Archive

Posts Tagged ‘વિહાભાઈ મકવાણા’

પ્યાલો અમને પાયો રે – લખીરામ – વિહાભાઈ મકવાણા

પ્યાલો અમને પાયો રે – લખીરામ – વિહાભાઈ મકવાણા

પિયાલો અમને પાયો રે ગુરુએ મારે પ્રેમે કરી
મારી દેયુંમાં દરસાણા રે, હરો હર આપે હરિ…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
પહેલો પ્યાલો લખીરામનો, વળી જુગતે પાયો જોઈ,
કૂંચી બતાવી આ કાયા તણી, વળી કળા બતાવી કોઈ ;
ત્રિકૂટી કેરા તાળાં ઉઘડિયાં, શુન્યમાં દરસાણા સોઈ,
એવું નગર બધું યે નિહાળ્યું રે , જોયું મેં તો જરી યે જરી…..
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
બીજે પિયાલે બુદ્ધિ વાપરી, આવી સંતોની સાન ,
વૈરાટ સ્વરૂપીને વીનવું , મારે જોવાં જમીં આસમાન
આ દેહીમાં દરસાણા સાચા, સતગુરુ મારા શ્યામ ,
એવી લગની મું ને લાગી રે , બેઠો હું તો ધ્યાન ધરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
ત્રીજે પિયાલે ત્રણ ગુણ પ્રગટ્યાં, પાંચ તત્વનો પ્રકાશ,
શૂન્ય શિખરમાં શ્યામ બિરાજે ,અલખ પુરુષ અવિનાશ ;
નવ ખંડ ઉપર નાથજી ! મારે રવિ ઊગ્યાની આશ ,
એવી અગમની ખબરું રે, ગુરુએ મારે દીધી ખરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
ચોથે પિયાલે સાન કરીને, હરિએ ગ્રહ્યો હાથ ,
એકવીસ બ્રહ્માંડ ઉપરે , મારે વાલે બતાવી વાટ ;
એક વાત નિશ્ચે થઈ, તેણે મળીયા મારો નાથ
એવા અમ ગરીબું ઉપરે રે , કેશવરાયે કરુણા કરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
પાંચમો પિયાલો પૂરણ થિયો , ત્યારે ભેટયા ભૂધર રાય ,
અખંડ અમૃત ધારા વરસે, ગેબી ગરજના થાય ;
રૂદિયે રવિ પરગટ થિયો, એને જોતાં રજની જાય ,
એવા સ્વાતિના સરવડાં રે , ઝરમર ઝરમર નૂર તો ઝરે..
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
છઠે પિયાલે સતગુરુ મળિયા, નિરભે થિયો લખીરામ ,
ઘણા જનમથી ડોલતાં , મારે ગુરુએ બતાવ્યાં જ્ઞાન ;
કરમણ ચરણુંમાં લખીરામ બોલ્યા,મેં તો પૂરણ પામી ધામ ,
એવા ગુરુ ચરણે ચિત્ત રાખો રે, ફોગટ ફેરા ઘણા યે ફરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦