August 16th, 2011
આદિ અનાદિ વચન છે પરિપૂરણ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
આદિ અનાદિ વચન છે પરિપૂરણ, વચનથી અધિક નથી કાંઈ રે
વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે રે, પછી તો સુરતા નિર્ગુણમાં સમાય,
આદિ અનાદિ વચન છે પરિપૂરણ..
ભાઈ રે ! કર્મકાંડ એને નડે નહિ રે, જેને આવ્યો વચનનો વિશ્વાસ રે
પગલું ભરે પણ વચન તપાસે ને, થઈ રહે ગુરુજીના દાસ રે…
આદિ અનાદિ વચન છે પરિપૂરણ..
ભાઈ રે ! જનક વિદેહી ભૂલી ગયો ને, દીધો જેણે પેઘડે પાવ રે
એક વરસ સુધી તેમાં રહ્યો પોતે ને, પછી બદલ્યો વચનનો ભાવ રે…
આદિ અનાદિ વચન છે પરિપૂરણ..
ભાઈ રે ! દેહ છતાં તેને વિદેહી કીધો રે, વચન તણો તે પ્રતાપ રે
ગંગાસતી એમ બોલિયાં રે, જેને નહિ ત્રિવિધનો તાપ રે…
આદિ અનાદિ વચન છે પરિપૂરણ..
August 16th, 2011
મેદાનમાં જેણે મોરચો માંડયો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
મેદાનમાં જેણે મોરચો માંડયો ને, જેણે પકડયો વચનનો વિશ્વાસ રે
ચૌદ લોકમાં કોઈથી બીએ નહિ રે, થઈ બેઠાં સદ્દગુરુના દાસ રે…
મેદાનમાં જેણે મોરચો માંડયો ને…
સાન સદ્દગુરુની જે નર સમજ્યો રે, તે અટકે નહિ માયામાં ય રે
રંગરૂપમાં લપટાય નહિ રે, જેને પડી ગઈ વચનની છાંય રે…
મેદાનમાં જેણે મોરચો માંડયો ને..
રહેણીકરણી એને ટંકશાળ કહીએ રે, એ તો ડગે નહિ જરાય રે
વચન સમજવામાં સદાય પરિપૂરણ, તેને કાળ કદી નવ ખાય રે…
મેદાનમાં જેણે મોરચો માંડયો ને…
સોઈ વચન તો સદ્દગુરુ ઘરના રે, ગમ વિના ગોથાં ખાય રે
ગંગાસતી એમ બોલિયાં રે, વચન ન સમજીયા ઈ નરકે જાય રે…
મેદાનમાં જેણે મોરચો માંડયો ને…
August 16th, 2011
મનવરતી જેની સદાયે નિર્મળી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
મનવરતી જેની સદાયે નિર્મળી રે, તે પડે નહિ ભવસાગરની માંય રે
સદ્દગુરુ ચરણમાં જેનું ચિત્ત મળી ગયું, તેને લાગે નહિ માયા કેરી છાંય રે.
મનવરતી જેની સદાયે નિર્મળી રે…
પિતૃ, ગૃહદેવતા કોઈ નડે નહિ એને રે, જેનું બંધાણું વચનુંમાં ચિત્ત રે
આવરણ એને એકે નહિ નડે રે, જેનું વિપરીત નથી મન રે…
મનવરતી જેની સદાયે નિર્મળી રે…
ભાઈ રે ! મટી ગઈ અંતરની આપદા રે, જેને સદ્દગુરુ થયા મે’રબાન રે
મન, કર્મ થકી જેણે વચન પાળ્યું રે, એણે મેલ્યું અંતરનું માન રે…
મનવરતી જેની સદાયે નિર્મળી રે…
હાણ ને લાભ જેને એકે નહિ ઉરમાં રે, જેને માથે સદ્દગુરુનો હાથ રે
ગંગાસતી એમ બોલિયાં રે, તેને મળિયા ત્રિભોવન નાથ રે…
મનવરતી જેની સદાયે નિર્મળી રે…
August 16th, 2011
સરળ ચિત્ત રાખી નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
સરળ ચિત્ત રાખી નિરમળ રહેવું ને, આણવું નૈં અંતરમાં અભિમાન રે ;
પ્રાણીમાત્રમાં સમદ્રષ્ટિ રાખવી ને, અભિયાસે જીતવો અપાન રે…
સરળ ચિત્ત રાખીને…
ભાઈ રે ! રજકર્મથી સદા દૂર રહેવું ને, કાયમ કરવો અભ્યાસ રે ;
પાંચે પ્રાણને એક ઘરે લાવવા, શીખવો વચનનો વિશ્વાસ રે…
સરળ ચિત્ત રાખીને…
ડાબી છે ઈંગલા ને જમણી છે પિંગલા, રાખવું સ્વરભેદમાં ધ્યાન રે ;
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું રે, એમ કાયમ રાખવું વ્રતમાન રે…
સરળ ચિત્ત રાખીને…
નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે રે, નક્કી જાણવું નિરધાર રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, આ ખેલ છે અગમ અપાર રે…
સરળ ચિત્ત રાખીને…
August 16th, 2011
ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ ! પછી પસ્તાવો થાશે ;
અગમ અગોચર રસનું નામ છે, એ તો પૂરણ અધિકારી ઠેરાશે…
ઝીલવો હોય તો રસ…
માન રે મેલ્યા પછી રસ તમને મળશે, જુઓને વિચારી તમે મનમાં ;
દ્રષ્ટ પદારથ નથી રહેવાનો પાનબાઈ ! સુણોને ચિત્ત દઈ વચનમાં…
ઝીલવો હોય તો રસ…
આ તો ગુંજાનો લાડવો પાનબાઈ ! અહંભાવ ગયા વિના ન ખવાય ;
કોટિ રે જનમની મટાડો કલ્પના ત્યારે, જાતિ રે પણું વયું જાય રે…
ઝીલવો હોય તો રસ…
દ્રષ્ટિ રાખો – ગુપત રસ ચાખો, તો તો સહેજે આનંદ વરતાય ;
ગંગાસતી એમ બોલિયાં રે, આપમાં આપ મળી જાય…
ઝીલવો હોય તો રસ…
August 16th, 2011
પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને, આપું જોને નિરમળ જ્ઞાન રે ;
જનમવા મરવાનું તમારું મટાડીને, ધરાવું અવિનાશીનું ધ્યાન રે…
પરિપૂરણ સતસંગ તમને કરાવું…
નામ – રૂપને મિથ્યા જાણો ને, મેલી દેજો મનની તાણાવાણ રે ;
આવી બેસો એકાંતમાં ને, તમને પદ આપું નિરવાણ રે…
પરિપૂરણ સતસંગ તમને કરાવું…
સદા રહેજો સતસંગમાં ને, કરજો અગમની ઓળખાણ રે ;
નૂરત સુરતથી નિજ નામ પકડો રે, જેથી થાય હરિની જાણ રે…
પરિપૂરણ સતસંગ તમને કરાવું…
મેલ ટળે ને વાસના ગળે રે, કરજો પૂરણનો અભિયાસ રે,
ગંગાસતી એમ બોલિયાં, થાય મૂળ પ્રકૃતિનો નાશ રે…
પરિપૂરણ સતસંગ તમને કરાવું…
August 16th, 2011
ગુપત રસ આ તો જાણી લે જો પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
ગુપત રસ આ તો જાણી લે જો પાનબાઈ ! જેથી જાણવું રહે નહિ કાંય ;
ઓઘ રે આનંદના કાયમ રહે ને, સહેજે સંશય બધા મટી જાય…
ગુપત રસ આ તો જાણી લે જો….
શૂરવીર થઈને સંગ્રામે ચડવું પાનબાઈ ! માંયલું મન ફરી ઊભું ન થાય ;
કેવળ ભગતિને તમે એમ પામો રે, જેથી જનમ મરણ સહેજે મટી જાય…
ગુપત રસ આ તો જાણી લે જો….
પરપંચના તોડી નાખો પડળ પાનબાઈ ! તો તો પંચરંગી પાર જણાય ;
જથારથ પદને જાણ્યા પછી, ભાવ કુભાવ મનમાં નહિ થાય…
ગુપત રસ આ તો જાણી લે જો….
મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ ! ભજન કરો તમે ભરપૂર ;
ગંગાસતી એમ બોલિયાં રે, વરસાવો નિરમળ નૂર રે…
ગુપત રસ આ તો જાણી લે જો….
August 16th, 2011
મન મરિયું તેને ત્યાગી કહીએ રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
મન મરિયું તેને ત્યાગી કહીએ રે, મરને વરતે વહેવાર માંય રે ;
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને, તેને નહિ નડે માયાની છાંય રે…
મન મરિયું તેને ત્યાગી કહીએ રે…
આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના, આનંદ ઊપજ્યો અપાર રે ;
વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે, જેને લાગ્યો વચનુંમાં તાર રે…
મન મરિયું તેને ત્યાગી કહીએ રે…
આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને, વરતી થઈ ગઈ સમાન રે ;
ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને, મટી ગયું જાતિનુંમાન રે…
મન મરિયું તેને ત્યાગી કહીએ રે…
પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે, વાસનાની મટી ગઈ તાણાવાણ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, જેને થઈ ગઈ સદ્દગુરુની ઓળખાણ રે…
મન મરિયું તેને ત્યાગી કહીએ રે…
August 16th, 2011
પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ ! એનો પરિપૂરણ કહું ઈતિહાસ ;
એકાગ્રચિતે સાંભળો પાનબાઈ ! એ તો થયાં હરિનાં દાસ રે…
પદ્માવતીનો જયદેવ સ્વામી…
ભાઈ રે ! ગોવિંદનું ગીત કીધું જયદેવે જ્યારે, નામ અષ્ટપદ કહેવાય રે ;
પદપદ પ્રતે ભક્તિરસ પ્રગટયો, જેથી પદ્દમાવતી સજીવન થાય રે…
પદ્માવતીનો જયદેવ સ્વામી…
ગોપીયું ને કૃષ્ણજીની લીલા લખતાં, જયદેવ રિયા જો ને શરમાઈ ;
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, પ્રત્યક્ષ હસ્તપ્રત માંઈ…
પદ્માવતીનો જયદેવ સ્વામી…
એવી રે ભગતિ છાનામાં છાની પાનબાઈ ! જો હું કહું છું તે સમજાય ;
ગંગાસતી એમ બોલિયાં, તો જીવ મટીને ગોવિંદરૂપ થાય…
પદ્માવતીનો જયદેવ સ્વામી…
August 16th, 2011
પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Player
પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે, ત્યારે સનકાદિક આવ્યા તેને દ્વાર રે ;
રાજયોગનો અભ્યસ બતાવ્યો રે, જેથી પહોંચી ગયા પરા ને પાર રે…
પૃથુરાજ ચાલ્યા…
ભાઈ રે ! ઉદ્ધવે કૃષ્ણ સાથે સંવાદ કીધો રે, બતાવ્યું પ્રણવનું ધ્યાન રે ;
પ્રણવ જીત્યા ને પરમગતિ પામ્યા રે, જેથી પ્રગટયું નિર્મળ જ્ઞાન રે…
પૃથુરાજ ચાલ્યા…
પાંચ પ્રાણની ગતિ એણે જાણી રે, ભાળિયા ત્રિગુણાતીત અવિનાશ રે ;
કૃષ્ણાકાર સર્વે જગત જણાયું રે, જેનો રોમેરોમમાં વાસ રે…
પૃથુરાજ ચાલ્યા…
એકાગ્ર ચિત્ત કરીને એવો અભ્યાસ આદરજો, લાગે ત્રિગુણાતીતમાં તાર રે
ગંગાસતી એમ બોલિયાં રે, ભાળો અરસપરસ નિરધાર રે…
પૃથુરાજ ચાલ્યા…