Archive

Posts Tagged ‘દેવાયત પંડિત’

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… (દેવાયત પંડિત)

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… દેવાયત પંડિત – આગમ – હેમંત ચૌહાણ

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚

આપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚

ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚

કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚

રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚

લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

જતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚

કાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚

અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚

કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત પીર…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… (દેવાયત પંડિત)

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… દેવાયત પંડિત – કરસન સાગઠીયા

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚

એક મન કરો ને આરાધ જીવે રામ…

પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚ જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚

નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚ સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚

સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚ સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚ કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚

હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚ હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚ છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚

વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚ હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚

પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚

દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚ ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

ગુરુ ! તારો પાર ન પાયો… (દેવાયત પંડિત)

ગુરુ ! તારો પાર ન પાયો… દેવાયત પંડિત – મોહન આજા મકવાણા

ગુરુ ! તારો પાર ન પાયો

ધણી ! તારો પાર ન પાયો

પૃથવીના માલિક ! તારો જી – હો – જી.

હાં રે હાં ! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી – હો – જી.

એ જી ! સમરું શારદા માતા

એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.

હાં રે હાં ! જમીં આસમાન બાવે મૂળ વિના માંડયાં જી – હો – જી.

એ જી‚ થંભ વિણ આભ ઠેરાયો

એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.

હાં રે હાં ! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી – હો – જી.

એ જી ! માખણ વિરલે પાયો

એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.

હાં રે હાં ! સુન રે શિખર પર અલખ અખેડા જી – હો – જી.

એ જી ! વરસે નૂર સવાયો

એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.

ગગન મંડળમાં બે બાળક ખેલે જી – હો – જી.

એ જી બાળકનો રૂપ સવાયો

એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.

શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી – હો – જી.

એ જી સાધુડાંનો બેડલો સવાયો

એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.