Archive

Archive for the ‘સંતવાણી’ Category

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ… (નરસિંહ મહેતા)

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ… – નરસિંહ મહેતા – ભીખારામ બાપુ

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ… – નરસિંહ મહેતા – વાના જેતા ઓડેદરા

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚

હઠીલા હરજી અમને‚

માર્યા રે પછી રે મારા નાથજી‚ બહુ દોષ ચડશે તમને…

એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚ હાર તમે લાવોને વ્હેલા‚

માંડલિક રાજા અમને મારશે‚ દિવસ ઊગતાં પહેલાં…

એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! નથી રે જોતો હીરાનો હારલો‚ વેગે તમે ફૂલડાંનો લાવો‚

દયા રે કરીને દામોદરા‚ દાસને બંધનથી છોડાવો…

એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! કાં તો રે માંડલિકે તું ને લલચાવિયો‚ કાં તો ચડિયલ રોષો‚

કાં તો રે રાધાજીએ તું ને ભોળવ્યો‚ કાં તો મારા કરમનો રે દોષો…

એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! દાસ રે પોતાનો દુઃખી જોઈને‚ ગરૂડે ચડજો ગિરધારી‚

હાર રે હાથોહાથ આપજો રે‚ મ્હેતા નરસૈંના સ્વામી…

એવા હારને કાજે નવ મારીએ…

લાવો લાવો કાગળિયો ને દોત… (મોરાર સાહેબ)

લાવો લાવો કાગળિયો ને દોત…મોરાર સાહેબ – અમરનાથ નાથજી

લાવો લાવો કાગળિયો ને દોત‚ લખીએ હરિને રે ;

એવો શિયો રે અમારલો દોષ ‚ નો આવ્યા ફરીને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

વ્હાલા ! દૂધ ને સાકરડી પાઈ‚ ઉછેર્યાં અમને રે ;

હવે વખડાં ઘોળો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી હરજી ! હીરને હીંચોળે રાજ‚ હીંચોળ્યાં અમને રે‚

હવે તરછોડો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી હરજી ! પ્રેમના પછેડા રાજ ! ઓઢાડેલ અમને રે‚

હવે ખેંચી લિયો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી વ્હાલીડા ! ઊંડેરા કૂવામાં આજ‚ ઉતાર્યાં અમને રે‚

હવે વરત વાઢો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

ગુણલા ગાય છે રવિ ગુરુ ભાણ‚ ત્રીકમ બેડી તારો રે‚

એવી પકડો મોરારની બાંય‚ ભવસાગર ઉતારો રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

એવી પ્રેમ કટારી લાગી… (સાંઈવાલી)

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – હેમંત ચૌહાણ

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – મુળા ભગત

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – બાલકદાસ કાપડી

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – દયારામ બાપુ

એવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;

એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…

એવી પ્રેમ કટારી લાગી…

શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚

શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;

એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…

એવી પ્રેમ કટારી લાગી…

માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚

પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;

એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…

એવી પ્રેમ કટારી લાગી…

હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚

સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;

એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…

મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…

એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;

અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;

એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…

એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી… (દાસી જીવણ)

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી… દાસી જીવણ – મુગટલાલ જોષી

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚

ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી…

પ્રેમ કટારી આરંપાર…૦

ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી !

આંખ વીંચી ઉઘાડી જોયું‚ વાર ન લાગી વાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦

સઈ ! મેં જોયું શામળા સામું‚ નિરખી કળા નાથકી‚

વ્રેહ ને બાણે‚ પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦

ઓખદ બુટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાતકી‚

રાત દિવસ ઈ રંગમાં ખેલે‚ એવી રમતું હે રઘુનાથકી…

પ્રેમ કટારી આરંપાર…૦

દાસી જીવણ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ ભાતકી

ચિતડાં હેર્યાં શામળે વાલે‚ ધરણીધરે ધાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… (મૂળદાસ)

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… મુળદાસ – દાવાભાઇ પાનવાળા

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… મુળદાસ – જગમાલ બારોટ

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…

બાયું ! મારા કલેજામાં મારી રે‚ બેની ! મારા રૂદિયામાં મારી રે‚

મારી છે કટારી ચોધારી‚ મેરમની કટારી‚ મારા કલેજે કટારી…

ભેદુ વિનાની વાતું કોણે રે જાણી ? મેરમની ચોધારી‚ મારે કાળજે કટારી…

(સાખી) મારી કટારી મૂળદાસ ક્યે જુગતે કરી ને જોઈ‚

કળા બતાવી કાયા તણી‚ કાળજ કાપ્યાં કોઈ

(હદય કમળમાં રમી રહી‚ કાળજાં ફાટયાં સોઈ‚)

કાળજ કાપી કરૂણા કીધી‚ મુજ પર કીધી મહેર‚

જોખો મટાડયો જમ તણો‚ મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) પહેલી કટારી એ પરીક્ષા કીધી બીજીએ સાંધ્યાં બાણ

ત્રીજી રમી ત્રણ ભુવનમાં‚ ચોથીએ વીંધાણા પ્રાણ

પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી‚ દેખાડયો દશમો દુવાર

કુંચીએ કરશનજીને વીનવું‚ મારી સુરતાની લેજો સંભાળ રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) આ કટારી કોઈના કળ્યામાં નાંવે‚ નઈં અણી ને નહીં ધાર‚

ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ઊતરી આરંપાર ;

વારી વારી કહું છું વિઠ્ઠલા ! મારા અવગુણનો ધરશો મા સાર‚

બેડી મ દેશો મારી બૂડવા‚ મારી બેડલી ઉતારજો ભવપાર રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) કુળમાં દાવો મેં છોડયો શામળા ! ફળની મેલી લાર‚

અટક પડે વ્હેલા આવજો‚ મારા આતમના આધાર ;

વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક‚

શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી તરણા બરોબર ટેક રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) સાચા સદગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર

મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર

પાય લાગું પરમેસરા‚ તમે દેખાડયું નિજ ધામ રે

રામદાસ વચને મૂળદાસ બોલે‚ મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે… (દાસી જીવણ)

કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે… દાસી જીવણ – દાવાભાઇ પાનવાળા

કલેજા કટારી રે વ્રેહની કટારી રે‚

હે માડી ! મુંને માવે‚ લઈને મારી રે મારી…

વાંભુ ભરી મુજને મારી‚ વાલે મારે બહુ બળકારી‚

એણે હાથુંથી હુલાવી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

કટારીનો ઘા છે કારી‚ વાલીડે મારી છે ચોધારી‚

ભીતર ઘા બહુ ભારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

જડી બુટી ઓખદ મૂળી‚ કેની એ ન લાગે કારી‚

વૈદ ગિયા હારી રે‚ હકીમ ગિયા હારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

વ્રેહ તણી વેદના ભારી‚ ઘડીક ઘરમાં ને ઘડીક બારી

મારી મીટુંમાં મોરારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

દાસી જીવણ ભીમને ભાળી‚ વારણાં લઉં વારી વારી‚

આજ દાસીને દીવાળી રે‚ ખબરું લીધી હમારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… (અમરબાઇ)

કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… અમરબાઇ – વાના જેતા ઓડેદરા

કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… અમરબાઇ – સેવાદાસજી મહારાજ

કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… અમરબાઇ – ઉર્મીલા ગોસ્વામી

કોણ તો જાણે રે બીજું કોણ તો જાણે… – અમરબાઇ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚

મારી હાલ રે ફકીરી !

દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…

માલમી વિનાનું બીજું કોણ તો જાણે…

મારી હાલ રે ફકીરી…

જળની માછલિયું અમે પવને સંચરિયું રે‚

ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે…

મારી હાલ રે ફકીરી…

કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે‚

અઢારે વરણમાં મારા હીરલા ફરે…

મારી હાલ રે ફકીરી…

ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે‚

સમરથ પુરુષ ભેળા રાસ રમે…

મારી હાલ રે ફકીરી…

પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે‚

શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે…

મારી હાલ રે ફકીરી…

ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે‚

સમજ્યા વિનાના ઈ તો નોખાં નોખાં તાણે…

મારી હાલ રે ફકીરી…

દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે‚

સમરથ સેવે તો રૂડી સાનું મળે…

મારી હાલ રે ફકીરી…

સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી… (દાસી જીવણ)

સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી… દાસી જીવણ

સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે‚

ઓલ્યા ધુતારાને કે’જો રે‚ મારા પાતળિયાને કે’જો રે‚ આટલી મારી વિનતી રે જી‚

ઓલ્યા ખેધીલાને કે’જો રે‚ મારા વાદીલાને કે’જો રે‚ આટલી મારી વિનતી રે જી‚

જઈને કે’જો‚ આટલો મારો રે સંદેશ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

દાસી છે તમારી રે‚ દરશન કારણ દુબળી રે‚

ઈ દાસીને દરશન દેજો રે હમેંશ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

જેને વિતી હોય તે જાણે રે‚ પરવિતી શું જાણે પ્રીતડી ? રે જી‚

કુંવારી શું જાણે રે પિયુજી તણો વિજોગ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

પિયુજીને મળવા રે‚ ચાલો સખીયું શુનમાં રે જી‚

સરવે સાહેલી‚ પહેરી લેજો ભગવો ભેખ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

જાળીડાં મેલાવો રે‚ ગુરુ ગમ જ્ઞાનનાં રે જી‚

ઈ જાળીડાં જરણા માંહેલા છે રે જાપ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

ભીમ ગુરુ શરણે રે‚ દાસી જીવણ બોલીયા રે જી‚

દેજો અમને તમારા રે ચરણોમાં વાસ…

મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦

બેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… (લખીરામ)

બેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… લખીરામ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

બેની મુને ભીતર સતગુરુ મળિયા… – (લખીરામ)

બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે

વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !

બેની ! મું ને…૦

કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;

શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;

કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;

ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;

ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;

ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;

અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;

નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;

કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી… (કબીર)

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી… કબીર – કલયાણદાસ મેસવાણીયા

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી… કબીર – અમરનાથ નાથજી

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી… કબીર – હેમુ ગઢવી

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી…

લીલાં લીલાં મોતીડાં રે હાં… સંતો ભાઈ ! પીળાં પીળાં…

તખત તરવેણીના તીરમાં… સાચાં સાગરનાં મોતી…

જોતાં રે જોતાં રે…

જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈ ! નેણલે પીરોતી

ગગન મંડળમાં હીરલા રે સાચાં સાગરનાં મોતી…

જોતાં રે જોતાં રે…

ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈ ! કોઈ લાવો ગોતી…

એનો રે બનું રે હું તો દાસ રે… સાચાં સાગરનાં…

જોતાં રે જોતાં રે…

કહત કબીરા રે હાં… સંતો ભાઈ ! સૂનો મેરે સાધુ…

સાધુડાં લેજો રે મોતીડાં ગોતી રે… સાચાં સાગરનાં મોતી…

જોતાં રે જોતાં રે…