં છૂટાં તીર હવે  મારો મા બાઈજી ! અમથી સહ્યાં નવ જાય

૩ર. વચન સુણીને બેઠાં એકાંતમાં ને,  સુરતા લગાડી ત્રિકુટિમાંય રે

૩૩. મન મરિયું તેને ત્યાગી કહીએ રે,  મરને વરતે વહેવાર માંય રે

૩૪. પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ !  એનો પરિપૂરણ કહું ઈતિહાસ

૩પ. પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે, ત્યારે સનકાદિક આવ્યા તેને દ્વાર રે

૩૬. એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે, મોટો કહું ઈતિહાસ રે

૩૭. મોહજીત રાજા મહાવિવેકી રે, જેની બુદ્ધિ છે અગમ અપાર રે

૩૮. સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે,  સમજવી સદ્દગુરુની સાન

૩૯. આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે, ત્યારે લાગ્યાં સતીને પાયરે.

૪૦. પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ ! પિયાલો આવ્યો છે તત્કાળ

૪૧. વીણવો હોય તો રસ વીણી લેજો, હવે આવ્યો છે બરાબર વખત

૪ર. ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે,  ફળી ગઈ પૂરવની એને પ્રીત રે

૪૩. હેઠાં ઉતરીને પાયે લાગ્યાં ને, ઘણો કીધો છે ઉપકાર રે

૪૪. જીવ અને શિવની થઈ ગઈ એકતા ને, પછી કહેવું રહ્યું નથી કાંઈ રે

૪પ. વિવેક રાખી તમે સમજીને ચાલજો ને, વસતું રાખજો ગુપત રે

૪૬. વસ્તુ વિચારીને દિજીએ રે, જો જો તમે સદપાત્ર રે

૪૭. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને, સમજીને રહીએ ચૂપ રે

૪૮. અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને, એને કેમ લાગે હરિનો સંગ રે

૪૯. દળીદળીને ઢાંકણીમાં ઉધરાવવું રે, એવું કરવું નહિ કામ રે

પ૦. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે, એ ચારે વાણી થકી પાર રે

પ૧. સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે, રાખજો રૂડી રીત રે

પર. કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર

પ૩. કળજુગમાં જતિ સતી સંતાશે ને, કરશે એકાંતમાં વાસ રે

પ૪. શુળીએ ચડવું ઈ તો સ્હેલ છે રે પાનબાઈ ! કઠણ છે  શૂરાના સંગ્રામ રે…

પપ. કૃષ્ણે ઓધવને ઉપદેશ આપ્યો ને, ઓધવ થિયા કૃષ્ણાકાર રે

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
Responses are currently closed, but you can trackback from your own site.

One Response to“ગંગાસતીનાં ભજનો”

 1. M MEHTA says:

  Dr.Niranjan Rajyaguru jee,

  I am in search of couple of santwanee- Bhajans…as follows..

  (1)
  Ajee veejalee ne chamkare,
  moteeda parove Panbai,
  Achanak andhara thay re..

  (2)
  Bhalo re bhalo re Raja sat re Gopeechand,
  Piyu pardes mat jana re….

  Could you please hepl me in finding out about the same…??