Baroti Sahitya & Vanshavali – Barot Vahi

બારોટ વહી અને બારોટી વંશાવળી પરંપરા

લોકવિદ્યાઓ અને લોકજીવન સાથે સંબંધ ધરાવતી એક અત્યંત મહત્વની છતાં આજસુધી ઉપેક્ષિત રહેલી સંસ્થા – કે વિદ્યાશાખા બારોટ અને બારોટી સાહિત્ય વિશે ઊંડાણથી સંશોધનાત્મક ચર્ચા થવી અત્યંત જરૂરી છે. ‘વહી’ તરીકે ઓળખાતા‚ બારોટ દ્વારા લખાયેલા વંશાનુચરિતના લક્ષણો ધરાવતા વંશાવળીના ચોપડાઓનું સામાજિક મૂલ્ય શું છે એની વિગતવાર આલોચના થવી પણ આજના વૈજ્ઞાનિક યુગમાં ખૂબ જ જરૂરી છે.

આજે માનવી પોતાનાં કુળ અને મૂળ વિશે પ્રમાણભૂત માહિતી મેળવવાની ઉત્કંઠા રાખે એ સ્વાભાવિક છે‚ અને એમાં આજ સુધી દરેક જ્ઞાતિ કે વંશના જિજ્ઞાસુઓને પૂર્ણ સંતોષ થાય એવી હકીકતો નથી સાંપડી એ પણ એક હકીકત છે. થોડાં વર્ષો પહેલાં લંડનમાં એક અંગ્રેજી ફિલ્મ બહુ જ લોકપ્રિય થયેલી. એનું નામ હતું ‘ધી રુટ્સ’. એ ફિલ્મનો નાયક શહેરમાં વસતો આધુનિક નાગરિક છે‚ એને પોતાની જાતિ અને પોતાના વંશ વિશેની મૂળ પ્રમાણભૂત ઐતિહાસિક વિગતો ભેગી કરવાની લગન લાગી અને વર્ષો પછી અનેક સ્થળોએ ફરીને પોતાના કુળ અને મૂળ શોધી કાઢ્યાં એની વાત હતી. આ ફિલ્મ જોઈને ત્યાંના અનેક યુવાનોને પોતાના વંશ વિશે જાણવાની ઈચ્છા થઈ આવી. એ યુવાનોમાં મારા નજીકના સંબંધીઓ ભારતીય બ્રાહ્મણો પણ હતા. મારા ઉપર પત્ર આવ્યો કે આપણા કુટુંબ વિશે તમામ માહિતી એકઠી કરો.

હું પોતે પણ વર્ષોથી આ પ્રકારનું સંશોધન કરવા આતુર હતો. થોડીઘણી નોંધ કરતો પણ એ પત્ર મળ્યા પછી ખરી ધગશથી કામ ઉપાડ્યું. જ્ઞાતિના બારોટજીની ભાળ મેળવી‚ જેમની પાસે મૂળ ચોપડો સચવાયેલો. તેને વહીની લિપિ અને શૈલીનો જ પરિચય નહોતો‚ ને એને મારા ઉપર એવો વિશ્વાસ પણ નહોતો કે હું એ ‘વહી’ની લિપિ ઉકેલી શકું. ઘણા સમયના ગાઢ સંબંધોને અંતે મને વહી દેખાડી‚ મેં એમના દેખતાં વાંચી બતાવી અને ભાગ્યશાત્ એ આખો ચોપડો બારોટજીએ મને સોંપી દીધો.

એ ચોપડા અને અન્ય પ્રમાણભૂત ઈતિહાસગ્રંથોનો આધાર લઈ એક નાનકડી પુસ્તિકા તૈયાર થઈ છે. આ કાર્ય કરતાં કરતાં બારોટની ‘વહી’ એની ભાષા‚ એની શૈલી‚ એના સંકેતો‚ એમાં નામ માંડવાની ક્રિયા‚ વિશે પણ વિચારવાનું બન્યું.

જીવંત ઈતિહાસ ધરાવતી એક સમૃદ્ધ લિખિત પરંપરા :

લગભગ તમામ લોકજાતિઓનો જીવંત – પ્રમાણભૂત ઈતિહાસ સાચવતી એક સમૃદ્ધ લિખિત પરંપરા તરીકે બારોટની ‘વહી’માં જે તે જ્ઞાતિ કે જાતિની મૂળ પરંપરા‚ આદ્યપુરુષ‚ એની શાખા-પ્રશાખાઓ‚ એનું મૂળ આદ્યસ્થાન‚ એનાં કુળદેવી-દેવી-દેવતા‚ સતી‚ શૂરાપૂરા‚ ગોત્ર‚ શાખા‚ પર્વ‚ ક્ષેત્રપાલ‚ ગણેશ‚ ભૈરવ‚ દેવી-દેવતાના નિવેદ‚ ગામ-ગરાસની નોંધ‚ મંગલ અમંગલ પ્રસંગો વગેરે બાબતો વંશાનુક્રમે નોંધાયેલી જોવા મળે.

પેઢી દર પેઢી જ્ઞાતિના બારોટ પાસેથી એના વંશજોને એ ‘વહી’ મળતી રહે‚ કંઠોપકંઠ જળવાયેલી પ્રાચીન હકીકતો સાથે નવી પ્રમાણભૂત હકીકતોનું ઉમેરણ થતું રહે. એક ચોપડો જિર્ણ થતાં નવી નકલમાં આ સામગ્રીનું અવતરણ થાય. છતાં જૂનો ચોપડો પણ જાળવી રાખવામાં આવે. એમાં યજમાનની વંશાવળીઓની સાથોસાથ પોતે રચેલું બારોટી સાહિત્ય‚ દુહાઓ‚ છંદ‚ કવિત‚ પદો‚ ભજનો‚ કીર્તનો‚ વૈદક અને દંતકથાઓ  લોકવાર્તાઓ-ઐતિહાસિક ઘટનાઓની નોંધો વગેરે સામગ્રી પણ સચવાઈ હોય.

બારોટજીનું આગમન

હજુ પચીસ-ત્રીશ વર્ષ પહેલાં તો સમાજના દરેક કુટુંબોમાં બારોટજીનું આગમન થાય અને ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ રહે. ડેલીઓથી જ બારોટજી આશીર્વાદ આપતાં આપતાં પ્રવેશ કરે. સરસ મજાની ઘોડી હોય‚ માથે આંટિયાળી પાઘડી ને ગળામાં રૂદ્રાક્ષના પારાની ત્રણચાર માળાયું પડી હોય‚ ખંભે વંશાવળીના ટીપણાનો લગભગ ત્રણેક ભારનો ખડિયો લટકતો હોય‚ એક હાથમાં હોકો પકડ્યો હોય‚ બીજા હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી કે રૂપકડી દેશી સિતાર ઝાલી હોય અને ભલકારા કરતાં બારોટજીનો પ્રવેશ થાય…

ચોરાશી ચારણ્યુંનવ કોટિ મારવાડણ્યું

બરડાના બેટનીપાટણના પાદરની ;

રોઝડાના રેવાસનીકળકળિયા કૂવાની

તાંતણિયા ધરાનીકાછ પાંચાળની ;

અંજાર આંબલીનીગરનારી ગોખની

ચુંવાળના ચોકનીથાનકના પડથારાની ;

કડછના અખાડાનીનવલાખ લોબડિયાળીયું

જોગણી માવડિયું તમારા જતન કરે બાપ !…’

નવા નકોર ઢોલિયા ઉપર મૂંઢા હાથનું નવી આણાંતનું ગાદલું ને ઉપર રેશમી રજાઈ પાથરી બારોટજીને આસન અપાય‚ ઢોલિયે બેસીને બારોટજી ખડિયામાંથી અસર મળવિયા અફીણનો ગાંગડો કાઢે‚ અંજારની પાણીદાર સૂડીએ વાતરીને નાનકડી ખરલમાં ઘૂંટે. ખસરક ઘૂંટે ખસરક ઘૂટાંગ… ખસરક ઘૂટાંગ… ત્યાં તો ગામમાંથી એની હેડીના બીજા યજમાનો ય ‘રામ રામ બારોટજી…!’ બોલતાં આવી પહોંચ્યા હોય.

ચા-પાણી કર્યા પછી બારોટજીને બાજોઠને માથે હીરમોતીના શણગાર ભરેલા ચાકળા પાથરી ભોજન પીરસાય‚ જમતીવેળા પણ બારોટજી આશીર્વાદ વેણ ઉચ્ચારે :

‘બા… પો… ! બા… પો… ! હડૂડૂડૂડૂ

ઘી… ઘી… ઘી…

ન્યાં હોય લીલા દી’…

દૂધુંવાળો દડેડાટ

ઘીયુંવાળો હડેડાટ

એમાં માઠીયું આઈયું ને માઠીઆ આપા

જાય તણાતા… જાવા દ્યો…

કોઈ આડા ફરતા નૈં…

કોઈ બારોટ આવ્યે પડપડે

કોઈ મનમાં કચકચ થાય

કોઈ મળિયું ગોદડાં સંતાડે

આપો દિયે ન આઈ વારે

આઈ દિયે ને આપો વારે

એને લઈ જાય જમને બારે

કોઈ જાતો… કોઈ આવતો… કોઈ કાશી… કોઈ કેદાર…

અન્નનો ખધાર્થી હોય ઈ આવજો… ઓ…

નરોત્તમભાઈને ન્યાં કરો ભયો  ગાજે…

બા… પ્પો… હડૂડૂડૂડૂ… ઘી… ઘી… ઘી…

ન્યાં હોય સોયલાં દી’… સોયલી વાર…

સત ને વ્રત અણખૂટ

ચડતી કળા ને રાવળ નળા

ઝાઝે ધાને ધરાવ

સોયલાં ને સુખી રયો

ઘોડલે લાર‚ મોતીએ ભંડાર‚ કણે કોઠાર‚

પૂતર પરવાર…

આઈ માતા ! તમે ત્રે પખાનાં તારણહાર ;

મા તમે જનેતા ! છોરવાં સમાનો લેખવણહાર…

ભોજન પછી એકાદ ઘડી આડા પડખે થઈને સાંજના ચારેક વાગ્યે બારોટજીની સામે ડાયરો જામે. બારોટજી યજમાના પૂર્વજોની દાતારી‚ શૂરવીરતા‚ ભક્તિ‚ નેક‚ ટેક‚ ખાનદાનીના પ્રસંગોની વાત માંડે‚ દેશી સિતારના રણઝણાટ વચ્ચે કથા‚ કહેણી‚ કાવ્ય‚ સંગીત‚ કંઠ અને અભિનય એ છયે અંગો દ્વારા નવે રસનો સાક્ષાત્કાર બારોટજી કરાવી શકે. જેવો ડાયરો એવી વાત. માત્ર પોતાના યજમાનો જ સામે બેઠા હોય તો યજમાનોના પૂર્વજોની વાત માંડે‚ આખા ગામનો ડાયરો બેઠો હોય તો ધાર્મિક‚ પૌરાણિક‚ ઐતિહાસિક કે સમકાલિન ઘટના ઉપર આધારિત વિષય લઈને‚ શ્રોતાઓની નાડ પારખીને બારોટજી વાર્તા ની માંડણી કરે.

સાંજના છ સાડા છ વાગ્યે અથવા તો ઊગતા સૂરજની સાખે નામ માંડવાની વિધિ શરૂ થાય.

વહીમાં નામ માંડવાની વિધિ

લોકસમુદાયમાં – લોકસંસ્કૃતિમાં લગભગ તમામ જાતિઓની વંશાવળીઓ વહીવંચા બારોટની વહીઓમાં સચવાતી આવી છે. જેમ રામાયણ‚ શ્રીમદ્દ ભાગવત કે ભગવદ્દગીતાને આપણા જીવનમાં પવિત્ર ધર્મગ્રંથ તરીકે સ્થાપ્યા છે તેમ વંશાવળીનો ચોપડો પણ લોકજીવનમાં પવિત્ર ધર્મગ્રંથ તરીકે પૂજનિય મનાય છે. ચોપડે નામ મંડાવવું એ જન્મ‚ યજ્ઞોપવિત‚ વિવાહ કે અન્ય માંગલિક પ્રસંગ જેવો જ – બલ્કે તેનાથીયે વિશેષ એવો અવસર મનાય છે.

બાજોઠ ઉપર નવી આણાંત વહુવારુની રેશમી રજાઈ પાથરી બારોટજી એની ઉપર પોતાનો ચોપડો પધરાવે. બાજોઠ સામે બારોટજીનું વિશિષ્ટ આસન હોય. ધીરે ધીરે યજમાનના સૌ કુટુંબીજનો એકઠાં થાય ને બેસી જાય. રેશમી વસ્ત્રમાં બાંધેલ ચોપડો છોડતાં પહેલાં યજમાન પાસે ચોપડાના પોટલાંનું પૂજન કરાવે‚ યજમાન પગે લાગે ને ચોપડા ઉપર શીખ મૂકે.

આ સમયે બારોટજી સ્વસ્તિવચનો સંભળાવતા હોય :

સદા ભવાની સાહ રે‚  સન્મુખ રહો ગુણેશ ;

પાંચ દેવ રક્ષા કરે‚  બ્રહ્મા વિષ્ણુ મહેશ.

કળગર પોથાં કંધ કર‚ વિધ વિધ કરે વખાણ ;

જે ઘર પરિયાં ન સાંચરે સો ઘર જાણ મસાણ.

પ્રથમ દેવ શિવ પૂજીએ‚ ગુણાતીત ગુણપત ;

કરુણાકરો‚ મંગલકરણ‚ સુધ બુધ માતા સત્ :

દયાનિધિ દૈતા દહન‚ ત્રિભુવન નિપાવન તાજ‚

અરજી એટલી ઈશ્વરી સખ રાખો મહારાજ.

નીલકંઠ ચરણે નમું‚ મંગલ મુરતી મહેશ‚

કવિઅન મુખ વાણી સુખી સિધ બુધ દ્યો આશેષ.

કાંધે કાવડ ફેરવે‚ નવલાં કરે વખાણ ;

જે ઘર પરિઓ ન છૂટીઓ‚ તે ઘર સાચ મસાણ.

દુનિયામાં તે દેવ છે‚ ભાર ચતુર સુજાણ‚

કુલ તણી પ્રખીઆન વાંચે ભલકણ ઊગ્યો ભાણ.

ભાટ વિના કોઈ વરણ નહીં‚ સુણજો તેનો સાજ‚

વંશ એનો નહીં ચાલશે‚ કરશે નહીં શુભ કાજ.

ગાદી વ્યાસમુનિકી‚ પરથમ કરું પરણામ ;

વાંચત અહીં વંશાવળી નિરમળ ઉત્તમ કામ.

આમ સ્વસ્તિવાચન થયા બાદ ઘરની સૌભાગ્યવંતી વહુવારુઓ આવીને ચોપડાને કંકુચોખાથી વધાવે‚ ચોપડા સામે ધૂપ દીપ થાય. યજમાન ઘરનાં સૌ સભ્યો વારાફરતી ચોપડાને અને બારોટજીને વંદન કરે ને બારોટજી સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ તેના વિશેની આદ્ય વંશાવળીના કવિત છપ્પય બોલે. આ મૂળારંભ-વિશ્વ ઉત્પત્તિની કથા જેને ભોગલ પુરાણ’ કે ‘ભુગોળ પુરાણ – ભોગલ પ્રાંણ’ તરીકે ઓળખાવવામાં આવે છે અને જે માત્ર બારોટી સાહિત્ય ધરાવતી હસ્તપ્રતોમાં જ સચવાયું છે તેની રજૂઆત થાય. મારી પાસે સચવાયેલી એક પ્રાચીન હસ્તપ્રતમાંથી મળતા ‘ભોગલ પુરાણ’નો પ્રારંભ જોઈએ :

ભોગલ પ્રાંણ લખતે માદેવનું. માદેવજી કથતે પારવતી સણતે. માદેવ વાંચે સાંમી ભોમ પ્રમાણ કથું ઉત્તમ સેસટ કરું વખાણકેતા ધરતી કેતા અંકાશકેતા મેઘ મંડાણ કવલાશ. કેતા પર્વત પાણી ચન્દ્ર સૂરજ કવલાશકેતા દીપ સમુંદ્ર કેતા પર્વત કેતા વ્રેમંડ કેતા રાજા કેતા મેઘમંડલ કેને આધાર. સરી માહાદેવ વાંચે સુણે દેવી પારવતી : આદ અવગત નિરંજન નિરાકારતાહાં હતા સુનકા પ્રવેશ તિહાં હતું અંધારૂં અલેખઉતપત કથારૂપ… અધજુગત્રવિધ જુગબુધ જુગબધકારજગમનુજુગમનમથજુગચવીજુગધરમજુગધમધમકારજુગકારજુગતારજુગઅતીતજુગઆફેરજુગસુખજુગવ્રતીત જુગ… તદાકાળ પૃથમી નહીંઆકાશ નહીંવ્રેમંડ નહીંશિવ નહીંશક્તિ સંસાર નહીંનગર નહીંનવગ્રહ નહીંગગનગઢ નહીંવા નહીંતેજ નહીંકાલ નહીંકામ નહીંનક્ષત્ર નહીંધરૂ તારોય નહીંતારા નૈંવાર નૈંતિથિ નૈંસૂરજ નૈંચંદર નૈંજીવ નૈંઆત્મા નૈંજ્ઞાન નૈંધ્યાન નૈંદેવ નૈંપૂજા નૈંજગન નૈંજીવ નૈંમોક્ષ નૈંમુગતિ નૈંમોહ નૈંમેળાપ નૈંઆચાર નૈંક્રિયા નૈં… પ્રથમ માજા સમુદ્રે મેલી છેપ્રથમી રસાતાલને વિશે ઘાલી છેસપ્ત પાતાળના જળ આકાશે ગ્યાંતારે સકળ સૃષ્ટિ ને ભરખીને પરમેસર વટપત્રને પાને પોઢ્યા કેટલું ? ત્રણ પદમપાંચ લાખ બેતાલીશ સહસ્ત્ર એકસો ને બે વરષ. પછી મારકુંડને રૂપ દેખાડ્યુંનારાયણે ચિંતવણી કરીપાંચ તત્વ ઉપન્યાત્રણ ગુણ ઉપનાવ્યાનાભકમળમાંથી કમળ ઉપનાવ્યું…

આ કમળમાંથી મનસાદેવી ઉત્પન્ન થયાં‚ હથેળી ચોળી ત્રણ દેવ ઉત્પન્ન કર્યા‚ બ્રહ્મા વિષ્ણુએ વિવાહની ના પાડી‚ શિવે કહ્યા મુજબ ઉમિયાએ અગ્નિમાં પ્રજળી પ્રજળીને પા-રતી-પારવતી રૂપ ધારણ કર્યું ને શિવ-શક્તિના વિવાહ થયા આ ધરતી – જીવ‚ પશુ‚ પક્ષી‚ વૃક્ષો‚ દેવી દેવતાઓ એમ સૃષ્ટિની ઉત્પત્તિ શરૂ થઈ એની વાત માંડીને બારોટજીએ પોતાના યજમાનની પેઢી કયારથી શરૂ થઈ તેની વાત ઉપર આવે. એમાં બ્રહ્મા‚ વિષ્ણુના ચોવીશ અવતારો‚ શિવજી કે પૌરાણિક દેવી-દેવતાનો-ઋષિમુતિઓ અને રાજાઓ સામે તમામ વંશોની ઉત્પત્તિ કડીઓ જોડાયેલી જોવા મળે.

પછી યજમાનના વંશના મૂળ પુરુષથી વંશાવળીનું વાંચન શરૂ થાય. જે તે વંશમાં થયેલા દાનવીરો‚ શૂરવીરો‚ સતી‚ શૂરાપુરા વગેરેની કથાઓ પણ બારોટજી દ્વારા રજૂ થાય. અને છેલ્લે જેમના નામ માંડવાના હોય તેને સામે બેસીડી બારોટજી ચાંદલો કરે‚ ને ચોપડામાં નામ માંડે. બાળકના નામ સાથે પિતાનું નામ‚ માતાનું નામ‚ માતામહનું નામ‚ કુળ‚ શાખા‚ ગોત્ર‚ ગામ ને સ્થળ-કાળ-સમય નોંધાય‚ આ સમયે જે તે ગામના અધિપતિ ગામધણી‚ પોલીસ પટેલ‚ નગરશેઠ ને ગામના આગેવાનોની હાજરી પણ નોંધાય ને ચોપડામાં લખવામાં આવે.

નામ મંડાયા પછી બારોટજીને શીખ પહેરામણી થાય. શીખ લઈને બારોટજી આશીર્વચનો ઉચ્ચારે :

અખે અન્નો દાતાર આરો સમે કલિયાણ

સડંતા સાહ પડંતા દશમન દાતા સો અન્ન દિયે હેદળમ્

તેત્રીશખે તૃપતા થિયે તાસ ધુંવાડા ધન્ય

વધીઓ જેમ પ્રાગાવડભરીઓ ખીર સમુંદ ;

રાજ કરો પુતર પરવારસેંજેમ ગોકળમાં ગોવંદ.

ફળે છત્રપત બોત ફળકોઈ કવ્યાં હે મલક ;

તાસ તણે પળંભડેપિયા જે ભોજન લભ.

હાળી નાળી ને બાળધીઆહેડી પશુપાળ ;

એતાં તુમ રક્ષા કરોબંકડ બટુ બલાળ.

બા… પ્પો… હડૂડૂડૂડૂ… ઘી… ઘી… ઘી…

ન્યાં હોય નીલા દી’સોયલી વાર… સત ને વ્રત અખૂટ ખળાં

ચડતી ને વ્રત રાવળ અખૂટ ખળાં ઝાઝે ધાને ધરાવસોયલાં ને સખી રયો બાપ ! …

અને આ રીતે બારોટજીના ચોપડામાં નવા જન્મેલાં બાળકોના નામ મંડાય. સાથોસાથ ગામમાં થયેલ શુભ-અશુભ પ્રસંગો‚ યજમાનના કુટુંબમાં થયેલ કાર્યો – પ્રસંગો‚ યાત્રા‚ કુવા – વાવ – તળાવ – મકાન બાંધકામ જમીન – મકાન ખરીદી – વેચાણ વગેરે વિગતોની નોંધણી પણ બારોટના ચોપડામાં થઈ ગઈ હોય.

આજે ઈતિહાસના પ્રમાણભૂત સાધનોની ખોજ કરતી વેળા બારોટના ચોપડાઓમાંથી મળતી આવી નોંધ ખૂબ જ ઉપયોગી થઈ પડે.

ધીરે ધીરે લુપ્ત થઈ રહેલી પરંપરા

આજે અન્ય વ્યવસાયોમાં પદાર્પણ કરવાની સાથે ઘણા બધા બારોટ કુટુંબોએ વહીવંચાની કામગીરી છોડી દીધી છે. આજના યુવાનોને એની ભાષા કે લિપિની જાણકારી નથી‚ એક આધુનિક યુગના નૂતન સમાજ સાથે ડગલાં માંડવા આજના બારોટ યુવાનોને વહીવંચા તરીકેની કામગીરી યાચક વ્યવસાય તરીકે ત્યાજ્ય લાગે છે ત્યારે પોતાને ત્યાં જળવાયેલી ‘વહીઓ’નું મૂલ્ય ધીરે ધીરે ઓછું થતું જાય છે. છતાં પરંપરા મુજબ એને પૂજ્ય ગણીને – ગુપ્ત રાખવા – કોઈને જોવા ન દેવાની સંકુચિત મનોવૃત્તિ  પણ જોવા મળે છે. આ કારણે જીવાત‚ ઉંદર અને ઊધઈના મુખે ક્ષીણ થતી   ભેજને કારણે રાખ થઈ જતી અનેક હસ્તપ્રતો પટારાઓમાં પડી હોવા છતાં એનો સંશોધનાત્મક દ્રષ્ટિબિંદુથી ઉપયોગ નથી કરી શકાતો.

પોતાની આજિવિકા ઝૂંટવાઈ જશે એવો ભય

જે બારોટ વહીવંચા તરીકે યજમાનોમાં ફરે છે તેઓ પણ પોતાના ચોપડાઓમાં સચવાયેલી વિગતો પ્રકાશિત થાય એવું નથી ઈચ્છતા‚ કારણ કે‚ સમગ્ર વંશ કે જાતિનો ઈતિહાસ અને આંબો પ્રસિદ્ધ થઈ જશે તો કોઈ યજમાનને તેની જરૂર નહીં રહે એવો ભય તેમને સતાવે છે. ઘણીવાર તો કેટલાક બારોટ પોતાના યજમાનને વંશાવળી કે આંબો આપે ત્યારે એ યજમાનને દરેક કુટુંબી – પિત્રાઈઓને એની નકલ ન કળે એની તકેદારી રાખવા બે-ત્રણ પેઢી પછી એકાદ-બે નામનો તફાવત રાખે છે જેથી પોતાની રીતે યજમાન પોતાની વંશાવળી ન બનાવી શકે.

યજમાનના દિલમાં પોતાની પરિયાગત વહીવંચા પ્રત્યે આદરમાન જન્મે એવા પ્રયત્નોનો અભાવ

જે બારોટ વહીવંચા તરીકે વ્યવસાયગત રીતે કાર્ય કરે છે તેમાંના કેટલાકમાં પરંપરાગત સંકુચિતતા હોવાને કારણે ઘણીવાર યજમાનોના દિલમાં જૂના સમયનો સ્નેહસંબંધ કે આદરનો ભાવ ઓછો થતો જાય છે. આવે વખતે પોતાની અનિવાર્યતા સિદ્ધ કરીને યજમાનોમાં પુનઃ આદર અને માન જન્મે એવા પ્રયાસો નથી થતા એટલે ધીરે ધીરે આ અતિ પ્રાચિન અને સમૃદ્ધ એવી પરંપરા ઘસાઈ રહી છે.

યજમાનોની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા પણ કારણભૂત

આજના જમાનામાં યજમાનો તરફથી પણ પોતાના વહીવંચા બારોટને યોગ્ય રીતે જીવનનિર્વાહ ચાલે એટલી દક્ષિણા નથી મળતી‚ માત્ર ‘વહી’ ઉપર જીવનનિર્વાહ ચલાવવો દુષ્કર છે એ પણ હકીકત છે. આમ પરસ્પર બંને છેડાઓ ધીરે ધીરે ઘસાતા રહ્યા છે.

મને પ્રાપ્ત થયેલ બ્રાહ્મણોની વંશાવળી ધરાવતી વહી

૩પ૦ જેટલા પૃષ્ઠોમાં ૧૭ વિવિધ શાખાના બ્રાહ્મણોની વંશાવળી ધરાવતો અત્યંત જિર્ણ થયેલ મૂળ ચોપડો મને જામનગર ખાતે રહેતા બારોટ અરવિંદભાઈ અંબલેશ્વરિયા પાસેથી પ્રાપ્ત થયેલો‚ એમાં (૧) જમનાવડા વ્યાસ અને રાજ્યગુરુ‚ (ર) પરવડિયા વ્યાસ‚ (૩) સિહોરા જોશી પિઠિયાગોર‚ (૪) સિદ્ધપુરા કળોયા મહેતા અને ઠાકર‚ (પ) સિદ્ધપુરા મહેતા બારિયાગોર‚ (૬) ચોચાગોર‚ (૭) ઝાખરા જોશી‚ (૮) ઈસામલિયા જોશી‚ (૯) માંડલિયા ઈડરગઢના‚ (૧ર) કનાડા જોશી‚ (૧૩) પપાણિયા જોશી અને ઈસામલિયા ભટૃ‚ (૧૪) કુંકાવાવિયા બાખલકિયાના ગોર‚ (૧પ) શિહોરા જોશી ગણેણિયા‚ (૧૬) ભેડાગોર ભટૃ કહેવાતા શિહોરા જોશી‚ (૧૭) ડોડિયાગોર સિદ્ધપુરા. એમ જુદી જુદી ૧૭ શાખાના બ્રાહ્મણોની વંશાવળીઓ અને આગળ જણાવી તે તમામ હકીકતો નોંધાઈ છે. તેમાંથી કેટલીક શાખાઓ વિશે પ્રાથમિક માહિતી અહીં નોંધીએ.

(૧) જમનાવડા વ્યાસ અને રાજ્યગુરુ : ઔદિચ્ય બ્રાહ્મણ‚ ગોત્ર : કૌશિક શાખા માધ્યંદિની‚ ત્રિપર્વ : ઔર્વ‚ આપલ્વાન અને અંગિરસ‚ વેદ : પ્રથમ અથર્વવેદી અને પાછળથી યજુર્વેદી થયા. મૂળ શાખ : વ્યાસ કનોજિયા‚ કૂળદેવી : ચન્દ્રભાગા ક્ષેત્રપાલ : જમનાવડા‚ સૂરધન : જેવંત થાણાદેવળી‚ સતી : નાનબાઈ  દામોદર કુંડ‚ શ્રીબાઈ : રાજકોટ‚ માનાબાઈ : થાણા દેવળી.

મૂળ કનોજના રાજ્ય પૂરોહિત હતા. જૂનાગઢનો રા’જયસિંહ કનોજનો ભાણેજ હતો તે વિ.સં.૧ર૩૦માં ઈ.સ.૧૧૭૪માં શ્રીનાથ વ્યાસ જૂનાગઢ તેડી લાવ્યો. ને દામોદર કુંડમાં ઊભા રહી જમનાવડ સહિત અઢાર ગામ દક્ષિણમાં આપી રા’જયસિંહ તરીકે સ્થાપિત કર્યો. એમાંથી એક શાખા પરવડિયા વ્યાસની થઈ. રા’જયસિંહ / રા ગ્રહરિપુ / રા ધારિયો કે રા ગ્રહારિયા તરીકે ઓળખાતા આ ચુડાસમા રાજવી દ્વારા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ રાજ્યના રાજ્યગુરુ તરીકે બિરુદ મેળવનારા શ્રીનાથ વ્યાસથી સત્યાવીશમી પેઢીએ આ લખનાર સુધીની તમામ પ્રમાણભૂત વંશાવળી વિગતો આ ચોપડામાં જળવાઈ છે. (જે નાનકડી પુસ્તિકા રૂપે પ્રકાશિત કરી છે.)

(ર) સિહોરા દવે : બ્રાહ્મણ ઔદિચ્ય‚ આદિ શિહોરા‚ માધ્યંદિની શાખા‚ યજુર્વેદ. ત્રિપર્વ : ઔર્વ‚ આપલ્વાન‚ અંગિરસ‚ કુળદેવી વેદુરવંશની બ્રહ્માણી. વરવાળું ગામ સિદ્ધરાજે આપેલું ત્યારથી વરવાળિયા દવે કહેવાણા.

(૩) ઈસામલિયા જોશી વાઢિયાગોર : સિદ્ધરાજે હરિહર જોશીને ઈસામલી ગામ વિ.સં.૧ર૪પ માગશર સુદ પ ને દિને આપ્યું. ઈસામલી ગામના ચાર ભાગ હતા. પંડ્યા‚ મહેતા‚ ઠાકર ને જોશીને. પછી બાલાગામ આવ્યા. વેદા જોશીના પગ વાઢિયે પખાળ્યા ત્યારથી વાઢિયાગોર કહેવાયા. પહેલાં સંવત ૯૩ર કારતક વદી પાંચમને દિવસે ધારાનગરથી વદાધર જોશી કાશીને આવ્યા.

વશિષ્ટ ગોત્ર‚ માધ્યંદિની શાખા‚ યજુર્વેદ‚ ત્રપિર્વ : ઔર્વ‚ આપલ્વાન‚ અંગિરસ. દેવી નવદુર્ગા‚ સતી : રાજબાઈ સાણથલીને માર્ગે માંડવા ગામે સતીનો પાળિયો છે.

(૪) ઈસામલિયા જોશી માડિયાગોર : માધ્યંદિની શાખા‚ વત્સસ ગોત્ર‚ પંચપર્વ : ઔર્વ‚ અંગિરા‚ મૈત્રેય‚ વરૂણ‚ આપલ્વાન. મૂળ રહેવાશી. ગોહીલવાડમાં ગલસાણિયા ગામના. ત્યાંથી સં.૧ર૪પમાં રોધેલ ગામ આવ્યા. ત્યાંથી નાનજીએ બરડિયા ગામે વાવ બંધાવી. દેવી : વિંજવાસણી.

(પ) બ્રાહ્મણ ઔદિચ્ય ચોચાગોર – રાજગોર સિદ્ધપુરા જોશી : મૂળ સિદ્ધપુરા જોશી‚ ચોથે ભાગે સિદ્ધપુર મળેલું. ચિત્તલમાં રહેતા‚ પછી ચૂડા આવ્યા‚ લોલીડું ગામ વસાવ્યું. મૂળ અથર્વવેદી‚ ભારદ્વાજ ગોત્ર‚ માધ્યંદિની શાખા – યજુર્વેદ‚ ત્રપિર્વ : ઔરવ‚ આપલ્વાન‚ અંગિરસ. સિદ્ધપુરથી ગોહિલવાડના સુરકા ગામે આવ્યા. જાંબવડ ગામે સિદરિયો રાજગર (શ્રીધર રાજગર) પૂજાય છે. ઊગમણી દશે ખાંભી છે. ખેડાના ઝાડ હેઠે. જેણે ગૂઢડા ચારણને બાર વરસે માર્યો. સિદરિયાના નિવેદ સવાપાલી ચોખા‚ જમણી હાથ એક ધોળી‚ શ્રીફળ એક.

(૬) કુંકાવાવિયા રાજગર : બાખલકિયાના ગોર : અસલ મતિરાળિયા જોશી‚ મારવાડથી આવેલ. ગામ મોખડકું‚ મઢડું‚ કુંકાવાવ વાંસાવડના રા’વીકાએ આપેલ. કોત્સસ ગોત્ર. માધ્યંદિની શાખા‚ યજુર્વેદ. ત્રિપર્વ : ઔર્વ‚ આપલ્વાન‚ અંગિરા. કુળદેવી ચામુંડા.

આદ ગરાસ કણબી કુકડિયા – જાદવના ગોર. બાખલકિઆના. પછી ધુવાના‚ વાઘના‚ ખોલાના‚ ખસના‚ નાટના. સરવૈયા‚ બાખલકિયાના ગોર કેવાય છે. રા’વીકાએ અજરામર વેદાને સં.૧૪૮ર મહાવદી ૧૧ના દિને કુંકાવાવ ગામ આપેલું.

(૭) ઈંગોરાળિયા ઠાકર તે સિદ્ધપુરા કળોઈયા મહેતા : ગૌમ ગોત્ર‚ માધ્યંદિની શાખા‚ યજુર્વેદ‚ ત્રિપર્વ : ઔર્વ‚ આપાલ્વાન‚ અંગિરા. સતી માલણદે. રા ધારીએ / જયસિંહે ઈંગોરાળું ગામ આપેલું – વિ.સં.૧ર૯૪ કારતક સુદ ર – લાખણપણ ગામનું ઠાકરપણું રા’વીકાએ આપેલું. ત્યારથી ઠાકર કેવાણા. ઈંગોરાળે જેવત મુવા-રાની સાથે બહારવટિયા ઉપર વદાધર મુઆ. રણમલ વિભાની ઉપર ત્રાગું કીધું ત્યારે સામો‚ સૂરો‚ જેવત મુઆ. તેના પાળિયા ઈંગોરાળે છે.

(૮) વસરાગોર / વહરાગોર જોશી આશાવલા જોશી : મૂળ કટારિયાના – પછી ઈડરગઢના. વશિષ્ટ ગોત્ર‚ શુક્લ યજુર્વેદ‚ માધ્યંદિની શાખા‚ ઔર્વ‚ અંગિરા‚ આપલ્વાન‚ મૈત્રેય‚ જમદગ્નિ પંચપર્વ. સં.૧ર૯ર‚ માગશર સુ ૭ રા ધારીએ વેલાલીલું ગામ દીધું.

આ તો તદ્દન પ્રાથમિક સંક્ષિપ્ત માહિતી. આગળ જણાવ્યા છે તે મુજબના જુદા જુદા બ્રાહ્મણોની વિવિધ શાખો-પ્રશાખાઓની ઉત્પત્તિ‚ મૂળ વતન સ્વસ્થાન. વેદ‚ શાખા‚ ગોત્ર‚ પર્વ‚ કુળદેવી‚ જે તે ગામ કયા રાજાએ દાનમાં ક્યારે આપેલું તેની વિગતો અને પેઢીનું વંશવૃક્ષ એમાં અપાયું હોય.

વહીની લેખન શૈલી :

જુદી જુદી જ્ઞાતિઓની બારોટની વહીઓમાં લેખનશૈલીનો ભેદ પણ ખૂબ જ જોવા મળે છે. દા.ત.‚ બ્રાહ્મણોની વંશાવળી હંમેશાં ઉપરથી શરૂ થાય. પરદાદા‚ દાદા‚ પિતા‚ પુત્ર‚ પૌત્ર… એમ વંશાવળીમાં નામ નોંધાયા હોય. એક નમુનો જોઈએ :

‘દેવલીએ થાણાએ છે : મોર પનર : લાલજીનું ક્રસનજી : ભા વિઆસના : રૂડીબાઈ : પ્રેમજીની : ક્રસનજીનુ નારણ : રતનાગર : ડોસો : ની જમકુ : પ્રેમ : ભા  પંડાના : રૂખભાઈ જેરામની : અહીં પ્રથમ ગામનું નામ છે. થાણાદેવળી ગામે છે. પછી લખ્યું છે ‘મોર પનર’ એટલે આગળ પંદરમે પાને લાલજીથી ઉપરની પેઢીની વંશાવળી મળે. લાલજીનો દીકરો કરસનજી જે ભાણેજ વ્યાસનો. એની માતાનું નામ રૂડીબાઈ જે પ્રેમજી વ્યાસની દીકરી અને લાલજીની પત્ની. કરસનજીને ત્રણ દીકરા ને બે દીકરી – નારણજી‚ રત્નાકર ને ડોસો એ ત્રણ દીકરા. જમકુ અને પ્રેમ એ બે દીકરી. દીકરા માટે હંમેશાં ‘નુ’ શબ્દ લાગે. દીકરી માટે આગળ ‘ની’. કરસનજીનાં પત્નીનું નામ રૂખમાઈ તે જેરામ પંડ્યાંની દીકરી હતાં. આ રીતે પેઢી દર પેઢી નામાવલી આવતી રહે. જ્યારે હરિજનોની વંશાવળીમાં ગામ પ્રમાણે નીચેથી શરૂ થાય ને પછી પિતા‚ દાદા‚ પરદાદા એમ નામાવલિ આગળ ચાલે. એક નમુનો જોઈએ :

ગામ ચિત્રોડમાં રેય ।। દેશ વાગડમાં રેય ।। સાખે ગેડિયા ।। નાથા મૂળાના ।। અજુ મૂળાની ।। મૂળા નારદના ।। કાના માલાના ।। માલા વાલાના ।। અમર મેઘાની ।। વાલુ મેઘાની ।। મેઘા વાલાના ।। રાજા વાલાના ।। વાલા જશવંતના ।। આલા જશવંતના ।। જશવંત નારદના ।। નારદ દેવાણંદના ।। જીવા ત્રિકમના ।। માંડા ત્રિકમના ।। ત્રિકમ ભારાના ।। વીરા ભારાના ।। કાના ભારાના ।। ભારા ભોજાના ।। ભોજા જીવાના ।। મેઘા ગંગદાના ।। ગંગદા જીવાના ।।

અહીં ચિત્રોડે ગામે વાગડમાં રહેતા ગેડિયા શાખના વણકરોની વંશાવળી આપી છે. જેમાં નીચેથી શરૂ કરીએ તો જ ખ્યાલ આવે કે વંશાવળી કેવી રીતે ચાલી આવી છે. ઉપરથી લઈએ તો નાથાના બાપનું નામ મૂળા‚ અજુ તે નાથાની બહેન‚ મૂળાના બાપનું નામ નારદ પછી ગોટે ચડી જઈએ. ક્યાં નામ જોડવું તે સમસ્યા થાય. પણ નીચેથી લઈએ તો ખ્યાલ આવે કે મૂળ પુરુષ જીવાને બે દીકરા ગંગદાસ અને ભોજા. ગંગદાસનો દીકરો મેઘો. ને ભોજાનો દીકરો ભારો. ભારાને ત્રણ દીકરા કાનો‚ વીરો ને ત્રિકમ. ત્રિકમને બે દીકરા જીવો ને માંડો… એમ વંશાનુક્રમની ગોઠવણી કરી શકાય.

આ રીતે જુદી જુદી જાતિઓની વંશાવળી વહીઓમાં બારોટની પોતાની આગવી વિશિષ્ટ મૌલિક શૈલીઓ હોય. જે પરંપરાથી પોતાના વંશજો જ જાણી શકે.

સાંકેતિક ભાષા અને પ્રતીકાત્મકતા

બારોટની વહીમાનું લખાણ એટલું બધું સંક્ષિપ્તમાં અને સાંકેતિક ભાષામાં હોય કે બીજો કોઈ ઉકેલી શકે નહીં‚ અન્ય જ્ઞાતિના બારોટજી પણ ન ઉકેલી શકે એવી ગૂઢ – ગુપ્ત સંકેતયોજના એમાં હોય કારણ કે બીજા બારોટજી આગળ ઘણીવાર ચોપડો ગીરવે મૂકીને બારોટ નાણાંનો વ્યવહાર પણ કરતા હોય – આ વખતે અન્ય બારોટ પોતાના યજમાનોની વંશાવળી જાણી જાય‚ એની નકલ કરી લ્યે અને આંબા બનાવે અથવા તો શીખ લેવા જાય નહીં એની પણ તકેદારી ખાતર ચોપડાની લખાણની પદ્ધતિ ગુપ્ત રાખવામાં આવે.

આગળની પેઢી કેટલામાં પાનાં ઉપર આગળ નોંધાયેલી છે તેનો સંકેત દર્શાવવા ઘણીવાર પૃષ્ઠ અંકો માટે સાંકેતિક શબ્દો પ્રયોજવામાં આવ્યાં હોય. જ્યાં નવું ગામ શરૂ થાય ને એની વંશાવળી શરૂ થાય ત્યાં ‘ઘોડો કીઆડો ; પાઘડી ; તલવાર ; વેઢ : કોરી પાંચ : ધોતિયું :’ જેવા શબ્દો લખાયા હોય એના ચોક્કસ સાંકેતિક અર્થો થતા હોય અને એ અર્થ મુજબની સંખ્યાના પાને આગળની પેઢીઓની વંશાવળી મળે એવું સૂચન એમાં હોય. તો ‘મોર પનર’ કે ‘મોર ૭’ જેવા શબ્દો આગળના પંદરમા પૃષ્ઠ ઉપર કે આગળના સાતમા પૃષ્ઠ ઉપર જુઓનો સંકેત કરતા હોય.

તૂલનાત્મક અભ્યાસ દ્વારા જ રહસ્યોદ્દઘાટન શક્ય બને

આ રીતે અનેક જુદી જુદી જાતિઓની વંશાવળીઓ ધરાવતી વહીઓ બારોટ સમાજ પાસે સચવાયેલી પડી છે. એની લિપિ પણ વિશિષ્ટ વહીએ વહીએ અને વહીમાં પણ લહિયા લહિયાએ લિપિ બદલાતી રહી હોય‚ એના અક્ષરવળાંકો બદલાતા ગયા હોય‚ એમાં સંકેતચિહનો પણ બદલાયાં હોય આ બધી જ વિગતોનો અભ્યાસ એક સ્વતંત્ર શાખા તરીકે કરવામાં આવે અને બારોટ સમાજ તરફથી યોગ્ય સહકાર મળે તો જ આપણો વિસરતો જતો આ અમૂલ્ય વારસો (કે જેનું મૂલ્ય એને સાંચવી બેઠેલા બારોટ સમુદાયને માત્ર યજમાનો પાસેથી શીખ-દક્ષિણા પ્રાપ્ત કરવાથી વધુ નથી) સચવાય‚ લોકોને એની મહત્ત સમજાય અને તો જ સાહિત્ય‚ ભાષા‚ લિપિ‚ ઈતિહાસ‚ સંસ્કૃતિ‚ માનવવંશ ઈતિહાસ જેવા વિષયો પર પૂર્ણ પ્રમાણભૂત હકીકતો સાંપડે.

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
Responses are currently closed, but you can trackback from your own site.

Comments are closed.