Archive

Archive for the ‘પરજ’ Category

લાવો લાવો કાગળિયો ને દોત… (મોરાર સાહેબ)

લાવો લાવો કાગળિયો ને દોત…મોરાર સાહેબ – અમરનાથ નાથજી

લાવો લાવો કાગળિયો ને દોત‚ લખીએ હરિને રે ;

એવો શિયો રે અમારલો દોષ ‚ નો આવ્યા ફરીને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

વ્હાલા ! દૂધ ને સાકરડી પાઈ‚ ઉછેર્યાં અમને રે ;

હવે વખડાં ઘોળો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી હરજી ! હીરને હીંચોળે રાજ‚ હીંચોળ્યાં અમને રે‚

હવે તરછોડો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી હરજી ! પ્રેમના પછેડા રાજ ! ઓઢાડેલ અમને રે‚

હવે ખેંચી લિયો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી વ્હાલીડા ! ઊંડેરા કૂવામાં આજ‚ ઉતાર્યાં અમને રે‚

હવે વરત વાઢો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦

ગુણલા ગાય છે રવિ ગુરુ ભાણ‚ ત્રીકમ બેડી તારો રે‚

એવી પકડો મોરારની બાંય‚ ભવસાગર ઉતારો રે…

લાવો લાવો કાગળિયો ને દોત…૦