Archive

Archive for the ‘શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી’ Category

પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે, ત્યારે સનકાદિક આવ્યા તેને દ્વાર રે ;
રાજયોગનો અભ્યસ બતાવ્યો રે, જેથી પહોંચી ગયા પરા ને પાર રે…
પૃથુરાજ ચાલ્યા…
ભાઈ રે ! ઉદ્ધવે કૃષ્ણ સાથે સંવાદ કીધો રે, બતાવ્યું પ્રણવનું ધ્યાન રે ;
પ્રણવ જીત્યા ને પરમગતિ પામ્યા રે, જેથી પ્રગટયું નિર્મળ જ્ઞાન રે…
પૃથુરાજ ચાલ્યા…
પાંચ પ્રાણની ગતિ એણે જાણી રે, ભાળિયા ત્રિગુણાતીત અવિનાશ રે ;
કૃષ્ણાકાર સર્વે જગત જણાયું રે, જેનો રોમેરોમમાં વાસ રે…
પૃથુરાજ ચાલ્યા…
એકાગ્ર ચિત્ત કરીને એવો અભ્યાસ આદરજો, લાગે ત્રિગુણાતીતમાં તાર રે
ગંગાસતી એમ બોલિયાં રે, ભાળો અરસપરસ નિરધાર રે…
પૃથુરાજ ચાલ્યા…

એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે, મોટો કહું ઈતિહાસ રે ;
તે ઈતિહાસને સાંભળશો ત્યારે, પ્રગટે પૂરણ મહા વિશ્વાસ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! મનવાણીથી પરની વૃત્તિ જેણે, મોહજીત એવું તેનું નામ રે ;
ભજન કરે છે આઠ પહોર હરિનું, એ તો લે છે નિરંતર નામ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! વેદ જેનાં વખાણ કરે છે રે, જે ખોજ્યો ન આવે હાથ રે ;
બેહદની જેણે ભક્તિ કીધી રે, હરિ રમે છે તેની સાથ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! મળવિક્ષેપ જેના મટી ગયા રે, ટળી ગયા દૂબજાના ડાઘ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એવાને પ્રગટે વૈરાગ રે…
એકાગ્ર ચિત્ત કરીને…

મોહજીત રાજા મહાવિવેકી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મોહજીત રાજા મહાવિવેકી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મોહજીત રાજા મહાવિવેકી રે, જેની બુદ્ધિ છે અગમ અપાર રે ;
સંકલ્પ વિકલ્પ જેને એકે નહિ ઉરમાં રે, જેને લાગ્યો હરિ સે તાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! નિર્મળ ભક્તિ સદાય અવિચળ, જેનો પ્રેમ પ્રગટયો અભંગ રે ;
અમાપ બુદ્ધિ છે સદાય એમની રે, જેને લાગ્યો પરિપૂરણ રંગ…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એક સમે હરિ બેઠા એકાંતમાં ને, નારદ આવ્યા તેની પાસ રે ;
પ્રસન્ન થઈને હરિ ઊઠયા ને, સન્માન કીધું અવિનાશ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! ઘણે દિવસે તમે નારદ પધાર્યા ને, અમને કીધા છે કૃતાર્થ રે ;
ભાગ્ય હોય તો નારદ દર્શન તમારાં ને, તમ પર સદ્દગુરુનો હાથ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! નારદ કહે હરિ સાંભળો રે, મને થયો મનમાં પ્રશ્ન રે ;
જગત સર્વે તમને ભજે છે ને, તમે કોને ભજો છો શ્રીકૃષ્ણ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! મોહજીત રાજા અનન્ય દાસ મારો રે, તેને મારું છે ચિંતવન રે ;
તનમન સર્વે તેણે મને આપ્યા છે, ને પાળે છે ગુરુજીનું વચન રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એવું સુણીને નારદ બોલિયા રે, પરીક્ષા લેવા જાવું આ વાર રે ;
પ્રીતિ કેવી છે એહની ને, કેવો છે તેનો એકતાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! નારદ ત્યાંથી ઊઠયા ને, લાગ્યા હરિને પાય રે ;
મનમાં હરખ છે અતિ ઘણેરો રે, મોહજીતની પરીક્ષા લેવા જાય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! ત્યાંથી નારદ ચાલ્યા રે, ચાલી નીકળ્યા તત્કાળ રે ;
પ્રભાતમાં આવીને ઊતર્યા રે, રાજાની ફૂલવાડી મોઝાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! તંબોળિયા નાગને તુરત તેડાવીને, નારદે કર્યો છે હુકમ રે ;
મહોજીત રાજાના પુત્રને ડંખજો ને, પ્રાણ લેજો તત્કાળ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! મોહજીત રાજાએ પુત્રને કીધું રે, ફૂલ લેવા વનમાં જાઓ રે ;
આજ્ઞા સુણીને પુત્ર ચાલિયા રે, પિતાની આજ્ઞા ધરી મનમાંય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! પુત્ર ઘોડેથી ઊતર્યો રે, લાગ્યો નારદજીને પાય રે ;
ઘોડાને ત્યાં બાંધી કરીને, ફૂલડાં વીણવાને જાય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એવામાં તંબોળિયો નાગ આવ્યો રે, રાજકુમારની પાસ રે ;
જમણે અંગુઠે ડંખ દીધો રે, તુરત તજ્યો તેણે શ્વાસ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! ફૂલ લઈને કુંવર ન આવ્યો રે, ઘણી થઈ ગઈ છે વાર રે ;
બાનડીને કહે છે તું જા વનમાં રે, ફૂલ લેવાને આ વાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! આજ્ઞા માનીને દાસી ચાલી રે, વેગે આવી વનમાંય રે ;
કુંવરને ત્યાં પડેલા ભાળ્યા રે, દાસી લાગી નારદને પાય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! દાસી કહે તમે સાંભળો રે, મંદિર પધારો મહારાજ રે ;
મોહજીત રાજા ભક્ત પરિપૂરણ ને, સર્વે એવો છે સમાજ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! પુત્ર રાજાનો એક જ હતો રે, મરી ગયો વનની માંય રે ;
સાંભળતાં શોક થશે એહને રે, અમે કેમ આવીએ શહેરની માંય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! દાસી કહે મહારાજ સાંભળો રે, ઝાડવેથી પક્ષી ઊડી જાય રે ;
તેવું જ્ઞાન છે મોહજીત રાજાનું રે, તેના મનમાં શોક નવ થાય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એટલું કહી દાસી ઘરે આવી ને, નારદના દીધા સમાચાર રે ;
રાજા ને રાણી, કુંવરની રાણી રે, આવ્યાં છે વનની મોઝાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! આવી નારદને પાય લાગ્યા રે, વૃત્તિ ડોલે નહિ લગાર રે ;
નારદ કહે તમને ધન્ય છે રે, તમને ખરો લાગ્યો છે તાર રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
એટલું કહી પુત્રને સજીવન કીધો ને, નારદને લાવ્યા શહેરમાં ય રે ;
હરિથી વિશેષ હરિના દાસને જાણ્યા ને, આનંદ થયો છે ઉરમાંય…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! નારદ કહે છે માગો માગો તમે રે, માગીએ એક જ વચન રે ;
મોહમાયા અમને નડે નહિ ને, સદાય હરિ પ્રસન્ન રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! એવું કોઈ મળે નહિ રે, જેની માયા દૂર થઈ જાય રે ;
તો તમને માયા કેમ નડે નહિ, જેને સંકલ્પ વિકલ્પ મનમાંય રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
એવો ઈતિહાસ મેં તમને કીધો રે, જેના ચિત્ત ગળ્યા ભક્તિમાંય રે ;
સદ્દગુરુજીને શીશ સોંપ્યા રે, એને નડે નહિ બીજું કાંઈ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…
ભાઈ રે ! આ ઈતિહાસ કોઈ સાંભળે રે, તે થાય હરિનો દાસ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એને આવે પૂરણ વિશ્વાસ રે…
મોહજીત રાજા મહાવિવેકી રે…

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે, સમજવી સદ્દગુરુની સાન ;
વિપત્તિ આવે પણ વૃત્તિ ન ડગાવવી ને, મેલી દેવું અંતરનું માન રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…
પ્રખ્યાતિ પાનબાઈ ! એવાની થઈ રે, જેણે શીશ તો કર્યાં કુરબાન રે ;
વિપત્તિપણું એના ઉરમાં ન આવે ને, જેને મા’રાજ થયા છે મે’રબાન રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…
ભાઈ રે ! શીશ પડે પણ એનાં ધડ લડે ને, જેણે સાચો માંડયો સંગ્રામ રે ;
પોતાનું શરીર જેણે વહાલું નવ કીધું રે, ત્યારે રીઝે રે પાનબાઈ ! રામ…
ભક્તિ વિનાના ભગવાન રિઝાય નહિ રે, ભલે કોટિ કરે ઉપાય ;
ગંગાસતી એમ બોલિયાં રે, આપદા ભક્તિ વિના નવ જાય રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…

આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે, ત્યારે લાગ્યાં સતીને પાય
આજ મને તમે પાવન કીધી ને, અંગમાં આનંદ ન માય રે…
આ ઈતિહાસ જ્યારે…
ભાઈ રે ! મોહરૂપી પડળ ઊઘડી ગયાં રે, હવે બીજું ગોઠે નહિ કાંઈ રે ;
જગત સરવે મને જૂઠું જણાયું ને, જાગ્યો પ્રેમ ઉરમાંય રે…
આ ઈતિહાસ જ્યારે…
ભાઈ રે ! હવે મને આપ અભ્યાસ કરાવો રે, ઈ રે માગું વરદાન રે ;
ભલે રે તમે મારો મોહ ટાળ્યો ને, પવિત્ર તમારાં દર્શન રે…
આ ઈતિહાસ જ્યારે…
ભાઈ રે ! જેથી આવાગમન નડે નહિ ને, જીવદશા મટી જાય રે ;
એવો ઉપદેશ આપો મને રે, જેથી જીવન્મુક્ત દરશાય રે…
આ ઈતિહાસ જ્યારે…
સરલવાણી ગંગાસતીની સાંભળી ને, પૂરણ પ્રગટયો અધિકાર રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, હવે લાગ્યો વચનમાં એકતાર રે…
આ ઈતિહાસ જ્યારે…

વીણવો હોય તો રસ વીણી લેજો – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વીણવો હોય તો રસ વીણી લેજો – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વીણવો હોય તો રસ વીણી લેજો, હવે આવ્યો છે બરાબર વખત ;
ઊભા રે થાઓ પાનબાઈ શૂરવીરપણું દાખવો, લાંબો નથી કાંઈ પંથ…
વીણવો હોય તો રસ વીણી લેજો…
આ રસપાન પાનબાઈ ! અગમ અપાર છે, કોઈને કહ્યો નવ જાય રે ;
એ રસ હું તમને બતાવું પાનબાઈ ! ગુરુની પૂરણ થઈ છે કૃપા ય…
વીણવો હોય તો રસ વીણી લેજો…
આ અજર રસ કોઈથી જરે નહિ, અધૂરાંને આપ્યે ઢોળાઈ જાય ;
પીઓને પિયાલો પ્રેમે કરીને પાનબાઈ ! ત્યારે લે’રમાં લે’ર સમાય રે…
વીણવો હોય તો રસ વીણી લેજો…
આપ્યો રસ ને ખોળામાં બેસાડયાં, મૂકયો છે મસ્તક ઉપર હાથ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, ત્યાં તો નિરખ્યા ત્રિભુવન નાથ…
વીણવો હોય તો રસ વીણી લેજો…

ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે, ફળી ગઈ પૂરવની એને પ્રીત રે ;
ટળી ગઈ અંતરની આપદા ને, પાળી સાંગોપાંગ રૂડી રીત રે…
ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી…
નાભિકમળથી પવન ઊલટાવ્યો ને, ગયો પશ્ચિમ દિશા માંય રે ;
સુરતા ચડી ગઈ શુનમાંય રે, ચિત્તમાંહી પુરુષ ભાળ્યા ત્યાંય રે…
ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી…
અવિગત અલખ અખંડ અનાદિ ને, અવ્યક્ત પુરુષ અવિનાશ રે ;
ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ ને, હવે મટી ગયો જનમનો ભાસ રે…
ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી…
ઉપદેશ મળ્યો ને ટળી ગઈ છે આપદા ને, કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે…
ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી…

હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને, ઘણો કીધો છે ઉપકાર રે ;
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી ને, લાગ્યો અકર્તા પુરુષમાં તાર રે…
હેઠાં ઊતરીને પાયે લાગ્યા…
અખંડ અમર અવિનાશી ભાળ્યા રે, વસ્તુ છે અગમ અપાર રે ;
દયા કરીને મુજને દરશાવ્યા રે, અનામ એક નિરધાર રે…
હેઠાં ઊતરીને પાયે લાગ્યા…
સમજીને વાસના સમાઈ ગઈ રે, અનુપમ છે એક અરૂપ રે ;
આતમાને ભિન્ન નવ જાણો ને, એ તો છે શુદ્ધ નિરંજન ભૂપ રે…
હેઠાં ઊતરીને પાયે લાગ્યા…
સરવેની સાથે મિત્રતા રાખજો રે, નહિ પ્રીત નહિ વેર રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એવું સમજીને કરવી લે’ર રે…
હેઠાં ઊતરીને પાયે લાગ્યા…

જીવ અને શિવની થઈ ગઈ એકતા ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

જીવ અને શિવની થઈ ગઈ એકતા ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

જીવ અને શિવની થઈ ગઈ એકતા ને, પછી કહેવું રહ્યું નથી કાંઈ રે ;
આ રસ પીધો જેણે પ્રેમથી રે, તે સમાઈ રહ્યો ધૂનની માંય રે…
જીવ અને શિવની થઈ ગઈ એકતા…
તમે હવે હરિ ભરપૂર ભાળ્યા રે, વરતો કાયમ ત્રિગુણની પાર રે ;
રમો સદા એના સંગમાં ને, સૂરતા લગાડો બાવનની બહાર રે…
જીવ અને શિવની થઈ ગઈ એકતા…
ભાઈ રે ! મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયાં ને, તૂટી ગઈ સઘળી ભ્રાંત રે ;
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને, જ્યાં વરસે છે સદા સ્વાંત રે…
જીવ અને શિવની થઈ ગઈ એકતા…
સદા આનંદ હરિના સ્વરૂપમાં રે, જ્યાં મટી મનની તાણાવાણ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, તમે પદ પામ્યાં નિરવાણ રે…
જીવ અને શિવની થઈ ગઈ એકતા…

વિવેક રાખી તમે સમજીને ચાલજો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વિવેક રાખી તમે સમજીને ચાલજો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વિવેક રાખી તમે સમજીને ચાલજો ને, વસતું રાખજો ગુપત રે ;
મુખનાં મીઠાં ને અંતરનાં ખોટાં, એવાની સાથે ન થશો લુબ્ધ રે…
વિવેક રાખી તમે સમજીને ચાલજો રે…
અજડ અવિવેકીથી વિમુખ રહેવું, જેની રહેણીમાં નહિ લગાર રે ;
વચન લંપટ ને વિષય ભરેલા રે, એવાની સાથે મેળવવો નહિ તાર રે…
વિવેક રાખી તમે સમજીને ચાલજો રે…
અહંતા, મમતા, આશા ને અન્યાય રે, ઈર્ષા ઘણી ઉરમાંય રે ;
એવા માણસને અજ્ઞાની ગણવા ને, પોતાની ફજેતી થાય રે…
વિવેક રાખી તમે સમજીને ચાલજો રે…
દાઝના ભરેલા દૂબજામાં પૂરા ને, નહિ વચનમાં વિશ્વાસ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, તમે પામજો એવાથી ત્રાસ રે…
વિવેક રાખી તમે સમજીને ચાલજો રે…