Archive

Archive for the ‘સંતવાણી’ Category

દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ… (દાસી જીવણ)

દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ… દાસી જીવણ – ઝાલરી – હેમંત ચૌહાણ

દેખંદા રે કોઈ આ દિલ માં ય‚

નિરખંદા રે કોઈ આ દિલ માં ય‚

પરખંદા રે કોઈ આ દિલ માં ય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

બોલે બોલાવે સબ ઘટ બોલે‚ સબ ઘટમાં ઈ તો રહ્યો રે સમાય‚

જિયાં જેવો તિયાં તેવો‚ થીર કરીને થાણા દિયા રે ઠેરાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

નવ દરવાજા નવી રમત કા‚ દસમે મોલે ઓ દેખાય‚

સોઈ મહેલમાં મેરમ બોલે‚ આપું ત્યાગે ઓ ઘર જાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

વિના તાર ને વિણ તુંબડે‚ વિના રે મુખે ઈ તો મોરલી બજાય‚

વિના દાંડીએ નોબતું વાગે‚ વિના રે દીપકે જ્યોત જલાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

આ રે દુ કાને દડ દડ વાગે‚ કર વિન વાજાં અહોનિશ વાય‚

વિના આરિસે આપાં સૂજે‚ એસા હે કોઈ વા ઘર જાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

જાપ અજપા સો ઘર નાંહી‚ ચંદ્ર સૂરજ જહાં પહોંચત નાંહી‚

સૂસમ ટેક સે સો ઘર જાવે‚ આપે આપને દિયે ઓળખાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

અખર અજીતા મારી અરજ સુણજો‚ અરજ સુણજો એક અવાજ‚

દાસી જીવણ સત ભીમના શરણાં‚ મજરો માની લેજો ગરીબનવાજ…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

મેરે રામરસ પ્યાલા ભરપૂર‚ પીવે કોઈ ઘટક ઘટક ઘટક… (કબીર / તોલાપુરી)

મેરે રામરસ પ્યાલા ભરપૂર‚ પીવે કોઈ ઘટક ઘટક ઘટક… તોલરપરી – જગમાલ બારોટ

રામ રસ પ્યાલા હે ભરપૂર… પીવે કોઈ ઘટક ઘટક ઘટક

ગુરુ લાગી શબદની ચોટ કલેજામેં ખટક ખટક ખટક…

સતગુરુ શબ્દકી ચોટ લાગી હે કલેજા બિચમેં ખટક

નૂરત સૂરત કી સીડી પકડ કર‚ ચડી જાવ સંતો ચટક ચટક ચટક….

રામ રસ પ્યાલો…

તન કો ખોજો મનકો ધોજો‚ ચડેગા પ્રેમરસ ચટક

ઈસ કાયામેં ચોરકું પકડો મનકો મારો પટક પટક પટક…

રામ રસ પ્યાલો…

સાધક સિધક કછુ નહીં સાંધે એસી માયાકી લટક‚

તીરથ વ્રત જો કછુ કરના વો તો હે મરના ભટક ભટક ભટક…

રામ રસ પ્યાલો…

અધર બાંસકો ખેલ રચ્યો હે‚ ચડે સો શૂરા કોઈ નટક‚

દાસ કબીરકી જ્ઞાન ગોદડી બિછાલો સંતો કોઈ ઝટક ઝટક ઝટક…

રામ રસ પ્યાલો…

અનભે સૂરજ ઊગ્યા ગગનમાં હૂવા ઉજિયારા કોઈ ફટક‚

તન કાયામેં ચોર પકડલે‚ માર દે ઉનકો પટક પટક પટક…

ગુરુ લાગી શબદકી…

અધર તખત પર આપહી ખેલે સાધુ ખેલે કોઈ નટક‚

આ સુરતા દોરી ચડી ગગન પર ચડી ગયા કોઈ ચટક ચટક ચટક…

ગુરુ લાગી શબદકી…

દયા ધરમમેં સાહેબ મિલેગા માયા હે કોઈ અજબ‚

તીરથ અસ્નાન કરી કરીને કીતને મર ગયે ભટક ભટક ભટક…

ગુરુ લાગી શબદકી…

મુજમેં સાહેબ તુજમેં સાહેબ‚ બીચમેં રે કોઈ અટક‚

તોલાપુરી કી જ્ઞાન ગોદડી ઓઢી લિયો કોઈ ઝટક ઝટક ઝટક…

ગુરુ લાગી શબદકી…

મન મતવાલો પ્યાલો ચાખિયો… (લખીરામ)

મન મતવાલો પ્યાલો ચાખિયો… લખીરામ – પ્યાલો – પ્રભુદાસ ગોંડલીયા

મન મતવાલો પ્યાલો ચાખિયો‚ હે જી પ્યાલો પ્રેમ હૂંદો પાયો‚

જરા રે મરણ વા કો ગમ નહીં‚ જરા રે મરણની જેને ભે નહીં ને

સદગુરુ શબદુમાં પાયો… સદગુરુ ચરણુંમાં આવો…

મન મતવાલો…

મન રે મતવાલો પ્યાલો પ્રેમનો‚ પ્યાલો જેણે પ્રેમ હૂંદો પીધો રે ;

જરા રે મરણ વા કો ગમ ભે નહીં ને‚

ગુરુજીના વચનુંમાં‚ ગુરુજીના વચનુંમાં સીધ્યો રે…

મન મતવાલો…

એ… બંક રે નાડી ધમણ્યું ધમે‚ બ્રહ્મ અગનિ‚ બ્રહ્મ અગનિ પરજાળી રે‚

ઈંગલા ને પિંગલા સુખમણા‚

ત્રિકુટિમાં લાગી… ત્રિકુટિમાં લાગી ગઈ તાળી રે…

મન મતવાલો…

વિના દીપક વિના કોડિયે‚ ઘૃત વિના જાગી‚ ઘૃત વિના જાગી જ્યોતિ રે ;

ચાંદો ને સૂરજ દોનું સાખિયા‚

સનમુખ રે’વે‚ સનમુખ રે’વે સજોતિ રે…

મન મતવાલો…

સૂન રે શિખર પર ભઠ્ઠી જલે‚ વરસે અમીરસ‚વરસે અમીરસ ધારા રે‚

અખંડ કુમારી પ્યાલો ભરી લાવે

પહોંચે પીવન સરજનહારા રે…

મન મતવાલો…

ગગન ગાજે ને ઘોયું દિયે‚ ભીંજાય ધરણી‚ ભીંજાય ધરણી અંકાશા રે‚

પંડે ને વ્રેહમંડે ધણી મારો પ્રગટિયા‚

બોલ્યા લખીરામ… બોલ્યા લખીરામ દાસા રે…

મન મતવાલો…

દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં… (દાસી જીવણ)

દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં… દાસી જીવણ – રામ ભગત‚ પોરબંદર

દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર‚

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

નુરત સુરતની સાન ઠેરાણી‚ બાજત ગગનાંમેં તૂર રે‚

રોમે રોમે રંગ લાગી રિયો તો‚ નખ શીખ પ્રગટયા નૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો‚ ઘટમાં ચંદા ને સૂર રે‚

ઘટોઘટ માંહી રામ રમતા બિરાજે‚ દિલ હીણાંથી રિયો દૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટયા વરસત નિરમળ નૂર રે‚

જે સમજ્યા ગુરુની સાનમાં ભર્યા રિયા ભરપૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

ભીમ ભેટયા ને મારી ભ્રમણા ભાંગી હરદમ હાલ હજૂર રે‚

દાસી જીવણ સત ભીમના શરણાં‚ પીતાં થઈ ચકચૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… (દેવાયત પંડિત)

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… દેવાયત પંડિત – આગમ – હેમંત ચૌહાણ

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚

આપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚

ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚

કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚

રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚

લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

જતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚

કાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚

અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚

કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત પીર…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો… (લોયણ)

જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો… લોયણ – રતનભાઇ કોડીયાત

જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે… – લોયણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚

એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…

હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી

તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં…

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦

હે જી રે લાખા ! નાદ રે બુંદની તમે ગાંઠ રે બાંધો

મૂળ વચને પવન થંભાવો રે હાં…

હે જી રે લાખા ! ઉલટા પવન થંભાવો એને સુલટમાં લાવો જી

એવી રીતે એક ઘરમાં આવો રે હાં…

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦

હે જી રે લાખા ! ઈંગલા પીંગલા સુષમણા રે સાધો જી

તમે ચંદ્ર સૂર્ય એક ઘરમાં લાવો રે હાં…

હે જી રે લાખા ! ત્રીવેણીનાં મોલમાં દેખો તપાસી જી

પછી જોતમાં જ્યોત મીલાવો રે હાં…

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦

હે જી રે લાખા ! અનભે પદને ઓળખાવાને માટે

તમે જ્યોત ઓળાંડી આઘા ચાલો રે હાં…

હે જી રે લાખા ! શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં

તમે અકતા ના ઘરમાં આવો રે હાં…

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… (દેવાયત પંડિત)

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… દેવાયત પંડિત – કરસન સાગઠીયા

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚

એક મન કરો ને આરાધ જીવે રામ…

પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚ જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚

નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚ સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚

સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚ સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚ કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚

હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚ હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚ છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚

વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚ હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚

પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚

દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚ ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

અજરા કાંઈ જરિયા ન જાય‚ સંતો ભાઈ… (ધ્રુવ – પ્રહલાદ)

અજરા કાંઈ જરિયા ન જાય‚ સંતો ભાઈ…

અજરા કાંઈ જરિયા નૈ જાય‚ એ જી વીરા મારા ! અજરા કાંઈ જરિયા ન જાય

તમે થોડે થોડે સાધ પિયો હો… જી…

તન ઘોડો મન અસવાર… હે… જી વીરા મારા ! તન ઘોડો મન અસવાર…

તમે જરણાના જિન ધરો હો જી…

શીલ બરછી સત હથિયાર… હે જી વીરા મારા ! શીલ બરછી સત હથિયાર…

તમે માંયલાસે જુદ્ધ કરો હો જી…

કળિયુગ છે કાંટા કેરી વાડય… વીરા મારા ! કળિયુગ છે કાંટા કેરી વાડય

તમે જોઈ જોઈ પાંવ ધરો હો જી…

ચડવું કાંઈ મેરુ આસમાન… હે જી વીરા મારા ! ચડવું કાંઈ મેરુ આસમાન…

એમાં આડા અવળા વાંક ઘણા હો જી…

બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ… હે જી વીરા મારા ! બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ…

તમે અજપાના જાપ જપો હો જી…

ભગતી કરો તો હરજી અગમ ભેદ જાણો… (રામદેવપીર)

ભગતી કરો તો હરજી અગમ ભેદ જાણો… રામદેવ – હેમંત ચૌહાણ

ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚ અને કહું તે વચનું માં હાલો રે હાં

ધરમ જૂનો છે હરજી ! નિજારપંથ આદિરે‚ મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં…

જીત રે સતીનો હરજી ! ભેદ જાણો રે હાં‚ પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં…

મૂળ રે વચનનો હરજી ! મરમ સમજી લ્યો‚ તમે સાબીત રાખજો દાણો રે હાં…

જીત રે પુરૂષને મોહઝાળ નહીં વ્યાપે રે હાં‚ એવી સતી નારી પર પુરૂષનેં ત્યાગે રે હાં…

વિષયની રે વાસના એના અંગડામાં નાવે‚ એને મોહનાં બાણ નવ લાગે રે હાં…

કામનાનાં બીજને હરજી ! પેલાં બાળો રે હાં‚ પછી રજ ને વીરજને સંભાળો રે હાં…

કર્મ રહિત હરજી ! ક્રિયા રે કમાવો તમે ગુરુના વચન ને પાળો રે હાં…

જીત રે પુરૂષ વિના જામો નહીં જામે રે હાં‚ સતી વીનાનો ધરમ નહીં હાલે રે હાં…

આતમાને ઓળખી ને હરજી ! દેહ ભાવ મટાડો પછી મનડાને બાંધોને વેરાગે રે હાં…

લિંગ ને રે ભંગનો હરજી ! ભાવ મટાડો રે‚ એવી યોગની ક્રિયાને કમાવો રે હાં…

કરમ કરશો તો હરજી ! ધરમ જાશો હારી એવા અંતરે વચન સાંભળો રે હાં…

સતિયા રે થઈ ને તમે સતમાં ખેલો રે હાં‚ એવી સતની સદા છે સવાઈ રે હાં…

બાળ નાથ ચરણે બોલ્યાં સિદ્ધ રામદે‚ પછી સતની આગળ નથી બીજું કાંઈ રે હાં…

વાગે ભડાકા ભારી ભજનના… (ભાટી હરજી)

વાગે ભડાકા ભારી ભજનના…હરજી ભાટ્ટી – દાવાભાઇ પાનવાળા

વાગે ભડાકા ભારી ભજનના‚ વાગે ભડાકા ભારી રે હો જી…

બાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો‚ પ્રહલાદ લીધો ઉગારી રે હો જી…

સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો‚ હરિએ નોર વધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

તારાદેનું સત રાખવા માળી બન્યા’તા મોરારી રે હો જી…

સુધન્વાને નાખ્યો કડામાં‚ ઉકળતી દેગ ઠારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

તોળી રાણીએ ત્રણ નર તાર્યા‚ જેસલ ઘરની નારી રે હો જી…

માલે રૂપાનાં હેરણાં હેર્યાં‚ આરાધે મોજડી ઉતારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

પળે પળે પીર રામદેને સમરૂં‚ એ છે અલખ અવતારી રે હો જી…

હરિ ચરણે ભાટી હરજી બોલ્યા‚ ધણી ધાર્યો નેજાધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦