Introduction of Gujarati Saint Poet

(૧)   અક્કલદાસ

રવિભાણ સંપ્રદાયના સંત કવિ. ભીમ સાહેબ (જન્મ ઇ.સ.૧૭૧૮)ના શિષ્ય. થાનગઢ (જિ. સુરેન્દ્રનગર)ના ગેડિયા બ્રાહ્મણ. ગુરુભાઈ : દાસી જીવણ. (ઇ.૧૭પ૦-૧૮રપ)

(ર)   અખો (ઇ.સ.૧૬૧પ-૧૬૭પ)

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી વેદાન્તી કવિ. જન્મ જેતલપુર (જિ.અમદાવાદ)માં સોની જ્ઞાતિમાં.

(૩)   અખૈયો

સમર્થ જ્ઞાનમાર્ગી વાણીના સર્જક સંત કવિ. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ જ્ઞાન ઉપાસનાનો સમન્વય થયો છે. ભૂતનાથ (ઇ.સ.૧૭૬ર)ના શિષ્ય. આદરિયાણા (તા.દસાડા કે પાટડી ? જિ.સુરેન્દ્રનગર.) ગામે ભાલિયા નાડોદા રાજપૂત જ્ઞાતિમાં જન્મ. ત્યાં અખૈયાની જાળનું વૃક્ષ અને ભૂતનાથનો ચોરો છે. જગ્યા છે. ગુરુ ભૂતપુરી મુંજપુરમાં રહેતા‚ અખૈયો રોજ ત્યાં જાય. વરસતા વરસાદે પહોંચ્યા. એક રબારી રોજ ભૂતનાથને દૂધ આપવા આવતો‚ એણે ગુરુએ આપેલ દૂધ ન પીધું‚ અખૈયાને પાયું ને એની ચેતના જાગૃત થઈ ગઇ.કેટલાક ભજનિકો ભૂતનાથને રામદેવપીરના ગુરુ બાળનાથના ગુરુ તરીકે પણ ઓળખાવે છે‚ એ મુજબ ભૂતનાથ શિષ્ય અખૈયો રામદેવપીરનો કાકાગુરુ થાય અને અખૈયાની દીકરી ડાલીબાઈ બહેન થાય… પણ આ વાતને કોઈ જ પ્રમાણ મળતાં નથી…

(૪)   અત્તરશાહ

સૂરજગરના શિષ્ય. જ્ઞાનમાર્ગી ભજન-વાણીના રચયિતા. સંત કવિ.

(પ)   અમરબાઈ

પરબના સંત દેવીદાસ (ઇ.સ.૧૭રપ-૧૮૦૦)નાં શિષ્યા સંત કવયિત્રી. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહિરનાં દીકરી. સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યામાં રક્તપિત્તિયાઓની સેવા કરતા સંત દેવીદાસને જોઈને અંતરમાં ભક્તિભાવ જાગ્યો અને વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસાર ત્યાગ કર્યો. એમના વિશે અનેક ચમત્કારો નોંધાયા છે. અનુમાને (ઇ.સ.૧૭પ૦-૬૦)માં અમરબાઈએ દીક્ષા લીધી હશે.

(૬)   અમરસંગ રાજા રાજ્યકાળ (ઇ.સ.૧૮૦૪ થી ૧૮૪૩)

સૌરાષ્ટ્રના  નાનકડા ધ્રાંગધ્રા રાજ્યના રાજવી ધ્રાંગધ્રામાં ‘રામ મહેલ’ નામે ઓળખાતું મંદિર બંધાવ્યું લોકો ભક્તરાજ તરીકે ઓળખતા‚ ભજનોની રચનાઓ  મળે છે.

(૭)   અરજણ (ઇ.સ.૧૯ મી સદી પૂર્વાર્ધ)

રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. દાસી જીવણ (ઇ.સ.૧૬રપ-૧૮પ૦)ના શિષ્ય. જામકંડોરણા પાસેના ભાદરા ગામના રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં કબીર પરંપરાની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.

(૮)   આનંદઘન (ઇ.સ.૧૬પ૦માં હયાત)

જૈન સંપ્રદાયના સાધુકવિ. મૂળ નામ લાભાનંદ. સિદ્ધ-અવધૂત પરંપરાના યોગી  પ્રેમી ભક્ત મહાપુરુષ.

(૯)   આંબાભગત આંબેવ (અવ. સં. ૧૯૩૦)

ચુડા (જિ. જુનાગઢ) ના કોળી પટેલ જ્ઞાતિમાં જન્મેલા ભક્તકવિ. ભીમગરજી મહારાજના શિષ્ય. પત્ની : મીણાંબાઈ‚ પુત્ર : હરજી‚ પૌત્ર : ડાયાભગત. ચુડામાં રામદેવજીનું મંદિર બંધાવ્યું. કેટલાક ભજનો પદોની રચના. શિષ્ય : ગોવિંદ ભગત. દાસી ભાવે પદોની રચના અવ.સં. ૧૯૩૦

(૧૦)  કચરો-મેઘ કચરો

હરિજન મેઘવાળ સમાજના‚ મહાપંથી સંતકવિ.

(૧૧)  કતીબશા

જેસલ તોરલ‚ રૂપાંદે માલદે (ઇ.સ.૧૩ર૬-૧૪૦૦)ના સમકાલીન રાજસ્થાની મહાપંથી સંતકવિ. જેમણે કદાચ કચ્છ સૌરાષ્ટ્રમાં પણ પરિભ્રમણ કર્યું હશે એમ એમની રાજસ્થાની મારવાડી ભાષામાં રચાયેલી ભજન રચનાઓની લોકપ્રિયતા અને ગુજરાતીકરણ પામેલાં ભજનો જોતાં લાગે છે.

(૧ર)  કનડપરી

દશનામી શૈવ પરંપરાના સંતકવિ.

(૧૩)  કબીર (ઇ.સ.૧૩૯૮-૧પ૧૮)

ભારતવર્ષના મુખ્ય સંત‚ સ્વામી રામાનંદના શિષ્ય‚ જન્મસ્થળ : કાશી‚  અવસાન : મગહર. રચના : સાખી‚ પદ‚ શબદી‚ રવૈણી આદિ. પ્રસિદ્ધ ગ્રંથ : ‘બીજક’.

(૧૪)  કરમણ (ઇ.સ. ૧૮રપમાં હયાત)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંતકવિ. મોરાર સાહેબ (૧૭પ૮-૧૮૪૯)ના શિષ્ય. વાવડી (જિ.સુરેન્દ્રનગર‚ ધ્રાંગધ્રા નજીક)માં વણકર જ્ઞાતિમાં જન્મ. લખીરામના ગુરુ.

(૧પ) કલ્યાણ (ઇ.સ.૧૮ર૭માં હયાત)

ડાકોરના સાધુ કવિ. ‘ભક્તિ એવી રે ભાઈ એવી જેમ તરસ્યાંને પાણી જેવી…’ જેવાં ભજનોના રચયિતા.

(૧૬)  કાજી મામદશા

નાનકશાના પિતા. દીન દરવેશના શિષ્ય ભક્તિમાર્ગી અને જ્ઞાન-વૈરાગ્યલક્ષી ભજનોના રચિયતા. એમના વિશે નોંધાયેલી વિગતો મુજબ ખેડા જિલ્લાના બીરપુર ગામે ઇ.સ.૧૪૬૮માં જન્મ. પિતા : કાજી હમીદ જેઓ અમદાવાદના શાહ આલમના શિષ્ય તરીકે શાહ ચાલન્દા તરીકે પણ ઓળખાતા. કાજી મામદશાનું મૂળ નામ કાજી મહેમૂદ દરિયાઈ હતું. રાજસ્થાની સાહિત્યના ઈતિહાસમાં નોંધાયેલા સંત કવિ કાઝી મહમૂદ (૧પમી સદી)નાં ૪પ જેટલાં પદો વિવિધ હસ્તપ્રતોમાંથી મળે છે. જૂનામાં જૂની હસ્તપ્રત ઇ.સ.૧૬રપની સાલની છે. જ્યારે ઇ.સ. ૧પરપ માં સહજસુંદર નામના જૈન કવિએ ‘રત્નસાર ચોપાઈ’માં કાઝી મહમૂદના એક પદ ‘ભૂલા ભમરલા કાંઈ ભમઈ એ’ના ઢાળ મુજબ રચના કરી છે.

(૧૭)  કાપડી બાવો

કાપડી પંથના સંભવત : કચ્છના અજ્ઞાત સાધુકવિ.

(૧૮)  કાળાભગત (ઇ.સ.૧૮પ૪)

થોરખાણ (બાબરા પાસે)ના હરિજન ભક્ત કવિ. જન્મ વિ.સં.૧૯૧૦ ઇ.સ. ૧૮પ૪. ગુરુ : દેહાભગત રચના : ભજનો.

(૧૯)  કાળુજી (જન્મ ઇ.સ.૧૮૭૧અવ. ઇ.સ. ૧૯૪૧)

મેઘપુર (ટંકારા પાસે‚ જિ. રાજકોટ)માં ઝાલા ગરાસિયા કુટુંબમાં સં. ૧૯ર૭ ચૈત્ર સુદ-૪ મંગળવારે જન્મ. પિતા : ખેંગારજી‚ માતા : ફઈબા. વિવાહ : કરણીબા સાથે (૧૯૪૬ માગશર સુદ ૧૦) ઇ.સ. ૧૮૯૦ ગુરુ : મંગળગરજી (મારવાડના બખશાજી મહારાજની પરંપરાના) પાસે ઇ.સ. ૧૮૯૩ સં. ૧૯૪૯ ભાદરવા સુદ ર ને દિવસે દીક્ષા લીધી. રચના : ભક્તિ‚ જ્ઞાન‚ યોગ અને ઉપદેશની ભજનવાણી જેમાં કીર્તન‚ કુંડળિયા‚ ભજન‚ પદ‚ બારમાસ‚ કાફી‚ સંધ્યા‚ પ્રભાતી‚ સાવળ‚ પ્યાલો‚ ઝીલણિયાં‚ ધોળ‚ સરવડાં‚ થાળ‚ અંતકાળિયાં‚ આરતી‚ સ્તુતિ‚ રાસ‚ રાસડા‚ તિથિ‚ વાર‚ મહિનો‚ પરજ અને સાખીયો જેવી રચનાઓ ઉપરાંત ૧૪૦ જેટલી પંક્તિઓમાં ‘ચિંતામણી’ ૧રપ જેટલી પંક્તિઓમાં ‘ક્કકા’ ૩૦ જેટલા ‘કુંડળિયા’ અને ૧પ૦ જેટલી સાખીઓ પ્રકાશિત થઈ છે. ખેંગારજી અવ.ઇ.સ.૧૯૧૩. માતા ફઈબા અવ.ઇ.સ.૧૯૧૯ પત્ની અવ.ઇ.સ. ૧૯ર૦

(ર૦)  કાયમદીન – પીર કાયમુદ્દીન ચિશ્તી (ઇ.સ.૧૬૯૦-૧૭૬૮)

ચિશ્તિયા સૂફી પરંપરાના સંતકવિ. જન્મ : મહેસાણા જિલ્લાના કડી ગામે‚ પિતા : સુફી સંત બદરૂદ્દીનસાહેબ. અવસાન મહારાષ્ટ્રના નંદરબાર નજીકના કોઈ ગામે‚ તેમના દેહને એકલબારા (તા.પાદરા‚ જિ.વડોદરા) ભૂમિદાહ અપાયો‚ અને દરગાહ બાંધી છે. શિષ્યા સંત કવયિત્રીઓ રતનબાઈ‚ દીવાળીબાઈ વગેરે…

(ર૧)  કેશવલાલ સાયલાકર (ઇ.સ.૧૮૯પ-૧૯૭ર)

અર્વાચીન સમયના આખ્યાનકાર-સંતસાહિત્ય સંશોધક અને કવિ ભજનિક. જેમણે ‘રામદેવ રામાયણ’ ગ્રંથ દ્વારા ગુજરાતમાં રામદેવપીરનો વિશેષ પ્રચાર-પ્રસાર કર્યો છે. ‘મહાત્મા મૂળદાસ’‚ ‘સતી લોયણ’‚ ‘સતી તોરલ’‚ ‘દેવાયત પંડિત’‚ ‘શેઠ સગાળશા’‚ ‘ગોરખ નાથ’‚ ‘ભતૃહરિ’‚ ‘ગંગાસતી’ વગેરે આખ્યાનો તથા કાવ્યસંગ્રહો ‘રામસાગર’‚ ‘કડવાભગતની વાણી’.

(રર)  ખીમરો કોટવાળ

મહાપંથના સંત. નિજિયાપંથી‚ બીજમાર્ગી પાટપૂજાના સમયે કોટવાળ થવાની લાયકાત ધરાવનાર હરિજન (મેઘવાળ) ચમાર કે વણકર ભક્ત. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી (આજનું મોરબી કે એની પાસેનું કોઈ ગામ)માં નિવાસ. પત્ની : દાડલદે રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંતકવિ. એમની વાણીમાં મહાપંથની સાધના‚ તેના સિદ્ધાંતો અને સંતોની યાદી મળે છે. અધ્યાત્મબોધ‚ આગમ અને રૂપકાત્મક પદો ભજનોના રચયિતા. રાજસ્થાનમાં ખીંવણજી નામના એક સંત કવિની રચનાઓ ગવાય છે એ ખીંવણજી રાજસ્થાનના જૂની દૂધુ ગામે ભાટીવંશમાં થઈ ગયા. જે વિ.સં.૧રપ૦માં પીર શમસના શિષ્ય બનેલા.

(ર૩)  ખીમસાહેબ / ખેમદાસ / ખીમદાસ (ઇ.સ.૧૭૩૪-૧૮૦૧)

રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ. સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય. માતા ભાણબાઈ જ્ઞાતિએ લોહાણા. જન્મ : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા). ખીમસાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ ‘ખલક દરિયા ખીમ’ કે ‘દરિયાપીર’ તરીકે પણ ઓળખાવે છે. એમના જીવન વિશે અનેક ચમત્કારો આલેખાયા છે. કચ્છના ખારવાઓમાં એમણે ‘રામકબીરપંથ’નો પ્રચાર કરેલો. હરિજન જ્ઞાતિના ત્રિકમ ભગતને દીક્ષા આપીને એમણે ‘રવિ ભાણ સંપ્રદાય’માં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યાં હતા. જેમાંથી ત્રિકમસાહેબ‚ ભીમસાહેબ‚ દાસી જીવણ જેવા સંત રત્નો મળ્યાં. ઇ.સ. ૧૭૭૧ માં રાપર (જિ. કચ્છ)માં ખીમસાહેબે જગ્યા બાંધી‚ એ જ સ્થળે ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી. રચના : ‘ચિંતામણી’ / ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દી રચના) ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી. અને વિવિધ પ્રકારનાં ભજનો. હિન્દી‚ ગુજરાતી અને કચ્છી બોલીમાં. રવિસાહેબ પાસેથી પણ સાધના માર્ગદર્શન મેળવેલું. સાખી ચોપાઈ બંધની પ૮ કડીની જ્ઞાનમાર્ગી હિન્દી ‘ચિંતામણી’ (ર.ઇ.સ.૧૭૭૦)

(ર૪) ગણપતરામ

નિરાંત (ઇ.સ.૧૭૪૭-૧૮પર) સંપ્રદાયના જ્ઞાનમાર્ગી કવિ‚ જન્મ અને વતન : ઝણોર  ભરૂચ જ્ઞાતિએ મેવાડા સુથાર… સમય : ઇ.સ.ની ઓગણીસમીનો પૂર્વાર્ધ‚ ગુરુમહિમા અને જ્ઞાનવૈરાગનાં પદો ભજનોના રચયિતા. બીજા ગણપતરામ પણ ભરૂચ જિલ્લાના સિસોદરા ગામના બ્રાહ્મણ કવિ હતા. જેના હિન્દી ગુજરાતી વેદાન્તી જ્ઞાનમાર્ગી પદો હસ્તપ્રતોમાં મળે છે.

(રપ) ગંગાદાસ – ગંગારામદાસબાપુ

કેશોદ તાલુકાનું ગેલાણા ગામ. મઢી-આશ્રમ. જન્મ : આગ્રાથી ૧ર માઈલ ઠકરઈ ગામે. ઇ.સ. ૧૮૯૦. આઠ વર્ષે ઘર છોડયું. ભરતપુરના રામભુષણદાસજી પાસે દીક્ષા. ૪૧ વર્ષ દેશાટન કર્યું. ઇ.સ.૧૯પ૩માં ગુરુનું અવસાન. ૮૭વર્ષે ૧૯૭૭ ફાગણ વદી પ ગુરુવારે દેહત્યાગ.

(ર૬)  ગંગાબાઈ – ગંગામાતા – ગંગાદાસજી

પરબના સંત‚ કાનદાસજીના અવ.સં.૧૯૬૧ પછી મહંત પદે. સં.ર૦૦ર શ્રાવણ વદી ૪ અવસાન. એ પહેલાં સં.૧૯૯ર આસો સુદ. ૧૦ રવિવારે બાળકદાસજીને મહંત પદે સ્થાપેલાં.

(ર૭) ગંગાસતી (સમાધિ : ઇ.સ. ૧૮૯૪)

સંત કવયિત્રી. સમઢિયાળા (જિ. ભાવનગર ધોળા જંકશન પાસે)ના કહળુભા/કસળસિંહ ગોહિલનાં પત્ની. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ રાજપરા ગામે ક્ષત્રિય જ્ઞાતિમાં ભાઈજીભી સરવૈયા અને માતા રૂપાળીબાને ત્યાં જન્મ. લગ્નના દાયજામાં પઢીયાર શાખના હમીરભાઈ ખવાસની દીકરી પાનબાઈને સમઢીયાળા લઈ ગયેલ (વિ.સં. ૧૯ર૦). સંતાનો : પુત્રી-બાઈરાજબા (જન્મ સં. ૧૯રર)‚ હરિબા – (જન્મ સં. ૧૯ર૪). દેહત્યાગ વિ.સં. ૧૯પ૦‚ ફાગણ સુદ ૮‚ ગુરુવાર તા.૧પ-૩-૧૮૯૪ સમઢીયાળા ગામે. સંભવત : ભોજાભગતના ગુરુ રામેતવનનાં શિષ્યા. તેમના પતિએ પોતાની ભક્તિની કપરી કસોટી આપવાનો સમય આવ્યો ત્યારે થયેલા ચમત્કારને કારણે વ્યકિતપૂજાની બીકથી સમાધિ લેવાનો સંકલ્પ કર્યો એની સાથે ગંગાસતી સમાધિ લેવા તૈયાર થયાં પણ પતિ આજ્ઞાએ પાનબાઈને બાવન દિવસ સુધી રોજ ભજનવાણીની રચનાઓ કરીને મહામાર્ગનો પૂર્ણ ઉપદેશ આપ્યા બાદ સમાધિ લીધી. એમની ભજનવાણીમાં ‘નિજારપંથ’ ‘બીજમાર્ગે’‚ મહાપંથની સાધનાનું આલેખન થયું છે. શીલ‚ સત્સંગ‚ ગુરુઉપાસના‚ વૃત્તિવિરામ. મિતવ્યવહાર અને યોગક્રિયા ઇત્યાદિ પગલાંની બનેલી વિકટવાટનું સદષ્ટાંત દર્શન કરાવતાં તેમનાં ભજનો સૌરાષ્ટ્રની ‘સંતવાણી’ની આગવી મૂડી છે. કહળુભા અને ગંગાસતીની તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલી છે.

(ર૮)  ગંગેવ (કંથડનાથ શિષ્ય)

નાથ સંપ્રદાયના અનુયાયી સંતકવિ. સધુક્કડી ગુજરાતી હિન્દી ભાષામાં ભજનોના રચયિતા.

(ર૯)  ગંગેવ

પરબની જગ્યાના ભજનિક કવિ. મા હુરાંના શિષ્ય. રચના : ભજનો. સમાધિ : ધોરાજીમાં – માં હુરાંની સમાધિ પાસે. પરબની મોટી જગ્યા. કેટલાક ભજનિકો પરબના ગંગાબાઈ ગંગામાતાજીએ જ ગંગેવદાસી નામાચરણથી ભજનો ગાયાંછે એમ માને છે.

(૩૦)  ગેમલ (ઇ.સ.૧૮પ૦માં હયાત)

જ્ઞાનમાર્ગી કવિ. કૂકડ (જિ.ભાવનગર). તેમની સમાધિ કેવદ્રા (જિ.જૂનાગઢ) મુકામે તેમની દીકરીના ગામમાં આવેલી છે. રામનાથ (બીલખા‚ જૂનાગઢ)ના જેરામ ભારતી અને રામેતવન (‘ભારતી’ અને ‘વન’)ની દશનામી પરંપરાના હરિદાસ (ખદડપર)ના ઉપદેશથી જીવનપરિવર્તન‚ તેમના ઉપદેશનાં ભજનો ખૂબ લોકપ્રિય છે.

(૩૧)  ગોરખનાથ (ઇ.સ.૯૦૦ આસપાસ હયાત)

નવનાથમાંના એક‚ મત્સ્યેન  નાથના શિષ્ય‚ જન્મસ્થળ પેશાવર (વર્તમાન પાકિસ્તાન). સમય : ઇ.સ.ની નવમી સદી. યુવાવસ્થામાં ગૃહત્યાગ‚ ભારતભ્રમણ‚ નેપાળ અને સૌરાષ્ટ્ર ગિરનારમાં તપશ્વર્યા. ઉત્તરાવસ્થા અને અવસાન : ગોરખનાથમઢી‚ સોમનાથના દરિયાકિનારે. રચના : સંસ્કૃત‚ અપભ્રંશ અને હિન્દીમાં સાખી‚ આરતી‚ પદ શબદી‚ ગોષ્ઠી વગેરે.

(૩ર)  ગોવિંદ- ગોવિંદગર

આધ્યાત્મિક જ્ઞાન ભક્તિ વિષયક ભજનોના કર્તા. ઇ.સ.૧૯૦૦ ની હસ્તપ્રતમાં રચનાઓ. નરસંડા (તા.આણંદ) ગામના. સં.૧૯૪૧માં ચેતવણી. સાખી‚ જ્ઞાનમાર્ગી ભજનો…

(૩૩)  ગૌરીબાઈ (ઇ.સ.૧૭પ૯-૧૮૦૯)

જ્ઞાનમાર્ગી સંતકવયિત્રી‚ વડનગરા નાગર જ્ઞાતિમાં ડુંગરપુર ગામે જન્મ. છસો ઉપરાંત ગુજરાતી હિન્દી રાજસ્થાની પદો ભજનોના રચયિતા સાધ્વી.

(૩૪)  છોટમ (ઇ.સ.૧૮૧ર-૧૮૮પ)

છોટાલાલ કાળિદાસ ત્રિવેદી-ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં મલાતજ (તા.પેટલાદ‚ જિ.ખેડા) ગામે જન્મ. વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીના મોટાભાઇ. ગુજરાતી તથા વ્રજભાષામાં ચારસોથી વધુ પદો ભજનો કાવ્યોનું સર્જન.

(૩પ) જેઠીરામ (ઇ.સ.૧૮મી સદી ઉત્તરાર્ધ)

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવા સાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી-૧ની પાંચમી પેઢીના સંતાન. જાડેજા રાજપૂત કુટુંબમાં સતાજી જાડેજાને ત્યાં જન્મ. જન્મનામ જેઠુજી દેવાસાહેબનું અવસાન થતાં હમલા (કચ્છ)ની ગાદી પોતે ન સંભાળતાં દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી વહીવટ કરેલો. અનેક ભાવવાહી ભજનો સંતવાણીની રચના. હિન્દીની છાંટવાળી ગુજરાતી ભાષામાં અને કચ્છી હિન્દી ભાષામાં રચાયેલાં આ ભજનો સૌરાષ્ટ્રના ભજનિકોમાં ખૂબ લોકપ્રિય છે. વિ.સં.૧૮૧૭ ઇ.સ. ૧૭૬૧ માં કચ્છ પડેલા દુષ્કાળ વખતે અન્નદાન ને લોકસેવા પણ તેમણે કરેલા.

(૩૬)  જેમલભારથી – સંભવત : જેમલજી (ઇ.સ.૧૮ર૦)

ધ્રાફાના જાડેજા રાજપુત કુટુંબમાં જન્મ. સંતકવિ. મૂળનામ : જાલમસિંહજી જાડેજા. રચના : ભજનો. ગુરુ : જમનાનંદજી બાપુ‚ ફુલઝર નદીને કાંઠે આવેલી ટેકરી પર દતાત્રેયના પગલાં પધરાવ્યાં ત્યાં જગ્યા આશ્રમ મોજુદ છે.

(૩૭)  જેસલ/જેસલપીર (ઇ.સ.૧૩૮૦માં હયાત)

કચ્છના આ સંતકવિનું ચરિત્ર જુદા જુદા પ્રકારે આલેખાયું છે. મહાપંથના બીજમાર્ગી નિજારી સંપ્રદાયના અનુયાયી જેસલનો જન્મ કચ્છના દેદા વંશના જાડેજા રાજપૂત ચાંદોજીને ત્યાં થયો હતો એમ નોંધાયું છે. જેસલનું પૂર્વજીવન રાજય સામે બહારવટે ચડેલા કાળજાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રના સલડી/સરલી/વાંસાવડ ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધિ સમયે અચાનક સાંસતિયાની પત્ની તોરલને જોઇ. કુર અને પાપી જેસલના જીવનનો ઉદ્ધાર કરવાના આશયથી સાંસતિયાને પોતાની ઘોડી તલવાર સાથે તોરલ તોળીરાણી પણ જેસલને સોંપી દીધી. અનેક કસોટીઓની વચ્ચે તોરલે એનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હ્રદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા પછી એણે ભજનવાણીની રચનાઓ કરી છે. જેમાં પોતાના પાપોનું પ્રાયશ્ચિત અને હ્રદયવ્યથાનું નિરૂપણ છે. અંજાર (કચ્છ)માં જીવતાં સમાધિ લઈ લેનાર જેસલ આજે ‘જેસલપીર’ તરીકે પુજાય છે. રાજસ્થાનના ભાટી ઉગમશીના શિષ્ય સંત માલદે રાવ મલ્લીનાથ (ઇ.સ.૧૩ર૮ અથવા ૧૩૩૧માં જન્મેલા અને ઇ.સ.૧૩૯૯માં જેમણે સજોડે જીવંત સમાધિ લીધી એવા મેઘ ધારૂનાં શિષ્યા સંત કવયિત્રી સતી રૂપાંદેના પતિ) સાથેની જેસલની મૈત્રી અને મેળાપના ઉલ્લેખો ધરાવતાં ભજનો મળે છે. જેસલની સમાધિ વખતે માલદેની હાજરી અંજારમાં છે. આ રીતે જેસલ-તોરલ અને રૂપાંદે-માલદે રામદેવપીર (ઇ.સ.૧૩પ૧-૧૪પ૯ વિ.સં.૧૪૦૭-૧પ૧પ)ના પૂરોગામી પાટ ઉપાસક મહાપંથી સાધકો છે. રામદેવપીર રચિત ‘ચૌબીસ પ્રમાણ’ કૃતિમાં જેસલ તોરલ‚ રૂપાંદે-માલદે‚ ભાટી ઉગમશી વગેરે ભક્તોનાં નામો પણ મળે છે.

(૩૮)  ડુંગરપૂરી

(ઇ.સ.૧૭૯૪માં હયાત) મારવાડ રાજસ્થાનના સંત કવિ. ભાવપૂરીના શિષ્ય. જોધપુર પાસેના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે. પૂર્વાશ્રમમાં તેઓ જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હતા તેવું મનાય છે‚ તો વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર માવજી ભગત અને માતા રૂડીબાને ત્યાં જન્મેલા એવી દંતકથા પણ મળે છે. પાલનપુર તાલુકાના અમીરગઢમાં સમાધિ લીધેલી. રચના : હિન્દી‚ ગુજરાતી‚ મારવાડી ભજનો.

(૩૯)  તિલકદાસ (ઇ.સ.૧૮પ૯-૧૯૩ર)

કબીરપંથી રવિભાણ સંપ્રદાયના હરિજન સંત. જન્મ નામ : તેજાભાઇ. માનસદાસ   મહારાજ પાસે પુન : દીક્ષા-ગુરુમંત્ર. ૭પ વર્ષની વયે ઇ.સ.૧૯૩ર માં સમાધિસ્ત થયા. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે. કચ્છના વિરાણી ગામે હરિજન કુટુંબમાં જન્મ નાની ઉમરે ઘર છોડી ભાગ્યા‚ ભાણસંપ્રદાયના સાધુ બાલકદાસજી પાસે દીક્ષા તેજાભાઈને બદલે તિલકદાસ નામ. જન્મ : વિ.સં.૧૯૧પ કારતક સુદ પૂનમ અને સોમવાર તથા દેહત્યાગ વિ.સં.૧૯૮૮ માગશર વદ આઠમ ને શુક્રવાર.

(૪૦) તુલસીદાસ

ગુજરાતમાં તુલસીદાસ નામના ત્રણ કવિઓ નોંધાયા છે. તુલસીદાસ ૧ (ઇ.સ.૧૬૭૬માં હયાત) ધોળકા પાસેના લીલાવતી લીલાપુરના વતની જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ પિતા-મંગલ. ૧૧૪ અધ્યાયની ‘પાંડવાશ્વમેધ’ (ર.ઇ.સ.૧૬૭૬) તુલસીદાસ-ર‚ મધ્યકાલીન આખ્યાન કવિ. કુતિયાણા (જિ.જૂનાગઢ)ના સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં માધવ/માધવજીને ત્યાં જન્મ : રચના : ધ્રુવાખ્યાન‚ ઇ.સ.૧૬ર૮ થી પ૮ વચ્ચે હયાત હોવાનું નોંધાયું છે. આ રચના હાથપ્રતોમાં તેમના પુત્ર વૈકુંઠના નામે પણ મળે છે. તુલસીદાસ-૩‚લીલિયા (જિ. અમરેલી)ના મધ્યકાલીન સર્જક. રચના ‘અશ્વમેઘ’ પર્વ ઇ.સ. ૧૬૬૬. એ ઉપરાંત ‘રામ ચરિત માનસ’ના રચયિતા તુલસીદાસજીનાં કેટલાંક પદો ગુજરાતીકરણ પામીને પણ લોકભજનિકોમાં ગવાય છે.

(૪૧)  તોરલ તોળલ તોળાંદે તોળીરાણી (ઇ.સ.૧૩૮૦માં હયાત)

મહાપંથનાં સંત કવયિત્રી. ગુજરાતી ભાષાનાં આ કવયિત્રી. બીજમાર્ગી નિજારી પાટપૂજામાં ‘સતી’ તરીકેનું સ્થાન ધરાવનારાં‚ સૌરાષ્ટ્રના સરલી/સલડી કે વાંસાવડના સંત રાજવી સાંસતિયા કાઠીનાં પત્ની. જેમણે જેસલ જાડેજાને ‘જેસલ પીર’ બનાવ્યો. સમાધિ : કચ્છ-અંજાર. એમની ઘણી ભજનરચનાઓ અત્યંત લોકદાર પામી છે. ધારી પાસે સરસીયા ગામે તોરલ અને સાસતિયાની જગ્યા છે એમ કહેવાય છે. સાસતિયાની સમાધિ ભૂચરમોરીના સ્થાને. સધીર શેઠ વહાણિયાનું સ્થાન પણ સરસીયા ગામે હોવાનું કહેવાય છે. પરંતુ આ સ્થળો વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણો સાંપડતાં નથી.

(૪ર) તોરલપુરી/તુડાપુરી/તુલાપુરી

ગિરનારી રૂખડિયા સંત કવિ. હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં ગણપતિ સ્તુતિનાં અને અન્ય અધ્યાત્મ વિષયક ભજનો. આ ભજનોમાં પાઠાંતરે તોડાપુરી કે તોરલપરી નામ પણ મળે છે.

(૪૩)  ત્રિકમસાહેબ (ઇ.સ.૧૭ર૬-૧૮૦૧)

રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છમાં રામવાવ ગામે (તા. રાપર) હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મ‚ રામગિર નામના જોગી મહાત્માની પ્રેરણાથી ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના નાદશિષ્ય બન્યા. કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડ ગામે ગાદીની  સ્થાપના કરી. ત્રિકમસાહેબના આગમનથી રવિ ભાણ સંપ્રદાયમાં હરિજનોને સ્થાન મળ્યું અને આગળ જતાં ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા હરિજન સંત-ભક્તો-કવિઓની સમૃદ્ધ પરંપરા મળી. હિન્દી અને ગુજરાતી ભાષામાં રચાયેલી એમની ભજનવાણી ઉપર કબીરસાહેબની અને તેમની વાણીનો વ્યાપક પ્રભાવ પડયો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યકત થઈ છે. શિષ્યો : ભીમસાહેબ (આમરણ) અને નથુરામ (રાધનપુર) સમાધિસ્થાન : રાપર ગામે.     (જન્મ તા.પ.૮.૧૭ર૬ શ્રાવર્ણવદ ૮ સોમવાર વિ.સં.૧૭૮ર‚ સમાધિ વિ.સં.૧૮પ૭ ચૈત્ર સુદ બીજઇ.સ.૧૮૦૧).

(૪૪) દયાનંદ/મુંડિયા સ્વામી (ઇ.સ.૧૮પર-૧૯ર૯)

ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ જ્ઞાતિમાં કાશીરામ અને પાનબાઈને ત્યાં ઇ.સ.૧૮પરમાં વિ.સં. ૧૯૦૮માં ભાદરવા સુદ ૧પ સોમ જન્મ. જામનગરના સાધુ બ્રહ્માનંદ પાસે ઇ.સ. ૧૮૮૬માં દીક્ષા. જૂનાગઢના રેવન્યુ ખાતામાં અથવા પોલીસ ખાતામાં નોકરી કરતા. એકવાર વિના કારણ નિરપરાધીને દંડ કર્યો‚ પાછળથી પશ્ચાતાપ થતાં રાજીનામું આપી સન્યસ્ત ધર્મ સ્વીકાર્યો. ઇ.સ.૧૯ર૯માં જામનગરમાં ગુરુ બ્રહ્માનંદની સમાધિ પાસે સમાધિ લીધી. રચના : ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગી સંતવાણી ભજનો. અખાની પરંપરાની જ્ઞાનમાર્ગી કવિ.

(૪પ) દયારામ (ઇ.સ.૧૭૭૭-૧૮પ૩)

મધ્યકાળના અંતિમ સમયના ગણાતા‚ પ્રેમલક્ષણા ભક્તિધારાના પ્રમુખ ભક્તકવિ. વડોદરા જિલ્લાના ચાણોદના વતની. જન્મ : ચાણોદ અથવા મોસાળના ડભોઈ ગામે. સાઠોદરા નાગર જ્ઞાતિમાં પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોરબાને ત્યાં વિ.સં.૧૮૩૩ ભાદરવા સુદ ૧૧ શનિવારે‚ અવસાન : વિ.સં.૧૯૦૯ મહા વદ પ સોમવાર. ઈષ્ટદેવ હાટકેશ્વર‚ કુલધર્મ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ.

(૪૬) દલુ વાણિયો

‘રામદેવપીરનો હેલો’ જેવી મારવાડી-ગુજરાતી ભાષાઓમાં ગવાતી અત્યંત લોકપ્રિય રચનાના રચયિતા ભક્તકવિ. સંભવત : રાજસ્થાન-મારવાડના વતની. ભાટી હરજી (ઇ.સ.૧૭૦૧-૧૭૮૧)ના સમકાલીન હોવાનો સંભવ છે.

(૪૭) દાસી જીવણ/જીવણસાહેબ/જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ)

રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર’ તરીકે ઓળખાય છે. નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ‚ જ્ઞાન‚ યોગ‚ વૈરાગ્ય‚ ચેતવણી‚ બોધ ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસી જીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનાં પ્યાલો‚ કટારી‚ બંસરી‚ બંગલો‚ મોરલો‚ હાટડી‚ ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ-દીવાળીને દિવસે (ઇ.સ.૧૮રપ) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા સાંગાણી)‚ અરજણ (ભાદરા).

(૪૮) દેવળદે (ઇ.સ.૧૪૬૦ આસપાસ હયાત)

મહાપંથના અનુયાયી સંત કવયિત્રી. દેવાયત પંડિતનાં પત્ની. દેવાયત પંડિતના અવસાન સમયે રચાયેલું ગણાતું એક ભજન ‘હંસારાજા રહી જાઓ આજુ કેરી રાત…’ દેવળદેની રચના તરીકે‚ લોકભજનિકોમાં અત્યંત લોકપ્રિય ભજનવાણી તરીકે જાણીતું છે. જીવ જ્યારે કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતું આ ભજન ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતું કરુણ પ્રશસ્તિ કાવ્ય છે. જન્મસ્થળ : બોખીરા (પોરબંદર). સમાધિસ્થળ : કોળિયાક (જિ.ભાવનગર). બોખીરા (પોરબંદર) નંદેશ્વરની જગ્યા જે દેવતણખીની જગ્યા તરીકે ઓળખાય છે.

(૪૯) દેવાયત પંડિત (ઇ.સ.૧૪૬૦ આસપાસ હયાત)

ગુજરાતી ભાષામાં ‘આગમ’ પ્રકારની ભજનવાણી રચનાર પ્રસિદ્ધ મહાપંથના સંત-કવિ. પત્ની : દેવળદે. ગુરુ : શોભાજી/સુબાજી કે શંભુજી (ઇ.સ.૧૪૩૦માં જેમની નિમણુંક ઉપદેશક તરીકે થયેલી એવા પીર સદરૂદ્દીન જેમણે શંભુજી કે સહદેવ જોશીના નામે‚ માલદે રચિત ભજનોમાં માત્ર નામાચરણો પોતાનાં મૂકીને ભજન રચનાઓ આપી છે.). દેવાયત  વિશે અનેક ચમત્કારમય દંતકથાઓ સાંપડે છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા  બીલેસર ના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાય છે. માર્ગીપંથના ખોજા કવિ કેશવની રચનાઓ પણ દેવાયતના નામે રચાયેલી હોવાનું નોંધાયું છે. અને દેવાયત  કૃત માર્ગીપંથના ભજનો તથા ‘મેદી પુરાણ’ જેવો ગ્રંથ એમણે રચ્યો હોવાની નોંધ ખોજા જ્ઞાતિના પુસ્તકોમાંથી મળી આવે છે. ‘મેંદીપુરાણ’‚ ‘દેલમી આરાધ’ વગેરે દેવાયત રચિત ઘણી કૃતિઓ ખોજા લોકોમાં પ્રચલિત છે. અમદાવાદ જિલ્લાના મોડાસર (તા.સાણંદ) ગામે વિ.સં.૧૮૬પનો પાળિયો દેવાયત પંડિતના પાળિયા તરીકે પ્રસિદ્ધ છે‚ તો ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નકળંકનો મેળો ભરાય છે. ત્યાં માલણ નદીને કાંઠે દેવાયત દેવલદે તથા સાલો અને સૂરોની સમાધિઓ હોવાનું સંભળાયું છે. ગુજરાતી ભજનસાહિત્યમાં એમનાં ‘આગમ’ પ્રકારનાં ભજનો અદ્વિતીય છે. પોતાની પત્ની દેવલદેને ઉદેશીને એમણે આ આગમોની રચના કરી છે. તેમના શિષ્ય મંડળમાં દેવતણખી લુહાર‚ લીરલબાઈ‚ રબારી ભક્ત હાલો‚ આહિર ભક્તસુરો અને કુંભાર ભક્તઢાંગો તથા વણવીરનો સમાવેશ થાય છે. રામદેવપીર કૃત ‘નિરંજનપ્રમાણ’ માં દેવાયત પંડિતનો ઉલ્લેખ મળે છે. જ્યારે  શ્રી નરોત્તમ પલાણના મત મુજબ  સમય : ઇ.સ.૧૬૧રમાં હયાત. અકબર પ્રણિત ‘દીન-એ-ઈલાહી’ (સ્થાપના : ઇ.સ.૧પ૮૧)માં જે મુખ્ય સહાયકો હતા‚ તેમાં શાહજી-શોભાજી નામના એક ખોજા ધર્મગુરુ હતા‚ જેમણે ૧૬૧રમાં કચ્છ સૌરાષ્ટ્રમાં ધર્મપ્રચારર્થ યાત્રા કર્યાના ઉલ્લેખો મળે છે. આ સમયે દેવાયત પંડિત સાથે એમની મુલાકાત થઈ છે.

(પ૦) દેવારામ (અવસાન ઇ.સ.૧૯૪૩)

રવિભાણ પરંપરાના સંતકવિ. રાપર (કચ્છ)ના જાનકીદાસજી રાવલ (સૌરાષ્ટ્ર)માં આવી જગ્યા બાંધે છે‚ તેની પરંપરાના રામગુરુના શિષ્ય. જન્મસ્થાન અને વતન : રાવલ (જિ.જામનગર) સમાધિ સ્થાન દેગામ (પોરબંદર). તેમના ગુરુ રામગુરુ પોરબંદર પાસેના રામવાવ આશ્રમના મહિલા સંત હતા‚ તેમની તથા દેવારામની સમાધિ હાલ પોરબંદર પાસે દેગામમાં આવેલી છે. દેગામના પાદરમાં દેવારામનો વિશાળ આશ્રમ પણ છે. રચના છૂટક ભજનો તેમ ગુરુમહિમાની સ્તુતિ. હસ્તપ્રત પ્રાપ્ત છે.

(પ૧) દેવીદાસ (ઇ.સ.૧૭રપ-૧૮૦૦)

પરબવાવડી (તા.ભેસાણ‚ જિ.જુનાગઢ)ની પ્રસિદ્ધ જગ્યાના સ્થાપક સંત કવિ. મુંજિયાસર ગામે રબારી જ્ઞાતિના જીવાભગત/પુંજાભગત અને માતા : સાજણબાઈને ત્યાં  એકાશીયા કાળ પછી જન્મ વિ.સં.૧૭૮૧ થી ૧૭૮પ લગ્ન સંસાર અને બે પુત્રોના જન્મ પછી સંસાર ત્યાગ. એમના ગુરુ તરીકે લોહલંગરી જીવણદાસજીના આદેશથી પરબની જગ્યા બાંધી હોવાના ઉલ્લેખો મળે છે. એ સિવાય ગુરુ તરીકે જેરામભારથી કે જયરામગિરિનાં નામો પણ નોંધાયા છે. એમના ઉપર નૂરશાહની અમીનજર હતી. જીવનભર રકતપિક્રિયાઓની સેવા. શિષ્યો : શાદુળભગત ખુમાણ અને આહિર કન્યા : અમરબાઇ.

(પર) ધનાભગત (અવસાન ઇ.સ.૧૭૭પ)

ધોળા જંકશન (તા.ઉમરાળા‚ જિ.ભાવનગર) ગામના કાકડિયા અટકના કણબી જ્ઞાતિના સંત કવિ. પિતાનું નામ કેશવ. સાધુ સંતોને અનાજ ખવરાવી ખેતરમાં વેળુ વાવી‚ પ્રભુકૃપાએ અનાજ મળ્યું એવી દંતકથા ધનાભગત વિશે નોંધાઈ છે. રચના : ભજન ‘રામબાણ વાગ્યાં રે હોય તે જાણે…’. પુત્ર દિયાળ બાપાએ ઇ.સ.૧૮૪પ વિ.સં.૧૯૦૧માં રામજીમંદિર ને ધનાભગતની ચરણપાદુકા પધરાવી. દિયાળભગત પછી તેની દીકરીનો પરિવાર કાળાભગતના ગોપાળ‚ જાદવ અને જાદવના પરશોત્તમ.

(પ૩) ધીરોભગત (અવસાન ઇ.સ.૧૮રપ)

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિ. ગોઠડા (સાવલી પાસે‚ જિ.વડોદરા) ગામે બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિમાં જન્મ. પોતાનાં જ્ઞાન-વૈરાગ્યનાં પદો વાંસની ભુંગળીમાં વહેતાં મૂકી દેનારા સંત. આયુષ્ય ૭ર વર્ષનું. શિષ્યો-બાપુસાહેબ ગાયકવાડ વગેરે…

(પ૪) નથુરામ

હરિજન બ્રાહ્મણ‚ ત્રિકમસાહેબના ભાણેજ તથા શિષ્ય. ભીમ સાહેબના ગુરુભાઈ‚ આશ્રમ રાધનપુર જિ.મહેસાણા માં ઇ.સ.૧૭૭પ આસપાસ હયાત. સમાધિ કારતક વદ ૮ ગુરુવાર તા.૧૮-૧૧-૧૮પર બાલકસાહેબના ગુરુ. રવિ ભાણ સંપ્રદાય.

(પપ) નરભેરામ (અવસાન ઇ.સ.૧૮પર)

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. જન્મ : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં પીજ તા. પેટલાદ ગામે. પાછળથી જીવનના અંત સુધી અમદાવાદ રહ્યા હતા.

(પ૬) નરસિંહ મહેતા (ઇ.સ.૧૪૦૮-૧૪૮૦) (ઇ.સ.૧૪૧૪-૧૪૭૪)

ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભક્ત-કવિ. તળાજામાં વડનગરા નાગર જ્ઞાતિના કૃષ્ણદાસ મહેતાને ત્યાં જન્મ. માતા : દયાકુંવર‚ પત્ની : માણેકબાઇ. સંતાનો : શામળદાસ‚ કુંવરબાઇ. ગૃહત્યાગ પછી ગોપનાથની કૃપાથી રાસલીલાનું દર્શન. અનેકવાર ભક્તિની આકરી કસોટી તાવણીમાંથી પાર ઊતર્યા. પુત્ર વિવાહ‚ પિતાનું શ્રાદ્ધ‚ પુત્રીનું મામેરું‚ હુંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરી સહાય મળતી રહી. જીવનની અંતિમ અવસ્થા એણે માંગરોળમાં ગાળી હોવાની સંભાવના થઈ છે. જીવનકાળ દરમ્યાન નિવાસ જૂનાગઢમાં. રચના : ‘સુદામા ચરિત્ર’‚ ‘દાણલીલા’‚ ‘ચાતુરીઓ’‚ ‘વિવાહ’‚ ‘મામેરૂં’‚ ‘હૂંડી’‚ ‘હારમાળા’‚ ‘ઝારીનાં પદ’ અને ભક્તિ શૃંગારનાં તથા જ્ઞાનનાં પદો જેમાં ‘રાસ સહસ પદી’ અને ‘શૃંગારમાળા’‚ વગેરે રચનાઓ.

(પ૭) નાનકસાહેબ (ઇ.સ.૧૭૯૪-૧૯૦૧)

રવિ ભાણ સંપ્રદાયના ગંગસાહેબના શિષ્ય. ભજનિક કવિ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દીગસર ગામે ગરો જ્ઞાતિમાં જન્મ. વિ.સં. ૧૮પ૦ માગશર સુદ ૭‚ સોમવાર. પિતા : કૃષ્ણદાસ‚ માતા અમૃતબાઇ.  પત્ની : ગૌરી‚ પુત્ર : ખીમદાસ. ૩૦૦ જેટલાં ભજનોની રચના.૧૦૭ વર્ષનું આયુષ્ય ભોગવીને અવસાન વિ.સં. ૧૯પ૭‚ આસો સુદ  ૧૧.

(પ૮) નારાયણદાસજી (ઇ.સ.૧૮ર૬-૧૯૦૧) વિ.સં.૧૮૮ર અષાડ સુદ-૧૧.

ભજનિક સંત કવિ. વિ.સં.૧૮૮ર શેત્રુંજી કાંઠે ભડકલા ગામે જન્મ. બાલ્યાવસ્થામાં માતા પિતાનું અવસાન થતાં કાકાએ ઉછેર્યા. વીસ વર્ષની વયે કનેસરા (તા.જસદણ‚ જિ. રાજકોટ) રહેવા ગયા. ત્યાં રામજી મંદિરની સ્થાપના કરી. પુત્ર : ધર્મદાસ‚ રચના : ભજનો ગ્રંથ : ‘નારાયણ ભજન સાગર’. ગુરુ : લાલદાસજી. કેટલાક ભજન સંગ્રહોમાં નારાયણદાસજીનાં ભજનો સાથે ‘મોતીદાસ’ અને ‘ઉગમ’ એવા ગુરુનામો પણ મળે છે.

(પ૯) નિરાંત (ઇ.સ.૧૭૪૭-૧૮પર)

જ્ઞાનમાર્ગી સંત કવિ. દેથાણ (તા.કરજણ‚ જિ.ભરૂચ)માં ગોહિલ રાજપુત જ્ઞાતિમાં જન્મ. પિતા ઉમેદસિંહ‚ માતા હેતાબા. પ્રથમ દીક્ષા કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસે. ત્યારબાદ સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામી‚ અમનસાહેબ વગેરેસંતો સૂફીઓ પાસેથી નિર્ગુણ ઉપાસનાધારામાં આગળ વધેલા. એમના નામ સાથે જોડાયેલો ‘નિરાંત સંપ્રદાય’ ખૂબ જ વિસ્તર્યો છે.

(૬૦)  નિષ્કુલાનંદ સ્વામી (ઇ.સ.૧૭૬૬-૧૮૪૮)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ. ગુર્જર સુતાર જ્ઞાતિમાં શેખપાટ ગામે જન્મ. પિતા : રામજીભાઈ‚ માતા : અમૃતબા. પૂવાશ્રમનું નામ : લાલજી. પોતાની અનિચ્છા છતાં આઘોઈ ગામના કંકુબાઈ સાથે કુટુંબના આગ્રહથી લગ્ન કર્યા. સંતાન : માધવજી‚ કાનજી‚ ઇ.સ.૧૮૦૪માં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા. અવ. ધોલેરામાં ઇ.સ.૧૮૪૮. રચના : ર૩ જેટલી નાની મોટી કૃતિઓ અને ૩૦૦ જેટલાં પદો.

(૬૧)  નૂર સતાગર (ઇ.સ.૧૪પર-૧પ૧૩)

નિઝારી ઈસ્માઈલી સંત. વિશેષ માહિતી : ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ) બીજા  સૂફી સંત સાંઈ નૂરશા  બિલખા નવાગામ પાસે જગ્યા.

(૬ર)  પદમપરી

ભજનિક ભક્ત કવિ.

(૬૩)  પાલણશી

ભજનિક ભક્ત કવિ.

(૬૪) પુરુષોત્તમ

અર્વાચીન સમયના ભક્ત કવિ. પોરબંદરમાં વાંજા-દરજી જ્ઞાતિમાં જન્મ. એમના ‘પુરૂષોત્તમવાણી’ ગ્રંથમાં અપાયેલી ભજન રચનાઓ લોકભજનિકોમાં ખૂબ જ ગવાય છે.

(૬પ) પૂનાદે

બરડા પ્રદેશના ચારણ કવયિત્રી. એમની એક પ્રભાતી ભજન રચના ‘ભણતી સાં કાનજી કાળા રે… માવા મીઠી મોરલી વાળા…’ (પ્રભાતીયું) અત્યંત લોકપ્રિય થઈ છે.

(૬૬)  પીઠો (ઇ.સ.૧૮૪૦-૧૮૮૯)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ. બાલકસાહેબના શિષ્ય. વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં‚ વિ.સં. ૧૮૯૬ માં ડેડરવા વંથલી (જિ.જૂનાગઢ) ગામે જન્મ. એ સમયના બહારવટિયા જમિયતશાની સાથે રહીને બાર વર્ષ સુધી બહારવટું ખેડેલું‚ એ પછી બાલક સાહેબનો ભેટો થતાં દીક્ષા લીધી એમ કહેવાય છે. વિવાહ : ખજુરા ખાટલી ગામે. પાંચ દીકરા હતા તેમાંથી ચારની વંશ પરંપરા ચાલુ છે. રચના : ભજનો. જેમાં : યોગસાધના. ગુરુ મહિમા‚ બોધ-ઉપદેશ અને ભક્તિનું આલેખન. અવસાન વિ.સં.૧૯૪પ વંથલી.

(૬૭) પ્રાચીન –

લોકકંઠે સચવાતી આવેલી અને જેના સર્જકો કોઈ અનામી કવિઓ હશે. જેમાં ધ્રુવ અને પ્રહલાદ‚ રાજા ધરમ‚ ગોપીચંદ ભરથરી‚ સહદેવ જોષી‚ મારકુંડ ઋષિ વગેરે નામાચરણો ધરાવતા ભજનોનાં રચયિતાઓ ને પ્રાચીનમાં મુકી શકાય.

(૬૮)  પ્રાણનાથસ્વામી (ઇ.સ.૧૬૧૮-૧૬૯પ)

પ્રણામી નિજાનંદ સંપ્રદાયના આ સ્થાપક દેવચંદ્રજીના શિષ્ય. જ્ઞાની વિદ્વાન કવિ.   મનગરમાં લોહાણા જ્ઞાતિના કેશવજી ઠક્કર અને માતા ધનબાઈને ત્યાં જન્મ. દીક્ષા. ૧૬૩૧. જન્મનામ : મહેરાજ. દીક્ષાનામ : પ્રાણનાથ. કેટલીક રચનાઓ ‘ઈન્દ્રાવતી’ને નામે. હિન્દી‚ ઉર્દૂ‚ સિંધી અને ગુજરાતી ભાષામાં મોટી સંખ્યામાં પદો કીર્તનો ઉપરાંત ‘બારમાસી’‚ ‘ષડઋતુ’ અને ‘તારતમ સાગર/શ્રીજી મુખવાણી’ ગ્રંથ. બુંદેલ ખંડના પન્ના ગામે જીવતાં સમાધિ.

(૬૯)  પ્રીતમ-પ્રીતમદાસ (ઇ.સ.૧૭૧૮-૧૭૯૮)

જ્ઞાનમાર્ગી ભક્ત કવિ. સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર) ગામે બારોટ જ્ઞાતિમાં પિતા પ્રતાપસિંહ અને માતા જેકુંવરબાઈને ત્યાં જન્મ. નાની ઉંમરે ગૃહત્યાગ કરી ચૂડાના રઘુનાથ  ના મંદિરમાં રામાનંદી સંપ્રદાયના સંત ભાઈદાસજી પાસે સાધુ દીક્ષા લીધી. ઇ.સ.૧૭૬૧થી ચરોતરના સંદેસર ગામે નિવાસ કર્યો. અને સંપૂર્ણ જીવન ત્યાં જ ગાળ્યું. તેઓ સૂરદાસ અંધ હતા એમ મનાય છે. હિન્દી-ગુજરાતી ભાષામાં પાંચસોથી વધુ પદો અને કેટલાક દીર્ઘ ગ્રંથોનું એમણે સર્જન કર્યું છે.

(૭૦) પ્રેમસખી પ્રેમાનંદ (ઇ.સ.૧૭૮૪-૧૮પપ)

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુકવિ. ગાંધર્વ-ગવૈયા જ્ઞાતિમાં જન્મ. સહજાનંદ સ્વામીના શિષ્ય. ગુરુએ એમને સંગીત વિદ્યા શીખવા બુરહાનપુર સુધી મોકલ્યા હતા. દીક્ષાનામ નિજબોધાનંદ હતું. હિન્દી ગુજરાતી ભાષામાં આશરે ચાર હજારથી વધુ પદોની રચના. જીવનનો બહોળો સમય ગઢડા ગામે ગાળેલો.

(૭૧)  પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર-૧૮૬૩)

રવિ ભાણ સંપ્રદાયના સંત કવિ. દાસી જીવણના શિષ્ય. કોટડાસાંગાણી  જિ. રાજકોટ  ગામે કડિયા જ્ઞાતિમાં વિ.સં.૧૮૪૮ પોષ વદી ર પિતા : પદમાજી અને માતા : સુંદરબાઈને ત્યાં જન્મ. પત્ની : મલુબાઈ‚ પુત્ર : વિશ્રામસાહેબ. બુંદશિષ્ય પરંપરા : વિશ્રામસાહેબ-માધવસાહેબ-પુરુષોત્તમદાસજી-પ્રેમવંશ ગુરુચરણદાસજી.

(૭ર) બાપુસાહેબ ગાયકવાડ (ઇ.સ.૧૭૭૭/૭૯-૧૮૯૯)

જ્ઞાનમાર્ગી સંતકવિ. મરાઠા રાજપુત જ્ઞાતિમાં વડોદરામાં જન્મ. ગોઠડાના ધીરાભક્તનો સંસર્ગ થતાં અધ્યાત્મસાધનાના માર્ગે‚ પછી નિરાંતનો સંપર્ક અને કાવ્યો ભજનોનું સર્જન. હિન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી સંત. અવસાન : વિ.સં.૧૮૯૯‚આસો સુદ ૧૧‚બુધવાર.

(૭૩)  બ્રહ્માનંદ સ્વામી (ઇ.સ.૧૭૭ર-૧૮૩ર)

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુકવિ. ચારણ ગઢવી જ્ઞાતિમાં રાજસ્થાનના શિરોહી રાજ્યના ખાંણ ગામે જન્મ. ભૂજની વ્રજભાષા કાવ્ય પાઠશાળામાં અભ્યાસ કર્યો. ઇ.સ.૧૮૦પ માં સહજાનંદ સ્વામીના શિષ્ય થયા. જન્મ નામ લાડુદાનજી. દીક્ષાનામ રંગદાસજી હતું. હિન્દી ગુજરાતી ભાષામાં આશરે ચાર હજાર પદોની રચના. જીવનનો અંતિમ સમય મૂળી ગામે ગાળેલો.

(૭૪) ભવાનીદાસ (ઇ.સ.૧૭૭પ આસપાસ)

ભજનિક સંત-કવિ. જોધાભક્તના શિષ્ય ગુરુમહિમા‚ બોધ ઉપદેશ અને ભક્તિ વૈરાગ્યનાં ભજનોના રચયિતા. જન્મ : વણકર જ્ઞાતિમાં પિતા નારણ ચૌહાણ અને માતા લખમીબાઈને ત્યાં ઘોળકા ગામે. ગુરુમહિમા અને જ્ઞાનવૈરાગ્યની ભજનરચનાઓ.

(૭પ) ભાખર

રામગરી તથા પ્રભાતી પ્રકારનાં ભજનોના રચયિતા ભક્ત કવિ. કચ્છી સંત ભાકરશાહની રચનાઓ કદાચ ગુજરાતીકરણ પામી હોવાનો સંભવ છે. જીવન વિષયક કશીજ વિગતો પ્રાપ્ય નથી.

(૭૬) ભાણદાસ (ઇ.સ.૧૬પ૦માં હયાત)

જ્ઞાનમાર્ગી  ભક્ત અને આખ્યાન કવિ. ગુરુ : કૃષ્ણપુરી.

(૭૭) ભાણસાહેબ (ઇ.સ.૧૬૯૮-૧૭પપ)

રવિ ભાણ સંપ્રદાયના આ પુરુષ. રામ કબીર પંથી સંત કવિ. કનખિલોડ (ચરોતર પ્રદેશ) ગામે લોહાણા જ્ઞાતિમાં પિતા : કલ્યાણદાસજી ઠક્કર અને માતા : અંબાબાઈને ત્યાં જન્મ. ષષ્ટમદાસજીના શિષ્ય. રવિસાહેબના ગુરુ‚ ખીમસાહેબના પિતા. કમીજડા (તા. : વિરમગામ) ગામે જીવતાં સમાધિ. કબીરસાહેબની જ્ઞાનમાર્ગી સંતવાણી પરંપરાનાં ગુરુમહિમા‚ અધ્યાત્મબોધ‚ ઉપદેશ‚ વૈરાગ્ય અને યોગસાધના વિષયક ભજનોના રચયિતા.

(૭૮) ભાલણ (ઇ.સ.૧૪૩૪-૧પ૧૪ આશરે)

આખ્યાનકવિ‚ પદકવિ અને સંસ્કૃતમાંથી ‘કાદંબરી’નો ગુજરાતીમાં અનુવાદ કરનારા વિદ્વાન ભક્ત કવિ. કૃષ્ણભક્તિ અને રામભક્તિનાં તથા વાત્સલ્ય રસનાં શ્રેષ્ઠ પદોના રચયિતા.

(૭૯) ભીમસાહેબ (ઇ.સ.૧૭૧૮-૧૮૮૧)

રવિ-ભાણ સંપ્રદાયના સંત કવિ. ત્રિકમસાહેબના શિષ્ય. દાસી જીવણના ગુરુ. આમરણ (જિ.જામનગર) ગામે મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિમાં જન્મ. મોરબી પાસેના કુતાસી ગામે મોંઘીબાઈ નામે કન્યા સાથે વિવાહ. જન્મ વિ.સં. ૧૭૭૪ ચૈત્ર સુદ ૯‚ બુધવાર. આમરણમાં સમાધિ : વિ.સં. ૧૮૮૧ ચૈત્ર વદિ ૧૩‚ તા.૧૭-૦૩-૧૮રપ બુધવાર રચના : યોગમાર્ગી ભજનવાણી. શિષ્ય : ૧.અક્કલદાસ‚ ર.દાસી જીવણ.

(૮૦)  ભોજલરામ (ઇ.સ.૧૭૮પ-૧૮પ૦)

જ્ઞાની ઉપદેશક સંતકવિ. ગિરનારી સાધુ રામેતવનના શિષ્ય. દેવકીગાલોળ (તા.જેતપુર‚ જિ. રાજકોટ) ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં જન્મ. પિતા : કરસનદાસ‚ માતા : ગંગાબાઈ‚ અવટંકે : સાવલિયા. પોતાના બે ભાઈઓ કરમણ અને જસા સાથે અમરેલી પાસેના ચક્કરગઢ ગામે ખેતી કરવા ગયા‚ અને ફતેહપુર ગામ વસાવ્યું. અમરેલીના ગાયકવાડી સૂબા વિઠ્ઠલરાવને ઉપદેશ આપવા ‘ચાબખા’ પ્રકારનાં ભજનોની રચના કરેલી. શિષ્યો : ૧. જલારામ (વીરપુર)‚ ર. વાલમરામ (ગારિયાધાર)‚ ૩. જીવણરામ (ફતેપુર). શિષ્ય જલારામને ત્યાં વીરપુર ગામે સમાધિ લીધી. રચના : ‘ચેલૈયા આખ્યાન’‚ વાર તિથિ‚ મહિના સરવડાં‚ ‘ભક્તમાળ’ કાફી‚ હોરી‚ કક્કો બાવનાક્ષરી અને ચાબખા. સમાધિ ફતેપુર (અમરેલી)

(૮૧)  ભૈરવપરી

દશનામી સાધુ પરંપરામાં નાથ સંપ્રદાયની સાધના પ્રણાલી સાથે જોડાયેલા સંતકવિ.

(૮ર)  મછંદરનાથ (ઇ.સ.૮૦૦માં હયાત)

નાથ સંપ્રદાયના અતિ મહત્વના યોગી સિદ્ધપુરુષ. આદિનાથના શિષ્ય. ગોરખનાથના ગુરુ. જાલંધરનાથના ગુરુભાઇ.

(૮૩)  મામદશાનો બાલકો

અજ્ઞાત ભજનિક ભક્ત કવિ.

(૮૪) મામંદ (જન્મ : ઇ.સ.૧૮૮૧ અવ.-)

મુસ્લિમ સંત કવિ. સંધી જ્ઞાતિમાં નાના લિલિયા ગામે મનુભા જાડેજાને ત્યા વિ.સં. ૧૯૩૭ ચૈત્ર સુદ ૮ સોમવારે જન્મ. પૂર્વાવસ્થામાં શિકારી‚ નાના લીલિયા (જિ. અમરેલી)ના  સૂફી સંત ઓલિયા અશરફમિયા બાપુમિયાં (જન્મ : વિ.સં.૧૯૧૭)ના ઉપદેશથી ભક્તિ ઉપાસના કરી. ‘મામંદ મુક્તમણિ’નામે ભજનસંગ્રહ પ્રકાશિત કર્યો છે. જેમાં ચારસો જેટલી ભજન‚ ધોળ‚ પદ‚ રસ‚ કાફી‚ પ્રભાતિયાં પ્રકારની રચનાઓ છે.

(૮પ) મીઠો-ઢાઢી (ઇ.સ.૧૭૯૪-૧૮૭ર)

લીંબડી ગામના મુસ્લિમ સંત કવિ. વતન : લીંબડી‚ મુસ્લિમ ઢાઢી જ્ઞાતિમાં પિતા : સાહેબાને ત્યાં જન્મ. રચના : અધ્યાત્મ વૈરાગ્ય બોધની અને શ્રીકૃષ્ણ વિષયક બંસરી રચનાઓ તથા પદ‚ ગરબી‚ રાસ વગેરે જુદાં જુદાં સ્વરૂપો ધરાવતાં ભજનો કીર્તનો. રવિસાહેબનો સમકાલીન ! (રવિસાહેબ ઇ.સ.૧૭ર૭-૧૮૦૪)‚ રવિસાહેબ ૬૭ વર્ષના થયા ત્યારે મીઠાનો જન્મ. રવિનું આયુષ્ય‚ ૭૭ વર્ષનું . રવિના અવસાન પછી મીઠો ૬૮ વર્ષ જીવ્યો. રવિ સાહેબનું અવસાન થયું ત્યારે મીઠાની ઉંમર ૧૦ વર્ષની હોય તો મીઠો રવિસાહેબને ‘બંસરી વાગી રે‚ આ બનમાં…’ ભજન ગાઈને યાત્રાએ જતાં પાછા વાળે એ ઘટનાનો તાળો મળતો નથી. કદાચ મીઠાના નોંધાયેલા અને સ્વીકારાયેલા સમયમાં કશી ભૂલ હોવા સંભવ છે.

(૮૬)  મીરાંબાઈ (ઇ.સ.૧૪૯૮-૧પ૬પ આશરે)

પ્રેમલક્ષણા ભક્તિ પરંપરાનાં સંત કવયિત્રી. મેડતા (રાજસ્થાન)નાં રાજકુંવરી. મેવાડના રાણા ભોજરાજ સાથે વિવાહ. ઇ.સ.૧પર૧માં વૈધવ્ય પ્રાપ્ત થયા બાદસાધુ સંતોની સેવામાં જીવન વિતાવ્યું. વૃંદાવનમાં અને દ્વારકામાં નિવાસ. ગુજરાતી‚ રાજસ્થાની‚ હિન્દી અને વ્રજભાષામાં અનેક પદોની રચના.

(૮૭) મુક્તાનંદ સ્વામી (ઇ.સ.૧૭પ૮-૧૮૩૦)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ. અમરેલીમાં સરવરીઆ બ્રાહ્મણ આનંદરામ અને વીતરાગી રતનબાઈની પુત્રી રાધાબાઈના કૂખે જન્મ વિ.સં.૧૮૧૪. પૂર્વાશ્રમનું નામ : મુકુન્દદાસ. મૂળદાસજીના શિષ્ય શીલદાસ પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરેલી. માતપિતાના આગ્રહથી લગ્ન કર્યા પણ વૈરાગ્યભાવ પ્રબળ હોવાથી ગૃહત્યાગ. ધ્રાંગધ્રાના દ્વારકાદાસજી‚ વાંકાનેરના કલ્યાણદાસજી અને સરધારના તુલસીદાસજી નામના સાધુઓ પાસે રહેલા. સરધારમાં મહંતપદે હતા ત્યાં રામાનંદસ્વામીનો મેળાપ થયો અને ઇ.સ. ૧૭૮૬માં દીક્ષા લીધી. પાછળથી સહજાનંદ સ્વામીની અન્નય નિષ્ઠાથી સેવા કરી. અવસાન : ગઢડા સ્વામિ મંદિરમાં‚ રચના : ‘ઉદ્ધવગીતા’‚ ‘સતીગીતા’‚ ‘રુકિમણી વિવાહ’‚ ‘મુકુન્દ બાવની’‚ ‘અવધૂત ગીત’‚ ‘ગુરુ ચોવીશી’‚ ‘ગુણ વિભાગ’ અને ૯૦૦૦ જેટલાં પદો. વિ.સં.૧૮૮૬ અષાડ વદી ૧૧ ના રોજ સ્વધામગમન.

(૮૮)  મૂળદાસ (ઇ.સ.૧૬પપ-૧૭૭૯)

ભજનિક સંત કવિ. આમોદરા (જિ.જૂનાગઢ) ગામે સોરઠિયા લુહાર જ્ઞાતિમાં કૃષ્ણ   ગંગાબાઈને ત્યાં જન્મ.વિ. સં.૧૭૩૧ કારતક સુદ ૧૧ સોમવાર. જીવણદાસ લોહલંગરી (ગોંડલ)ના શિષ્ય. જગ્યા : અમરેલી ગામે. શિષ્યો : શીલદાસ‚ હાથીરામ અને જદુરામ. જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીના રચયિતા. એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા’ અને કેટલાંક પદો તથા ‘બારમાસી’‚ ‘હરિનામલીલા’ ‘ગુરુગીતા’ ‘સાસુવહુનો સંવાદ’ સમસ્યાઓ‚ મર્કટીનું આખ્યાન‚ ‘ભગવદ્દગીતાનો અનુવાદ’ ‘ભાગવત બીજો સ્કંધ’ વગેરે રચનાઓ. જેમાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી ‘ચૂંદડી’‚ રૂપકગર્ભ પદો અત્યંત લોકપ્રિય થયાં છે. જીવતાં સમાધિ : સં. ૧૮૩પ‚ ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે. પત્ની વેલુબાઈ અવસાન સં.૧૭૭ર ઇ.સ.૧૭૧૬ વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપી  દ્વારકાની યાત્રાએ નીકળ્યા.

(૮૯)  મેકરણ ડાડા (ઇ.સ. ૧૬૬૯-૧૭૩૦)

કચ્છ પ્રદેશના સુપ્રસિદ્ધ સંત કવિ. કાપડી પંથના સાધુ. જન્મ : વિ.સં.૧૭રપ. કચ્છના નાની ખોંભડી ગામે. ભટ્ટી રજપૂત હરધોળજીને ત્યાં પબાબાઈની કૂખે. મોટાભાઈ : પતોજી. ગુરુ : ગાંગોજી કાપડી. સૌરાષ્ટ્રના શરભંગઋષિના આશ્રમ (પરબ)નો ધૂણો ચેતાવ્યો. ધ્રંગ- લોડાઈ (કચ્છ) ગામે આશાપુરાનું સ્થાનક કર્યું . લીરબાઈ નામે આહિર કન્યાને દીક્ષા. ગરવા હરિજન સહિત ૧૧ ભક્તો સાથે સં. ૧૭૮૬‚ આસો વદ ૧૪ શનિવારના દિવસે જીવતાં સમાધિ લીધી. રચના : કચ્છી બોલીમાં ભજનવાણી‚ સાખીઓ.

(૯૦) મોરારસાહેબ (ઇ.સ.૧૭પ૮-૧૮૪૯)

રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. રવિ સાહેબના શિષ્ય. થરાદ (બનાસકાંઠા)માં વાઘેલા રાજપૂત જ્ઞાતિમાં જન્મ. જન્મનામ : માનસિંહજી. વૈરાગ્યભાવ જાગૃત થતાં ગૃહત્યાગ કરી રવિસાહેબ પાસે દીક્ષા. ઇ.સ. ૧૭૮૬  વિ.સં.૧૮૪રમાં ખંભાલીડા (જિ. જામનગર) ગામે ગુરુગાદીની સ્થાપના. ત્યાં જ જીવતાં સમાધિ લીધેલી. શિષ્ય : હોથી. રચનાઓ : ‘બારમાસી’‚ ‘ચિંતમાણી’‚ જ્ઞાનવૈરાગ્ય પ્રેરક કુંડળિયા અને શ્રીકૃષ્ણ‚ શિવ‚ રામ વગેરે દેવતાઓની સ્તુતિ કરતાં પદો ઉપરાંત યોગ‚ બોધ ઉપદેશ‚ વૈરાગ્ય અને વિરહભાવ વર્ણવતાં પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો. એમાં ‘પરજ’ પ્રકારનાં ભજનો શ્રેષ્ઠ કોટિનાં છે. અન્ય શિષ્યો : ચરણ સાહેબ‚ દલુરામ‚ દુલ ભરામ‚ કરમણ‚ જીવાભગત ખત્રી‚ ધરમશી ભગત.

(૯૧)  રતનદાસ (ઇ.સ.૧૮૦૪માં હયાત)

રવિ-ભાણ સંપ્રદાયના સંત-કવિ. ભાણસાહેબના શિષ્ય. વાંકાનેર (જિ. રાજકોટ) ગામે રાજપૂત જ્ઞાતિમાં જન્મ. વાંકાનેરમાં ‘રવિસાહેબની જગ્યા’ તરીકે ઓળખાંતુ સ્થાન રતનદાસની જગ્યા હોવા સંભવ છે. હિન્દી ગુજરાતી ભાષામાં પદો ભજનોના રચયિતા. રવિસાહેબ પોતાના શિષ્ય મોરારસાહેબને ત્યાં આપેલા વચન મુજબ સમાધિ લેવા માટે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં બીમારીને કારણે વાંકાનેરમાં રતનદાસની જગ્યામાં તેમનું અવસાન થયું ત્યારબાદ તેમના દેહને ખંભાલીડા લઈ જવામાં આવેલો એવા ઉલ્લેખ મળે છે. રચના : ચેલૈયાનું ચરિત્ર / સગાળશા આખ્યાન કેલૈયાનો શલોકો ઉપરાંત ગુરુમહિમા‚ આત્મજ્ઞાન‚ આત્મબોધ અને ઉપદેશનાં ભજનો.

(૯ર)  રતનબાઈ (અવ. ઇ.સ.૧૯ર૦)

કચ્છ પ્રદેશના સંત કવયિત્રી. અબડાસા તાલુકાના ભડલી ગામે ખોજા જ્ઞાતિમાં. જન્મ. સૂફી સંત ભાકરશાહ (નાડાપા ગામના સૈયદ-પીર) પાસે ગુરુ દીક્ષા લીધેલી. ગૃહસ્થ જીવનમાં એક પુત્ર થયો અને યુવાવસ્થામાં જ એનું અવસાન થતાં તીવ્ર વૈરાગ્ય. અવસાન : વિ.સં. ૧૯૭૬માં‚ પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો‚ કચ્છી ગુજરાતી ભાષામાં વૈરાગ્યનાં પદોની રચનાઓ મળે છે. તેરા (કચ્છ-અબડાસા)માં તેમની જગ્યા આવેલી છે. જગ્યામાં રતનબાઈની તથા તેમની પૌત્રી સોનલબાઈની કબરો છે.

(૯૩)  રણછોડ (જન્મ ઇ.સ.૧૮૦૪)

કેટલીક અત્યંત લોકપ્રિય ભજન રચનાઓ સરખા જ નામ ધરાવતા બે કવિઓને નામે ચડી જતી હોય છે. ‘દિલમાં દીવો કરો..’ એ રચના બે જુદા જુદા  કવિ ભક્ત રણછોડના નામે નોંધાઈ છે. જેમાં એક છે ખેડા જિલ્લાના ખડાલ ગામના ખડાયતા વૈષ્ણવ કવિ. પિતા : નરસિંહદાસ મહેતા. તોરણા ગામમાં વસવાટ કરેલો. દર પૂનમે ડાકોર દર્શને જતા. એમના નામે હસ્તપ્રતોમાંથી ઇ.સ.૧૭૧૭ થી ઇ.સ.૧૭૩પમાં સજાયેલી કૃતિઓ મળે છે.  જ્યારે બીજા કવિ રણછોડ ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના આગલોડ ગામેઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં પિતા અનુપમરામ જોશી અને માતા કુંવરબાઈને ત્યાં ઇ.સ. ૧૮૦૪ માં જન્મેલા. શિક્ષક હતા‚ ગુરુ રામચંદદાસ મહારાજ પાસે દીક્ષા લઈ ઇ.સ.૧૮રરમાં સંસારત્યાગ કરેલો. ભજન મંડળી સ્થાપી ગામેગામ ફરતા.

(૯૪) રવિસાહેબ (ઇ.સ.૧૭ર૭-૧૮૦૪)

રવિભાણ સંપ્રદાયના સ્થાપક સંત કવિ. કબીરપંથી ભાણસાહેબના શિષ્ય. જન્મ : વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં મંછારામ ઇચ્છાબાઈને ત્યાં તણછા (તા.આમોદ‚ જિ.ભરૂચ) ગામે  વિ.સં.૧૭૮૩ મહાસુદ ૧પ ગુરુવાર તા.૦૬-૧ર-૧૭ર૭. ઇ.સ. ૧૮પ૩માં ભાણસાહેબ પાસે દીક્ષા લીધી. શિષ્યો : મોરાર‚ ગંગ‚ લાલ‚ દયાળ વગેરે ૧૯ જેટલા તેજસ્વી શિષ્યો‚ અવસાન ઇ.સ. ૧૮૦૪માં રતનદાસની જગ્યા વાંકાનેર ખાતે‚ સમાધિઃ મોરારસાહેબના ખંભાલીડા (જિ.જામનગર) ગામે. રામકબીર સંપ્રદાયની સાધના અને સિદ્ધાંતો પ્રમાણે યોગસાધના અને તત્વજ્ઞાન વર્ણવતાં ભજનો તથા વૈરાગ્યજ્ઞાન‚ બોધ ઉપદેશ‚ ગુરુમહિમા અને ભક્તિશૃંગાર વર્ણવતા ગુજરાતી‚ હિન્દી અને હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં અનેક ભજનોની રચના તેમણે કરી છે. આધ્યાત્મિક અનુભૂતિના મર્મપુર્ણ આલેખનમાં અને પ્રેમની મસ્તીમાં આ સંતકવિનાં અપાર શક્તિ-સામર્થ્ય પ્રગટ થયાં છે. તો ‘ભાણગીતા’‚ ‘મનઃસંયમ’‚ ‘બારમાસી’‚ ‘બોધ ચિંતામણિ’‚ ‘રામગુંજાર ચિંતામણિ’‚ ‘ખીમ કવિ પ્રશ્નોતરી’‚ ‘સિદ્ધાંત-કક્કો’‚ ‘ગુરુમહિમા’‚ ઉપરાંત આરતી‚ કટારી‚ પદ‚ રેખતા‚ હોરી છપ્પા અને સાખી જેવા પ્રકારોમાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન એમણે કર્યું  છે.

(૯પ) રાજે (ઇ.સ.૧૬પ૦-૧૭ર૦)

પ્રેમ લક્ષણા ભક્તિ પરંપરાના જ્ઞાની કવિ. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે મોલેસલામ મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ. કૃષ્ણ ચરિત્રનાં વિવિધ રાગ ઢાળમાં  અદ્દભુત પદો એમણે રચ્યાં છે.

(૯૬)  રાઠો ભગત

ભજનિક સંતકવિ. જેમના વિશે કશી જ માહિતિ ઉપલબ્ધ નથી.

(૯૭) રામદે પીર (ઇ.સ.૧૩પ૧-૧૪પ૯)

રાજસ્થાનના પ્રમુખ લોકદેવતા‚ બાળનાથના શિષ્ય‚ મહાપંથના પ્રવર્તક… રાજસ્થાન પોકરણ પાસે રામદેવરામાં સમાધિ. ‘ચૌબીસ પ્રમાણ’ મુખ્ય રચના. ‘પ્રમાણ’ના અમુક ભાગ સ્વતંત્ર પદ‚ ભજન‚ આખ્યાન રૂપે રૂપાંતરિત થયા છે.

(૯૮)  રાવત રણશી (ઇ.સ.૧૪પ૦ આસપાસ)

મહાપંથના સંત ભક્ત. ભજનિક કવિ ઢેલડીનગર મોરબીના રાજવી. ખીમરા કોટવાળ  દાડલદેના શિષ્ય.

(૯૯) રૂખડિયો

આજ્ઞત ગિરનારી ભજનિક સંતકવિ.

(૧૦૦) રૂપાંદે (ઇ.સ.૧૩૮૦માં હયાત)

રાજસ્થાનના ભાટી ઉગમશીના શિષ્ય સંત માલદે-રાવ મલ્લીનાથ (ઇ.સ.૧૩ર૮ અથવા ૧૩૩૧માં જન્મ)નાં પત્ની મેઘ ધારૂનાં શિષ્યા સંત કવયિત્રી સતી રૂપાંદે.  ઇ.સ.૧૩૯૯માં જેમણે  સજોડે જીવંત સમાધિ લીધી હતી. એમની સાથેની જેસલ-તોરલની મૈત્રી અને મેળાપના ઉલ્લેખો ધરાવતાં ભજનો મળે છે.

(૧૦૧) લખમો માળી (ઇ.સ.૧૭૩૯-૧૮૧૩)

ભજનિક સંત કવિ. રાજસ્થાન પ્રદેશના મહાપંથના અનુયાયી. જન્મ નાગોર પરગણાના ચેનાર (બડકી બસ્તી) ગામે. સંત ખિંયારામ ખીંવણજી ભાટીના શિષ્ય. રાજસ્થાનમાં ‘લિખમા માલી’ની ભજન રચનાઓ ખૂબ જ પ્રસિદ્ધ હોવાનું નોંધાયું છે. એમની મારવાડી રચનાઓનું ગુજરાતીકરણ થયું છે. સમાધિ ઇ.સ.૧૮૪૧ વિ.સં.૧૮૬૯માં નાગોર મારવાડ ના અમરપુરા ગામે.

(૧૦ર) લખીરામ (ઇ.સ.૧૮૦૦માં હયાત)

રવિભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ.ગુરુ : મોરારશિષ્ય કરમણભગત. ઇંગોરાળા (જિ.ભાવનગર) ગામે મેઘવાળના સાધુ જ્ઞાતિમાં જન્મ. અટક : સાગઠિયા ગુરુ : કરમણભગત મેઘવાળ વાવડી ગામના. લખીરામની સમાધિ લુવારા ગામે.

(૧૦૩) લીરલબાઈ-૧ (મજેવડી ઇ.સ.૧૬૦૦)

મહાપંથી સંત કવયિત્રી મજેવડી (જિ. જૂનાગઢ) ગામે લુહાર જ્ઞાતિના વીરાજી આંબાજી પીઠવા નામના ભક્ત દેવતણખીને ત્યાં જન્મ. દેવાયત પંડિતનાં શિષ્યા : રચના : યૌગિક પરિભાષામાં ગણપતિ મહિમા તથા મહાપંથી યોગ-વૈરાગ્ય-ઉપદેશપ્રધાન ભજનવાણી. લીળલબાઈ-ર (ઇ.સ.૧પપ૦ આસપાસ) મહાપંથી સંત કવયિત્રી ભજનોમાંથી મળતા ઉલ્લેખો મુજબ ઇંદોરગઢના રાજવી કુંભારાણાનાં પત્ની. ઉગમશી ભાટીના શિષ્યા. કેટલાક ભજનિકો તેમને મીરાંના ભત્રીજી અને બુંદી કોટાના રાજા જેમલ રાઠોડની દીકરી તરીકે તથા વાસુકી લોબડિયાનાં શિષ્યા તરીકે પણ ઓળખાવે છે. રચના : ‘લીળલબાઈના સપના’ તરીકે ઓળખાતી આગમવાણી ભજનો. જેમાં ‘રાઠોડુંના કુળમાં લીળલબાઈ બોલ્યા…’ એવો ઉલ્લેખ મળે છે.

(૧૦૪) લીરબાઈ-૩ (અવ. ઇ.સ.૧૮૭૬)

મહાપંથના સંત કવયિત્રી. પરબના સંત દેવીદાસશિષ્ય જીવણદાસજીનાં શિષ્યા‚ અથવા જીવણદાસજી મારફત દેવીદાસજીનાં શિષ્યા. મોઢવાડા (તા.પોરબંદર) ગામે મેર જ્ઞાતિમાં લુણા મોઢવડિયાને ત્યાં જન્મ. માતા : લાખીબાઇ. નજીકના જ કેશવ ગામે કેશવાળા મેર વજસી સાથે પરણાવેલાં. ક્રૂર અને શિકારી સ્વભાવના પતિએ ત્રાસ આપતાં મોઢવાડા ગામે રહેતા. પરબના સંત જીવણદાસજી અને તેમનાં પત્ની સોનબાઈમાને આગ્રહ કરીને મોઢવાડા ગામે રોકી રાખી જગ્યા બાંધી આપેલી તેમના સત્સંગે દેવીદાસજીનો પરિચય થયો અને મહાપંથી દીક્ષા સ્વીકારી. ત્રણ સંતાન : પુંજો‚ પોતો અને પુતીબાઈ જગ્યાઓ : કેશવ‚ મોઢવાડા‚ ગોસા‚ કંડોરણા. કોઠડી અને સીસલી ગામોએ ઇ.સ. ૧૮૭૬‚ વિ.સં. ૧૯૩ર મહા સુદ ર ને દિવસે કંડોરણા ગામે લીરબાઈ માતાએ જીવતાં સમાધિ લીધી. એ પછી એ ઇ.સ. ૧૮૭૮માં તેમના પુત્ર પુંજો ભગતે પણ માતાની સમાતના પગથિયા નીચે સમાધિ લીધી. લીરબાઈ માતાના પંથ તરીકે ઓળખાતા તેમના અનુયાયીઓના સંપ્રદાયમાં ઝીણાં સફેદ મોતીની માળા પહેરવામાં આવે છે‚ નાત-જાતના ભેદભાવ વિના મહાધર્મ-નિજીયા પંથનાં સાધના સિદ્ધાંતોને અનુસરતા ભક્તજનો દર અષાઢી બીજનો મહોત્સવ ઉજવે છે રચના : મહાપંથી ઉપદેશપ ધાન ભજનવાણી.

(૧૦પ) લોયણ (ઇ.સ.૧૭પ૦ આસપાસ)

મહાપંથના સંત-કવયિત્રી. શેલર્ષિ-શેલણશી-શીલદાસ-સાંઈ શેલાણીનાં શિષ્યા. લુહાર જ્ઞાતિમાં વીરાભગતને ત્યાં કીડી (તા. બાબરા‚ જિ. અમરેલી) ગામે જન્મ. આટકોટનો રાજવી લાખો સ્વાભાવે લંપટ અને વિલાસી હતો‚ તે લોયણના સ્વરૂપ પાછળ અંધ બનેલો. લોયણને સ્પર્શ કરવા જતાં તે કોઢિયો થયો અને લોયણના ગુરુ શેલર્ષિની કૃપાથી પશ્ચાત્તાપના અગ્નિમાં બળતા લાખાને સારું થયું. એ વખતે લોયણે ૮૪ જેટલાં ભજનો લાખાને અને તેની રાણીને ઉદેશીને ગાયેલા. ઊંચી કોટિનું તત્વજ્ઞાન અને મહાપંથના સાધના સિદ્ધાંતો વર્ણવતાં આ ભજનોમાં ઉત્તરોત્તર રીતે ક્રમશઃ સાધનાનું માર્ગદર્શન અપાયું છે. એક પછી એક ક્રમમાં નિજિયા પંથની ઓળખ‚ ગુરુ‚ અને ગુરુગમ‚ શિષ્યના લાયાકાત મનની શુધ્ધિ‚ યોગની બાર ક્રિયાઓ રહેણી અને કરણી‚ સહજ સાધના‚ બ્રહ્માંડનું અને બ્રહ્મનું રહસ્ય‚ વૃત્તિ‚ રસ‚ સત્સંગ‚ દેહ‚ માયા‚ જ્ઞાન અને ભક્તિ દ્વારા પરમતત્વની પ્રાપ્તિ… એમ વિવિધ વિષય પર જાગરણ ઉપદેશ‚ તત્વ‚ સાધના‚ પરિચય અને પ્રેમ પ્રાપ્તિ. એ રીતે ગૂઢ રહસ્યવાણી આલેખાઈ છે. પ્રત્યક્ષ કથન શૈલીમાં‚ સીધા સાદા સરળ શબ્દોમાં અપાયેલું ગહન ચિંતન આ ભજનોને ઉચ્ચ ભૂમિકાએ પહોંચાડે છે.

(૧૦૬) વિશ્રામસાહેબ (ઇ.સ.૧૮ર૬-૧૮૭૭)

રવિભાણ સંપ્રદાયના અનુયાયી. દાસી જીવણ શિષ્ય. પ્રેમસાહેબના બુંદ શિષ્ય. પિતા : પ્રેમસાહેબ (કડિયા) માતા : મલુબાઇ. જન્મ. વિ.સં. ૧૮૮ર. પત્ની : આદિબાઇ. અવસાન : વિ.સં. ૧૯૩૩ માગશર સુદી બીજ ને શુક્રવારે‚ બુંદ શિષ્ય : માધવરામ. જગ્યા : ગોંડલ તાલુકાના કોટડા સાંગાણી ગામે. રચના : સંતવાણી.

(૧૦૭) શાદુળપીર (ઇ.સ.૧૭પ૦-૧૮ર૦)

પરબના સંત દેવીદાસજીના શિષ્ય સંત. ભજનિક કવિ. ખુમાણ શાખાની કાઠી જ્ઞાતિમાં જન્મ. આપા દાના (ઇ.સ.૧૭ર૮-૧૮રર)ના સમકાલીન. પિતા : આલા ખુમાણ‚ ભેસાંણના. શિષ્યો : ચરણદાસજી‚ ગરીબદાસજી‚ જીવણદાસજી‚ માંડણભગત‚ રૂડા ભગત‚ કરમણ ભગત‚ ઉકરડો‚ વજસી‚ રામવાળા‚ માંગલબાઈ‚ ખીમણબાઈ વગેરે.

(૧૦૮) શીલદાસ (ઇ.સ.૧૬૮૦-૧૭૭૦)

મહાપંથી સંતવાણીના સર્જક. મૂળદાસજી (અમરેલી)ના શિષ્ય. ઇ.સ.૧૭૬૧માં મૂળદાસજીએ અમરેલીના પોતાના આશ્રમનો વહીવટ સોંપી દ્વારકાની યાત્રા કરેલી. અમરેલીના સુબાએ મૂળદાસજીને હેરાન કરેલા ત્યારે આશ્રમ સદાવ્રતને મળતી સહાય બંધ થઈ એટલે મૂળદાસજીએ શીલદાસ સહિત તમામ શિષ્યોને વાવડી ગામે મોકલ્યા હતા‚ ત્યાં ઝૂંપડી બાંધી રહેતા. પાછળથી અમરેલી જગ્યામાં સમાધિ. રચના : ભજનવાણી.

(૧૦૯) સદરદીન પીર (ઇ.સ.૧૪૩૦માં હયાત)

પીર સદરદીને રાવ માલદેનાં ભજનોમાં છેલ્લે થોડો ફેરફાર કરી પોતાના નામથી ‘ગીનાન’ તરીકે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ નુર સતાગરના અનુયાયી હતા એવું જાણવા મળે છે. ઇ.સ.૧૪૩૦માં તેની નિમણૂંક ઘેલમી ઉપદેશક તરીકે થયેલી. મહાપંથના પ્રચાર પ્રસાર સામે પોતાની રીતે એમણે ધર્મયુદ્ધ આરંભેલું અને નિજાર માર્ગી તમામ ક્રિયાઓ-સાધનાઓ- માન્યતાઓને સ્વીકારીને હિન્દુ જનસમાજને મુસ્લિમ સંસ્કૃતિ તરફ વાળવાનો પ્રયાસ કરેલો. પીર શમસુદ્દેનના પુત્ર. એમણે ‘સહદેવ’ તથા ‘હરિશ્વંદ્ર’ નામથી ભજનોની રચના કરેલી. પીર સદરૂદીન પછીની પરંપરામાં હસન કબીરૂદીન‚ તેમના ભાઈ તાજદીન (જેણે પ્રહલાદ નામે રચનાઓ આપી છે. એનું અવસાન ઇ.સ.૧૪પર પૂર્વે થયું) અને હસન કબીરૂ-દીનના સૌથી નાના પુત્ર ઈમામુદીન અબ્દુર રહીમ અથવા ઈમામશાહ (જ.ઇ.સ.૧૪પર અવ.ઇ.સ.૧પ૧૩) જે મહમદ બેગડાના સમયમાં (ઇ.સ.૧૪પ૮-૧પ૧૧) ગુજરાતમાં આવેલા. તેમણે આ પરંપરા (નુર સતાગરના ઉપદેશ પ્રમાણેની) ચાલુ રાખેલી‚ તથા સત્પંથ નામે સંપ્રદાય વિકસાવ્યો. ઈમામશાહે અમદાવાદથી આઠેક કિલોમીટર દૂર આવેલા ગિરમથા ગામે સ્થાયી વસવાટ કર્યો. જે ગામ આજે ‘પીરાણા’ તરીકે પ્રસિદ્ધ થયું છે.

(૧૧૦) સવા ભગત (અવ. ઇ.સ.૧૯૬૧)

ભક્ત કવિ. સ્વામી ફૂલગરજીના શિષ્ય. સુરેન્દ્રનગરના જિલ્લાના પીંપળી ગામે પ્રજાપતિ કુંભાર જ્ઞાતિમાં કરસનભગત અને માતા કાશીબાને ત્યાં જન્મ. પત્ની : જમનાબાઈ‚ ઇ.સ. ૧૯૧૩માં સદાવ્રત શરૂ કર્યું. ઇ.સ. ૧૯૧૬માં રામદેવપીરનું ભવ્ય મંદિર બંધાવ્યું. વિરમગામ તાલુકાના માંડલ ગામના ભક્ત નારી ઝબુબાએ એમનું શિષ્યત્વ સ્વીકારેલું‚ એમનાં પણ ભજનો મળે છે. પુત્રો : નાનજી અને હરજીવનદાસ. સવાભગતનું અવસાન : ઇ.સ. ૧૯૬૧ વૈશાખ વદી અગિયારસ. જગ્યાના ગાદીપતિ હરજીવનદાસના પુત્ર : બળદેવદાસજી.

(૧૧૧) સાંઈ વલી

ગુજરાતમાં પ્રસરેલી દીન દરવેશ શાખાના મુસ્લિમ કવિ. સંભવત : ઇ.સ.૧૮પ૦માં હયાત. કચ્છના સૂફીકવિ ભાકરશાહ સાથેની તેની ચમત્કાર કથાઓ પ્રચલિત છે.

(૧૧ર) સુખરામ (ઇ.સ.૧૮૭૦-૧૯૪૧)

ભજનિક સૂફી સંતકવિ. ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે  મુસલમાન સંધી જ્ઞાતિમાં વિક્રમ સંવત ૧૯ર૬ ઇ.સ.૧૮૭૦માં સુખરામબાપુનો જનમ થયો. માત પિતાનું અવસાન થતાં ગારિયાધાર તાલુકાના ભંડારિયા ગામે  રહેતા એમના મામાને ઘેર થોડો સમય રહ્યા ને પછી ભમોદરા ગામના કાઠી આપા ગોલણબાપુને ત્યાં ગાયો ચરાવવા રહ્યા. અમરેલીના વાંઝા જ્ઞાતિના ભજનિક ઓધાભગતે ગિરનારી ઓલિયા સિદ્ધ પુરૂષ બુદ્ધગરબાપુનો ભેટો કરાવ્યો. બુધગરબાપુની કૃપા દષ્ટિ થઈ ને સુખરામબાપુના અંતરમાં અજવાળું થઈ ગ્યું. ગુરુ આજ્ઞાથી પાછા ભમોદ્રા રહ્યા અને જગ્યા બાંધી લોકસેવા કરતા રહ્યા. વિ.સં.૧૯૯૭ ઇ.સ.૧૯૪૧ના અષાડ વદી ૪ ને શનિવારે સુખરામબાપુએ આ જગતમાંથી વિદાય લીધી. ને ભમોદરાની ગાદીએ તેમના મુખ્ય શિષ્ય ઉકારામબાપુ બિરાજ્યા.

(૧૧૩) સામત બારોટ

ભજનિક ભક્ત કવિ.

(૧૧૪) હમીરો

(૧) હરિજન ભક્ત કવિ. ધણફુલિયા (જિ. જૂનાગઢ) ગામે ભંગી જ્ઞાતિમાં જન્મ. (ર) જામનગરના ભક્ત હમીર કુંભાર શૈલાણીના શિષ્ય. પરબવાવડીના સંત દેવીદાસના અનુયાયી ‘સેલાનીને ચરણે બોલ્યા હમીરો મુંને લાગી લગનિયાની લે‚ પરબુંના પીરને કોઈ સમજાવી કે જો…’ ભજનના રચયિતા.

(૧૧પ) હરજી ભાટી (૧૭૦૧-૧૭૮૧)

રાજસ્થાની ભક્ત કવિ. રામદેવપીના સંપ્રદાયના અનુયાયી. જોધપુરના ઓસિયાં સ્ટેશન પાસે આવેલ ‘પંડિત રી ઢાણી’ ગામે એમનું સમાધિસ્થાન છે. રામદેવપીરની સમાધિ બાદ ર૮૩ વરસે વિ.સં.૧૭૯૮-ઇ.સ.૧૭૪રમાં સાધુવેશે હરજીભાટીને રામદેવપીર મળેલા એવું હરજી ભાટીની રચનાઓમાં આલેખન જોવા મળે છે.

(૧૧૬) હીરદાસ/હરદાસ/હરિદાસ (ઇ.સ.૧૭૭૪માં હયાત)

મધ્યકાલીન ભક્ત કવિ. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં કુતિયાણામાં જન્મ. રચના : વેદાન્ત અને ભક્તિનાં પદો તથા રામાયણ મહાભારતના ચંદ્રાવળા.

(૧૧૭) હોથી (અવ.ઇ.સ.૧૮૪૯)

રવિ ભાણ સંપ્રદાયના સંત-કવિ. મોરારસાહેબના શિષ્ય. મોરબી પાસેના નેકનામ ગામે સુમરા કોમમાં મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ. પિતા : સિકંદર. અવસાન બાલંભા અને ખંભાલીડા (જિ.જામનગર-ધ્રોલ પાસે) વચ્ચે અફીણ ખાઈને. મોરારસાહેબે તે જગ્યાએ સમાધિ બનાવેલી.  બાલંભાપાસે દરગાહ‚ પીર તરીકે પણ પૂજાય છે. રચના : ભજનવાણી.

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
Responses are currently closed, but you can trackback from your own site.

13 Responses to“Introduction of Gujarati Saint Poet”

 1. શ્રી નિરંજનજી, સીતારામ. ભજન અને સાહિત્ય ક્ષેત્રે તમારૂ અધ્યયન અને મહેનત જરાય ઓછી નથી. તમારા આ કર્યને બિરદાવવા માટે અમારી પાસે એવા કોઈ શબ્દો નથી કે તમારા આ કાર્યની તુલનાએ આવી શકે.. આપની ઉંમર વધતી હોવા છતાં તમારી જે ધગશ અને ખંતથી આગળ સંશોધન કરવાની પધ્ધતિ અમને નવુ કાંઈક કરવા માટે પ્રેરે છે. બીજુ એક એ પણ પુછવાનું હતું કે, જેઓએ ભજન રચ્યા છે, તેનો જ સમાવેશ અહીં તમારી યાદીમાં કરેલ છે કે બધાં ? તમારી પાસે દાણીધારની જગ્યા વિષે અને નાથજીદાદાની જીવતા સમાધી (સં ૧૬૭૯ જેઠ વદ ૪) વિશે કાંઈ માહીતિ હોય તો મારે કામ હતુ. આ સંત વિષેની વેબસાઈટ બનાવી રહ્યો છુ. એટલે થોડી મદદની જરૂર હતી… મારા જેવાની કાંઈ જરૂર પડે તો જરૂરથી જણાવજો…

 2. નીલી says:

  અતિ સુંદર આપે ગુજરાતના તમામ સંતોને આ એક પાના પર એકઠા કરી સંતોની વાણી અને સંતોનો સંગ કરાવી દીધો છે.

 3. c z patel says:

  કવિ દયારામ ના ભજન

  પ્રભુ તને પ્રસન્નતે કેમ થાયે , તારા દિલનું કપટના જાયે….આ ભજન આપની પાસે હોયતો જરુરથી મોકલજો આભાર…

 4. keshav maru says:

  shri niranjanji tamari mehnat ni same sabdo malava muskel che ape ek pana per santo no samagam karvyo je badal khub khub aabhar

 5. suraj vinzuda says:

  khub saras

 6. NAGARBHAI PRAJAPATI says:

  VERY VERY NICE

 7. mohan parmar says:

  shri shri niranjan saheb ji jo tamne malvanu thay to hu tamara charan sparsh karva mangish je mahitee durlabh ganay te pan aape ketly sahaj taathi publick karichhe parantu tame aasantoma ek sant nu naam bhuli
  gayachho

  sree niranjan saaheb
  mohan parmar ahmedabad 9327713226

 8. hiren says:

  adbhut
  Jay ho Guruji

  Hiren Raval

 9. rakesh patel says:

  give some information about ruda-pire?

 10. Your style is really unique in comparison to other folks I have read stuff from. Thank you for posting when you have the opportunity, Guess I’ll just bookmark this blog.

 11. I was extremely pleased to uncover this page. I need to to thank you for ones time for this wonderful read!! I definitely liked every part of it and i also have you book marked to see new stuff on your website.

 12. Arvind says:

  આદરણીય નિરંજનભાઈ,
  નમસ્કાર!!!!
  ખુબ સરસ લખાણ ગુજરાતના સંતો વિશે.

  મારી નમ્ર વિનંતી કે પૂ. સવાભગત ઝાંઝરકા- ધંધુકા વિશે પણ માહિતી આપશો તેમજ કેસરડી- ધોળકા જોધલબાપાની જગ્યાની વિગતો આપવા નમ્ર અરજ.
  અરવિંદ

 13. Vipul says:

  Please share more about Sati liralbai. Some confusion regarding Kumbharana’s bhajan. As in her bhajan called “Kumbha sarikha harijan amne hete malo” she mentioned “bhalo bhalo re mewadgadh no raja rano kumbho, Ottar disha thi ek charan aavyo”

  In above bhajan charan asked him to gift her wife to him(charan). Want to know what is name of that charan? Looks like it is same occasion of Jalaram.

  Please share your thoughts.