દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… (દેવાયત પંડિત)

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… દેવાયત પંડિત – આગમ – હેમંત ચૌહાણ

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚

આપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚

ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚

કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚

રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚

લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

જતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚

કાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚

અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚

કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત પીર…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply