Archive

Posts Tagged ‘દાવાભાઇ પાનવાળા’

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… (મૂળદાસ)

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… મુળદાસ – દાવાભાઇ પાનવાળા

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… મુળદાસ – જગમાલ બારોટ

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…

બાયું ! મારા કલેજામાં મારી રે‚ બેની ! મારા રૂદિયામાં મારી રે‚

મારી છે કટારી ચોધારી‚ મેરમની કટારી‚ મારા કલેજે કટારી…

ભેદુ વિનાની વાતું કોણે રે જાણી ? મેરમની ચોધારી‚ મારે કાળજે કટારી…

(સાખી) મારી કટારી મૂળદાસ ક્યે જુગતે કરી ને જોઈ‚

કળા બતાવી કાયા તણી‚ કાળજ કાપ્યાં કોઈ

(હદય કમળમાં રમી રહી‚ કાળજાં ફાટયાં સોઈ‚)

કાળજ કાપી કરૂણા કીધી‚ મુજ પર કીધી મહેર‚

જોખો મટાડયો જમ તણો‚ મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) પહેલી કટારી એ પરીક્ષા કીધી બીજીએ સાંધ્યાં બાણ

ત્રીજી રમી ત્રણ ભુવનમાં‚ ચોથીએ વીંધાણા પ્રાણ

પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી‚ દેખાડયો દશમો દુવાર

કુંચીએ કરશનજીને વીનવું‚ મારી સુરતાની લેજો સંભાળ રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) આ કટારી કોઈના કળ્યામાં નાંવે‚ નઈં અણી ને નહીં ધાર‚

ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ઊતરી આરંપાર ;

વારી વારી કહું છું વિઠ્ઠલા ! મારા અવગુણનો ધરશો મા સાર‚

બેડી મ દેશો મારી બૂડવા‚ મારી બેડલી ઉતારજો ભવપાર રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) કુળમાં દાવો મેં છોડયો શામળા ! ફળની મેલી લાર‚

અટક પડે વ્હેલા આવજો‚ મારા આતમના આધાર ;

વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક‚

શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી તરણા બરોબર ટેક રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) સાચા સદગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર

મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર

પાય લાગું પરમેસરા‚ તમે દેખાડયું નિજ ધામ રે

રામદાસ વચને મૂળદાસ બોલે‚ મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે… (દાસી જીવણ)

કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે… દાસી જીવણ – દાવાભાઇ પાનવાળા

કલેજા કટારી રે વ્રેહની કટારી રે‚

હે માડી ! મુંને માવે‚ લઈને મારી રે મારી…

વાંભુ ભરી મુજને મારી‚ વાલે મારે બહુ બળકારી‚

એણે હાથુંથી હુલાવી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

કટારીનો ઘા છે કારી‚ વાલીડે મારી છે ચોધારી‚

ભીતર ઘા બહુ ભારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

જડી બુટી ઓખદ મૂળી‚ કેની એ ન લાગે કારી‚

વૈદ ગિયા હારી રે‚ હકીમ ગિયા હારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

વ્રેહ તણી વેદના ભારી‚ ઘડીક ઘરમાં ને ઘડીક બારી

મારી મીટુંમાં મોરારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

દાસી જીવણ ભીમને ભાળી‚ વારણાં લઉં વારી વારી‚

આજ દાસીને દીવાળી રે‚ ખબરું લીધી હમારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

વાગે ભડાકા ભારી ભજનના… (ભાટી હરજી)

વાગે ભડાકા ભારી ભજનના…હરજી ભાટ્ટી – દાવાભાઇ પાનવાળા

વાગે ભડાકા ભારી ભજનના‚ વાગે ભડાકા ભારી રે હો જી…

બાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો‚ પ્રહલાદ લીધો ઉગારી રે હો જી…

સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો‚ હરિએ નોર વધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

તારાદેનું સત રાખવા માળી બન્યા’તા મોરારી રે હો જી…

સુધન્વાને નાખ્યો કડામાં‚ ઉકળતી દેગ ઠારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

તોળી રાણીએ ત્રણ નર તાર્યા‚ જેસલ ઘરની નારી રે હો જી…

માલે રૂપાનાં હેરણાં હેર્યાં‚ આરાધે મોજડી ઉતારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

પળે પળે પીર રામદેને સમરૂં‚ એ છે અલખ અવતારી રે હો જી…

હરિ ચરણે ભાટી હરજી બોલ્યા‚ ધણી ધાર્યો નેજાધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦