Archive

Archive for the ‘સંતવાણી’ Category

ઊઠત રણુંકાર અપરમપારા‚અખંડ આરતી બાજે ઝણુંકારા… (ભીમસાહેબ)

ઊઠત રણુંકાર અપરમપારા‚અખંડ આરતી બાજે ઝણુંકારા… ભીમસાહેબ – હેમંત ચૌહાણ

ઊઠત રણુંકાર અપરંપારા…

અખંડ આરતિ બાજે ઝણુંકારા…

આપે નર ને આપે નારી‚ આપે બાજીગર બાજી પસારી…

ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા‚ નૂર નિરંતર તેજ અપારા…

સોળ વાલ પર રતિ સરદારા‚ ચૌદિશ બોલે વચન ચોધારા…

સદગુરુ ત્રિકમ સાહેબ હમારા‚ આપે બોલે ગુરુ બોલનહારા…

કહે ભીમદાસ ભવ સિંધુ સારા‚ બ્રહ્મ જળ ભરિયા ભીતરબારા…

પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતો વોરવાને મળિયા રે… (મૂળદાસ)

પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતો વોરવાને મળિયા રે… મુળદાસ – ભીખારામ બાપુ

પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;

જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…

પ્રીતમ વરની..૦

પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;

ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…

પ્રીતમ વરની..૦

વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;

આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…

પ્રીતમ વરની..૦

વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;

જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…

પ્રીતમ વરની..૦

સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;

સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે…

પ્રીતમ વરની..૦

મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;

માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…

પ્રીતમ વરની..૦

શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;

ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…

પ્રીતમ વરની..૦

હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;

ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…

પ્રીતમ વરની..૦

કોણે બનાયો પવન ચરખો… (રવિ સાહેબ)

કોણે બનાયો પવન ચરખો…રવી સાહેબ – વાના જેતા આડેદરા

કોણે બનાવ્યો પવન ચરખો… (રવિ સાહેબ) – મુગટલાલ જોશી

એ જી એના ઘડનારા ને પરખો‚

એ જી તમે નૂરતે સુરતે નિરખો‚

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚

દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚

ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚

પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો

ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… (દયાનંદ)

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… દયો – પટોળી – હેમંત ચૌહાણ

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

સત જુગમાં વણ વાવિયાં‚ ઊગ્યા ત્રેતા માં ય‚

દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚ એ જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

સતના ચરખે લોઢાવિયાં‚ પ્રેમની પિંજણે પિંજાય‚

સરખી સાહેલી કાંતવાને બેઠી ; એ જી રે એનો તાર ગયો આસમાન…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

બ્રહ્માજીએ તાર એના તાણિયા‚ શંકર જેવા વણનાર

તેત્રીસ કોટિ દેવ વણવા લાગ્યા‚ એ જી રે એમાં થઈ છે ઠાઠમ ઠાઠ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

આ પટોળી ઓઢીને ધ્રુવ પરમ પદ પામ્યા‚ વળી ઓઢી છે મીરાંબાઈ‚

જૂનાગઢમાં નાગર નરસૈયે ઓઢી‚ એ જી રે પછી આવી દયાને હાથ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… – મેકરણ ડાડા કાપડી – કિશોર સોલંકી

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… – મેકરણ ડાડા કાપડી – કિશોર સોલંકી

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…..

કાયાના કુડા રે ભરોંસા‚ દેયુંના જૂઠા રે દિલાસા‚ મેના..

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚

હીરલો છે રે ધરતીની માં ય‚ હીરલો છે રે ધરતીની માં ય‚ મેના…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી છીપું રે સમદરિયામાં નીપજે રે‚

મોતીડાં છે રે છીપની માંય‚ મોતીડાં છે રે છીપની માંય‚ મેના…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે‚

કસ્તુરી છે રે મૃગલાની માંય‚ કસ્તુરી છે રે મૃગલાની માંય‚ મેના…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી મેના ને મેકરણ બેઉ એક છેરે

એને તમે જુદા રે નવ જાણો‚ એને તમે જુદા રે નવ જાણો‚ મેના…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ‚ જોયું મેં તો જાગી હો જી… (ગોરખ)

સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ‚ જોયું મેં તો જાગી હો જી… ગોરખ

સાધુ ! તેરો સંગડો ન છોડું મેરે લાલ !

લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚

જોયું મેં તો જાગી હો જી…

માન સરોવર હંસા જીલન આયો હો જી…૦

કપડા રે ધોયા‚ મેરે ભાઈ ! અંચળા ભી ધોયા હો જી

જબ લગ અપનો દિલડો ન ધોયો મેરે લાલ !

લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚

જોયું મેં તો જાગી હો જી…

માન સરોવર હંસા જીલન આયો હો જી…૦

કપડાં ભી રંગ્યા‚ મેં તો અંચળા ભી રંગ્યા હો જી

જબ લગ અપનો દિલડો ન રંગ્યો મેરે લાલ !

લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚

જોયું મેં તો જાગી હો જી…

માન સરોવર હંસા જીલન આયો હો જી…૦

બસ્તી મેં હી રહેના મેરે ભાઈ ! માંગીને ના ખાના હો જી

ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરે લાલ !

લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚

જોયું મેં તો જાગી હો જી…

માન સરોવર હંસા જીલન આયો હો જી…૦

મછંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા હો જી

બોલ્યા છે કાંઈ અમૃત વાણી મેરે લાલ !

લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚

જોયું મેં તો જાગી હો જી…

માન સરોવર હંસા જીલન આયો હો જી…૦

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી… (કલ્યાણદાસ)

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

ગઈ પલ ફેર નહીં આવે રે‚ કરી લે ને બંદગી ;

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

કરો મન ગ્યાના‚ ધરી લેને ધ્યાના ;

મૂરખા ! મૃગજળ દેખી ક્યું લલચાવે રે…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

શિરને માથે છે વેરી‚ લીધો તું ને ઘેરી ;

સૂતાં બંદા નીંદરા તું ને કેમ આવે રે…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

એક દિન મરના હૈ‚ ધોખા નવ ધરના ;

મુખમેં રામનામ કેમ ભૂલાવે રે…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

કહે છે કલ્યાણ’સાબ‚ સતગુરુ શરણે‚

આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

હીરો ખો મા તું હાથથી… (તિલકદાસ)

હીરો ખો મા તું હાથથી…તીલકદાસ – મુળાભગત

હીરો ખો મા તું હાથથી રે આવો અવસર પાછો નહીં મળે…

અવસર પાછો નહીં મળે‚ માથે ત્રિવિધિના તાપ બળે‚

હીરલો ખો મા તું હાથથી રે‚ આવો અવસર પાછો નહી મળે રે જી…

મોતી પડયું મેદાનમાં‚ ઓલ્યા મૂરખા મૂલ એના શું કરે ? રે જી‚

સંત ઝવેરી આવી મળે તો સતગુરુ સાન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…

સમજણ વિનાના નર કરે છે કીર્તી ને ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે રે જી‚

પારસમણીનાં પારખાં‚ એ તો લોઢાને કંચન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…

તરી ઉતરવું પ્રેમથી રે જાણે જળને માથે જહાજ તરે રે જી‚

કાયા કાચો કુંભ છે માથે અમીરસ નીર ઝરે.. હીરલો ખો મા તું હાથથી રે…

કહે તીલકદાસ શૂરા સંગ્રામે ને મરજીવા તો મોજ કરે રે જી‚

ધારણ બાંધો ધરમની તો નમતે ત્રાજવે તરે… હીરલો ખો મા તું હાથથી રે જી…

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ… (દાસી જીવણ)

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ… દાસી જીવણ

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ

એ જી એમાં પત રે પોતાની જાય રે હાં…

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી‚

ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

ઘડીકમાં રંગ ચડે‚ ઘડીકમાં ઊતરે રે જી‚

અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં…

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી‚

ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

કામી‚ ક્રોધી ને લોભી‚ લાલચુ રે‚

એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી‚

ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

સદગુરુ તમે મારા તારણહાર.. (ડુંગરપુરી)

સદગુરુ તમે મારા તારણહાર.. ડુંગર પુરી

સતગુરુ ! તમે મારા તારણહાર‚ હરિ ગુરુ ! તારણહાર

આજ મારી રાંકની અરજું રે‚ ખાવંદ ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…

કેળે રે કાંટાનો હંસલા ! સંગ કર્યો ગુરુજી !

કાંટો કેળું ને ખાય .. કાંટો કેળું ને ખાય ..

આજ મારી રાંકની અરજું રે‚ ખાવંદ ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…

સતગુરુ ! તમે મારા તારણહાર….૦

આડા રે ડુંગર ને વચમાં વન ઘણા ગુરુજી !

એ જી રે આડી કાંટા કેરી વાડ .. આડી કાંટા કેરી વાડ ..

આજ મારી રાંકની અરજું રે‚ ખાવન ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…

સતગુરુ ! તમે મારા તારણહાર….૦ ઊંડા રે સાયર ને હંસલા ! નીર ઘણાં ગુરુજી !

એ જી બેડી મારી કેમ કરી ઊતરે પાર ?

આજ મારી રાંકની અરજું રે‚ ખાવન ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…

સતગુરુ ! તમે મારા તારણહાર….૦

ગુરુના પ્રતાપે ડુંગરપુરી બોલીયા ગુરુજી !

એ જી દેજો અમને સાધુ ચરણે વાસ

આજ મારી રાંકની અરજું રે‚ ખાવન ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…

સતગુરુ ! તમે મારા તારણહાર….૦