Archive

Archive for the ‘લખીરામ’ Category

પ્યાલો અમને પાયો રે – લખીરામ – વિહાભાઈ મકવાણા

પ્યાલો અમને પાયો રે – લખીરામ – વિહાભાઈ મકવાણા

પિયાલો અમને પાયો રે ગુરુએ મારે પ્રેમે કરી
મારી દેયુંમાં દરસાણા રે, હરો હર આપે હરિ…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
પહેલો પ્યાલો લખીરામનો, વળી જુગતે પાયો જોઈ,
કૂંચી બતાવી આ કાયા તણી, વળી કળા બતાવી કોઈ ;
ત્રિકૂટી કેરા તાળાં ઉઘડિયાં, શુન્યમાં દરસાણા સોઈ,
એવું નગર બધું યે નિહાળ્યું રે , જોયું મેં તો જરી યે જરી…..
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
બીજે પિયાલે બુદ્ધિ વાપરી, આવી સંતોની સાન ,
વૈરાટ સ્વરૂપીને વીનવું , મારે જોવાં જમીં આસમાન
આ દેહીમાં દરસાણા સાચા, સતગુરુ મારા શ્યામ ,
એવી લગની મું ને લાગી રે , બેઠો હું તો ધ્યાન ધરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
ત્રીજે પિયાલે ત્રણ ગુણ પ્રગટ્યાં, પાંચ તત્વનો પ્રકાશ,
શૂન્ય શિખરમાં શ્યામ બિરાજે ,અલખ પુરુષ અવિનાશ ;
નવ ખંડ ઉપર નાથજી ! મારે રવિ ઊગ્યાની આશ ,
એવી અગમની ખબરું રે, ગુરુએ મારે દીધી ખરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
ચોથે પિયાલે સાન કરીને, હરિએ ગ્રહ્યો હાથ ,
એકવીસ બ્રહ્માંડ ઉપરે , મારે વાલે બતાવી વાટ ;
એક વાત નિશ્ચે થઈ, તેણે મળીયા મારો નાથ
એવા અમ ગરીબું ઉપરે રે , કેશવરાયે કરુણા કરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
પાંચમો પિયાલો પૂરણ થિયો , ત્યારે ભેટયા ભૂધર રાય ,
અખંડ અમૃત ધારા વરસે, ગેબી ગરજના થાય ;
રૂદિયે રવિ પરગટ થિયો, એને જોતાં રજની જાય ,
એવા સ્વાતિના સરવડાં રે , ઝરમર ઝરમર નૂર તો ઝરે..
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦
છઠે પિયાલે સતગુરુ મળિયા, નિરભે થિયો લખીરામ ,
ઘણા જનમથી ડોલતાં , મારે ગુરુએ બતાવ્યાં જ્ઞાન ;
કરમણ ચરણુંમાં લખીરામ બોલ્યા,મેં તો પૂરણ પામી ધામ ,
એવા ગુરુ ચરણે ચિત્ત રાખો રે, ફોગટ ફેરા ઘણા યે ફરી…
એવો પિયાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી…૦

બેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… (લખીરામ)

બેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… લખીરામ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

બેની મુને ભીતર સતગુરુ મળિયા… – (લખીરામ)

બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે

વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !

બેની ! મું ને…૦

કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;

શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;

કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;

ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;

ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;

ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;

અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;

નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;

કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

મન મતવાલો પ્યાલો ચાખિયો… (લખીરામ)

મન મતવાલો પ્યાલો ચાખિયો… લખીરામ – પ્યાલો – પ્રભુદાસ ગોંડલીયા

મન મતવાલો પ્યાલો ચાખિયો‚ હે જી પ્યાલો પ્રેમ હૂંદો પાયો‚

જરા રે મરણ વા કો ગમ નહીં‚ જરા રે મરણની જેને ભે નહીં ને

સદગુરુ શબદુમાં પાયો… સદગુરુ ચરણુંમાં આવો…

મન મતવાલો…

મન રે મતવાલો પ્યાલો પ્રેમનો‚ પ્યાલો જેણે પ્રેમ હૂંદો પીધો રે ;

જરા રે મરણ વા કો ગમ ભે નહીં ને‚

ગુરુજીના વચનુંમાં‚ ગુરુજીના વચનુંમાં સીધ્યો રે…

મન મતવાલો…

એ… બંક રે નાડી ધમણ્યું ધમે‚ બ્રહ્મ અગનિ‚ બ્રહ્મ અગનિ પરજાળી રે‚

ઈંગલા ને પિંગલા સુખમણા‚

ત્રિકુટિમાં લાગી… ત્રિકુટિમાં લાગી ગઈ તાળી રે…

મન મતવાલો…

વિના દીપક વિના કોડિયે‚ ઘૃત વિના જાગી‚ ઘૃત વિના જાગી જ્યોતિ રે ;

ચાંદો ને સૂરજ દોનું સાખિયા‚

સનમુખ રે’વે‚ સનમુખ રે’વે સજોતિ રે…

મન મતવાલો…

સૂન રે શિખર પર ભઠ્ઠી જલે‚ વરસે અમીરસ‚વરસે અમીરસ ધારા રે‚

અખંડ કુમારી પ્યાલો ભરી લાવે

પહોંચે પીવન સરજનહારા રે…

મન મતવાલો…

ગગન ગાજે ને ઘોયું દિયે‚ ભીંજાય ધરણી‚ ભીંજાય ધરણી અંકાશા રે‚

પંડે ને વ્રેહમંડે ધણી મારો પ્રગટિયા‚

બોલ્યા લખીરામ… બોલ્યા લખીરામ દાસા રે…

મન મતવાલો…